અણધારી મુલાકાત
અણધારી મુલાકાત
વરસાદની એક અંધારી રાત. આજે સવારથી જ ચાલુ થયેલી વરસાદની હેલી રોકાવાનું નામ નહીં. રાધાને આજે ઓફિસમાં ખૂબ જ જરૂરી કામ હોવાથી મોડું થઈ ગયું હોય છે. એ દોડીને સ્ટેશન પર પહોંચે છે, પણ એની ટ્રેન ઉપડી જાય છે. હવે શું કરવું ? એ વિચારે છે અને ઘરે વાત કરવા ફોન ઉપાડે છે ત્યારે ફોન. સ્વીચઓફ થાય છે. બેટરી ન હોવાથી. એ હવે ટેક્સી શોધવા માટે નીકળે છે. ભારે વરસાદ હોવાથી એક પણ ટેક્સી દેખાતી નથી. એ ભારે હૈયે પ્લેટફોર્મ પર પાછી ફરે છે. ત્યાં બાંકડા પર બેસીને ખૂબ રડે છે.
ત્યાં જ એક અવાજ આવે છે. "હમમ... મેમ... શું થયું ?' રાધા સામે જુએ છે તો એક હસતો ચહેરો દેખાય છે. એક અજાણ્યો ચહેરો. એક નવયુવાન ગોરો વાન અને ધારદાર આંખો. રાધા એને બધી વાત કહી દે છે. ત્યાર પછી એ અજાણી વ્યક્તિ આવું છું હમણાં કહીને થોડા સમય માટે ગાયબ થઈ જાય છે. રાધાને થયું કે શું એ સપનું જોઈ રહી છે ? ત્યાં તો એ એને માટે ચા નો કપ લઈને આવે છે.
'મેમ,ચા સાથે શું લેશો ?'
રાધા આમ અચાનક કોઈ અજાણી વ્યક્તિ પ્રશ્ન પૂછે તો અવાક થઈ જાય છે.
એ થોડા સ્મિત સાથે કહે છે ' નો થેન્ક્સ ! મને કંઈ જોઈતું નથી '
'ઓકે,તો આ બે કપ આ દેવને અર્પણ !' એમ કહી એ બંને કપમાંથી ચા પી જાય છે. રાધા એને એકીટશે જોયા કરે છે.
'કેમ શું થયું ? તમે ના પાડી તો આ દેવનો શું વાંક ? બાય ધ વે મારું નામ દેવ છે.અને તમારું ?
'રાધા' એણે ટૂંકમાં જવાબ આપ્યો.
'ચા સારી હતી, તમે ખોટી ન પીધી. અહીં આટલા વરસાદમાં ચા મળી મને તો મજા પડી ગઈ. ક્યાં જાઓ છો તમે મેમ ?
'પ્લીઝ મને એકલી મૂકી દો. મારે કોઈ વાત કરવી નથી.'
રાધાએ જવાબ આપ્યો..
'ઓકે, હું તો અંકલેશ્વરમાં રહું છું. અહીં વડોદરામાં આઈ ટી કંપનીમાં કામ કરું છું. આજે આ વરસાદને લીધે થોડું મોડું થઈ
ગયું તો ટ્રેન નીકળી ગઈ. હવે બીજી ટ્રેન ખબર નથી ક્યારે આવશે !'
હવે રાધાને થયું કે આમ તો માણસ વ્યવસ્થિત છે પરંતુ અજાણ્યો છે એટલે એને સંકોચ થતો હતો. એણે ધીમે રહીને પૂછ્યું, "મિસ્ટર દેવ, શું હું તમારા મોબાઇલ પરથી એક કૉલ કરી શકું છું ? મારા મોબાઈલની બેટરી ચાર્જ નથી. બહુ મોડું થઈ ગયું છે અને મારી મમ્મી ચિંતા કરતી હશે."
"હા, કેમ નહીં ? લો મારો મોબાઈલ ફોન અને વાત કરી લો " દેવે ખિસ્સામાંથી સ્માર્ટફોન કાઢીને તરત જ રાધાને આપ્યો.
રાધાએ ઘરે વાત કરી લીધી પછી એ થોડી સ્વસ્થ થઈ.
"થેન્ક્સ... તમારી મદદ માટે. હવે હું જાઉં. ટેક્સી મળી જશે " રાધાએ કહ્યું.
" ટેક્સી ? અરે મેડમ, બહાર જુઓ તો ખરા ! બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. વરસાદને કારણે શહેરમાં બધે જ પાણી પાણી થઈ ગયું છે. હવે તો રેલવે ટ્રેક પર પણ પાણી ફરી વળ્યા છે. બધી ટ્રેનો રદ કરવામાં આવી છે. હવે તો આ વરસાદ બંધ થાય પછી જ આ પરિસ્થિતિ સુધરી શકે છે. ભગવાનનો પાડ માનો કે તમે સ્ટેશન પર પહોંચી ગયા.નહીં તો ..."
"નહીં તો શું ? આજે હવે આ પ્લેટફોર્મ પર જ રાત કાઢવી પડશે ? " રાધાએ ગભરાઈને પૂછ્યું.
"ચિંતા ન કરો. સવાર સુધીમાં તો ટ્રેન વ્યવહાર ચાલુ થઈ જશે. આપણે આ વેઇટીગ રૂમમાં બેસીએ. હું તમારા માટે કંઈ ખાવાનું લઈ આવું" દેવ રાધાને સાંત્વના આપી બોલ્યો.
રાધાને હવે થોડી ધરપત થઈ. એ વિચારે ચડી ગઈ. આ વરસાદની રાત. આ અણધારી મુલાકાત. બંને જણા એકબીજા સાથે આખી રાત વાતો કરતા રહ્યા. આમ પણ આવી પરિસ્થિતિમાં કોઈને ઊંઘ ક્યાં આવવાની હતી ? બંને જણા વચ્ચે મૈત્રીનો સંબંધ બંધાયો. એકબીજા સાથે ફોન પર વાતો કરવાનો સંબંધ બંધાયો. ક્યારેક પરિસ્થિતિ એકબીજાથી સાવ અજાણ્યા લોકોને અચાનક આમ મળવા માટે કારણરૂપ બનતી હોય છે. એને જ સંજોગ કહેવાય છે...