ચતુર ચિત્રકાર
ચતુર ચિત્રકાર


એક નાનકડું ગામ હતું. આ ગામ ખુબ જ સ્વચ્છ, સુંદર અને હરિયાળું હતું. વૃક્ષોથી શોભતું હતું. આ ગામમાં એક ચિત્રકાર રહેતો હતો. તે ખુબ જ સુંદર ચિત્રો બનતો હતો. તેને પ્રકૃતિના સુંદર ચિત્રો બનાવવા ખુબ જ ગમતા હતા. તેના ઘરની બાજુમાંથી એક નદી પસાર થતી હતી. આ નદીને કિનારે એક સરસ મજાઓ બગીચો હતો. ચિત્રકારને આ બગીચો ખુબ જ ગમતો હતો. તે રોજ ત્યાં બગીચામાં જતો અને સુંદર મજાના ચિત્રો બનાવતો હતો.
એકવાર તે બગીચામાં બેઠો બેઠો ચિત્ર બનાવી રહ્યો હતો. ત્યારે તેની નજર બાજુમાંથી વહેતી નદી પર પડી. નદી ખુબ જ સુંદર દેખાતી હતી. એટલે તેને નદી કિનારે ત્યાં બેસી ચિત્ર બનાવવાનું નક્કી કર્યું. તે જેમ જેમ નદીની નજીક જતો ગયો. તેમ તેમ નદી વધુને વધુ સુંદર લાગતી ગઈ. કારણકે જેમ જેમ આગળ સુંદર જંગલ આવતું જતું હતું. આમ કરતાં ખસતાં ખસતાં એ ચિત્રકાર છેક જંગલમાં પહોચી ગયો. ત્યાનું પ્રાકૃતિક સૌન્દર્યા જોઈ તે રાજી રાજી થઇ ગયો. અને ત્યાં બેસી સુંદર ચિત્રો બનવવા લાગ્યો.
એ ચિત્રકાર ત્યાં બેઠો બેઠો ચિત્ર બનાવતો હતો. એક સિંહ ત્યાં આવ્યો. આ ચિત્રકારને જોઇને સિંહે એક ત્રાડ નાંખી. પહેલા તો અચાનક સિંહને આવેલો જોઇને તે ડરી ગયો. પણ તે હિંમત હાર્યો નહિ. તેને સિંહને સલામ કરી અને કહ્યું, ‘જંગલના મહારાજા સિંહ હું એક ચિત્રકાર છું. સુંદર ચિત્રો બનવું છું. અને આજે આપનું સુંદર ચિત્ર બનાવવા આ જંગલમાં આવ્યો છું. સિંહ તો રાજી થઇ ગયો. તે ચિત્રકારની સામે મોઢું કરી બેસી ગયો. થોડીવાર પછી ચિત્ર બનાવ્યું. પછી બોલ્યો, ‘મહારાજ તમારું નજીકનું અને આગળના ભાગનું ચિત્ર બની ગયુ છે. હવે તમારા પાછળના ભાગનું અને દૂરનું એક ચિત્ર બનવવાનું છે. એટલે આપ થોડાક દૂર જઈને મોઢું જંગલ બાજુ કરી બેસો એટલે હું આપનું પાછળના ભાગનું ચિત્ર બનાવી લઉં.
સિંહ તો ચિત્રકારની વાતોમા આવી ગયો. અને થોડેક દૂર જઈ જંગલ બાજુ મોઢું કરી અને ચિત્રકાર બાજુ પીઠ કરી બેસી ગયો. બસ ચિત્રકાર આજ ક્ષણની રાહ જોતો હતો. જેવો સિંહ દૂર જઈને પીઠ ફેરવીને બેઠો ચિત્રકાર ઓ દબાતા પગલે ચુપચાપ જંગલમાંથી ભાગીને ગામમાં આવી પોતાના ઘર ભેગો થઇ ગયો. એ પછી એ કોઈ દિવસ એ બાજુ ફરક્યો પણ નહિ. જે કામ બળથી નાં થાય તે કાળથી થાય.