દિવ્ય ચક્ષુ
દિવ્ય ચક્ષુ
ડૉ.શ્યામા મહેતાએ રમાની આંખોની સંપૂર્ણ તપાસ કરીને થોડા વ્યથિત થઈને એની આંખોની પરિસ્થિતિ વિશે જણાવ્યું કે "રમા, તારી બંને આંખોમાં એસિડ પડવાથી ખુબ જ નુકશાન થયું છે. અમે અમારાં તરફથી સારવારમાં સંપૂર્ણ કોશિશ કરીશું. પરંતુ આંખોની રોશની કેટલી પાછી આવશે એ અત્યારે કહી શકાય નહીં."
આ સાંભળીને રમાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. માત્ર ૪૫ વર્ષની ઉંમર અને ૬-૬ બાળકો સાથે આ અંધાપો કેવી રીતે સહન કરીશ એ વિચારી એનું મન ખુબ જ દુઃખી થઈ ગયું. રમાને યાદ આવે છે એ ગોઝારી રાત. લગભગ રાત્રે અગિયાર વાગ્યાનો સમય હતો. રમાનો પતિ રમેશ રોજની જેમ જ દારૂના નશામાં ચૂર ઘરમાં આવ્યો. રમાએ જલ્દી જલ્દી ગરમ રોટલી બનાવીને એને થાળીમાં જમવાનું પિરસી આપ્યું. રમેશે એક કોળિયો મોંમાં મુક્યો પછી ગુસ્સામાં જમવાની થાળી દૂર ફેંકી ને બોલ્યો: 'તને બીજું કંઈ રાંધતા નથી આવડતું ? રોજજ રીંગણાનું શાક ખવડાવે છે ?'
રમાએ ધીમે થી જમીન પરથી ખાવાનું ઉપાડ્યું અને બોલી : 'પહેલાં જાતે કમાણી કરીને ઘરમાં પૈસા લાવ પછી તને સારું જમવાનું મળશે. તું તો આખો દિવસ દારૂ પીને પડી રહે છે. હું રાત દિવસ તનતોડ મહેનત કરીને આ છોકરાઓનું અને આપણું પેટ ભરુ છું. એની તને કોઈ પણ કિંમત નથી ? આ રીતે અન્નનું અપમાન થાય ???' એની આંખોમાં ગુસ્સો અને હતાશા બંને ડોકાય રહ્યા હતાં.
રમા નો સામો જવાબ સાંભળીને રમેશ ગુસ્સામાં લાલઘૂમ થઈ ગયો. એણે રમાને મારવાનું ચાલુ કર્યું.એ જોઈને ગભરાઈને એના નાના બે છોકરા મોટી છોકરી રીટાની પાસે જઈને લપાઈ ગયા. પછી રમેશ ગાળો બોલવા લાગ્યો.અચાનક એને શું સુઝ્યું કે એણે સામે પડેલી ઍસિડની બાટલી ઉઠાવી અને રમાની આંખોમાં એસિડ ફેંકી દીધો. આ જોઈ એની મોટી છોકરી રીટા બચાવવા માટે દોડી તો રમેશે એના પર પણ એસિડ ફેંક્યો. પરંતુ એ તરત ખસી ગઈ એટલે એની આંખો બચી ગયી. રમેશ બબડાટ કરતો ઘરની બહાર નીકળી ગયો. રમા અને છોકરાઓની ચિચિયારીઓ સાંભળીને આજુબાજુ નાં લોકો ભેગા થઇ ગયા. એ લોકો રમા અને એની મોટી છોકરી રીટાને શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા. ત્યા બંનેની તાત્કાલિક સારવાર કરાવવામાં આવી. રમાનો કેસ કીકીના નિષ્ણાત ડૉ.શ્યામા મહેતાને સોંપવામાં આવ્યો.
ડૉ.શ્યામા મહેતા રમાની આવી હાલત જોઈને વિચારે ચડી ગયા.
ક્યાં સુધી બનીને લાચાર જીવીશ ,તું સખી ? ક્યાં સુધી પતિનો માર સહન કરીશ, તું સખી ? ક્યાં સુધી બની અબલા નાર, અત્યાચાર સહન કરીશ, તું સખી ? ક્યાં સુધી જીવનનો ભાર સહન કરીશ તું સખી ? ક્યાં સુધી આ ચક્રવ્યુહમા ફસાઈને મરીશ તું સખી ? ક્યાં સુધી?
સ્ત્રીઓની આવી હાલત માટે કોણ જવાબદાર છે ? આપણો સમાજ કે ગરીબી કે અજ્ઞાનતા ........કે સ્ત્રી પોતે ?
આવા અનેક પ્રશ્નો ડૉ.શ્યામાને ઘેરી વળ્યા.
ડૉ.શ્યામાએ રમાને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરી. એને કાળજી પૂર્વક બધી જ દવાઓ અને આંખના ટીપાં આપવામાં આવ્યા. થોડા દિવસ પછી રમાની એક આંખમાં ઠીકઠાક દેખાવા લાગ્યું. પરંતુ બીજી આંખની કીકીમાં ખૂબ જ નુકશાન થયું હોવાને લીધે એ આંખમાં કીકી બદલવાનું ઓપરેશન કરવાની સલાહ આપવામાં આવી.
રમાને એમાં કંઈ સમજાયું નહીં એટલે એણે ડૉ.શ્યામાને પૂછ્યું, 'ડૉ.મેડમ, આંખ બદલાય તો હું તો નહીં બદલાઈ જાઉં ને ? મને ભૂતના સપના તો નહીં આવે ને ? મને મારા છોકરાંઓ ઓળખાશેને ? ' આ સાંભળીને ડૉ.શ્યામાને થોડું હસવું પણ આવ્યું અને એની અજ્ઞાનતા જોઈ થોડું દુઃખ પણ થયું.
ડૉ.શ્યામાએ રમા અને એના સગાને બેસાડીને કીકી બદલવાના ઑપરેશન વિશે વિગતવાર માહિતી આપી. "જુઓ, કોઈ પણ દર્દીની આંખની કીકી સફેદ થઈ ગઈ હોવાથી જો અંધાપો આવ્યો હોય તો એવા કેસમાં
કોઈ માણસના મૃત્યુ પછી દાનમાં મળેલી સારી કીકી બદલવાનું ઓપરેશન કરવામાં આવે તો દર્દીને દેખાતું થઈ શકે છે, જો દર્દીની આંખનો પડદો અને નસ બરાબર કામ આપતા હોય તો ! "
આ સાંભળી રમા બોલી, 'ડોક્ટર, મારી આંખોને પણ નવી રોશની મળશે ?' ડો.શ્યામાએ હકારાત્મક જવાબ આપ્યો કે 'હા , કેમ નહીં ? આપણે સારી કીકી દાનમાં મળે એવી આશા રાખીએ.'
રમાએ પૂછ્યું' ડોક્ટર, આ આંખો કોણ દાનમાં આપે ?'
ડૉ.શ્યામાએ સમજાવ્યું કે 'કોઈ પણ વ્યક્તિને પોતાની આંખો દાનમાં આપવાની ઈચ્છા હોય તો તેઓ કોઈ પણ શહેરમાં આવેલી ચક્ષુ બેંકનો સંપર્ક કરીને જીવતેજીવ ફોર્મ ભરી શકે છે.અને એમના મૃત્યુ પછી આંખ કાઢી શકાય છે. મૃત્યુ પછી સગાંની સંમતિથી પણ ચક્ષુદાન કરી શકાય છે. મૃત્યુ બાદ ૬ કલાક સુધીમાં ચક્ષુદાન કરી શકાય છે. ચક્ષુબેન્ક ૨૪*૭ કલાક સેવા આપે છે."
બધું બરાબર સમજી લીધા બાદ રમાએ કીકી બદલવાનું ઓપરેશન કરવાની સંમતિ આપી. થોડા દિવસ પછી એક સારી કીકી દાનમાં આવતા જ રમાની આંખોનુ ઓપરેશન કરવામાં આવ્યું. ડોક્ટર અને રમાની કાળજી ઉપરાંત ઈશ્વરના આશીર્વાદ થકી રમાને આંખ માં દેખાવા લાગ્યું. રમાએ ઈશ્વર નો ખુબ ખુબ આભાર માન્યો.વળી, કીકી દાનમાં આપનારનો પણ મનોમન આભાર માન્યો.
એ હવે ફરીથી પોતાનું જીવન પહેલાંની જેમ જ જીવવા લાગી, પરંતુ હવે એને પતિનો માર સહન કરવાની કોઈ જરૂર નથી હોતી કારણ કે એણે એના પતિને હંમેશ માટે પોતાની જીંદગીમાંથી બહાર કાઢી દીધો હતો. છતાંયે એ ખુબ ખુશ હતી. એક નવું જીવન માણવાની ખુશી.