ચિત્રકાર
ચિત્રકાર
એક ચિત્રકાર હતો. એટલા સરસ ચિત્રો દોરતો કે જોવાવાળા જોતાં રહી જતાં. એનાં ચિત્ર આબેહૂબ જોવા મળતાં. એના ચિત્રોમાં એવી કરામત હતી, કે જોવાવાળા એના ચિત્રો જોઈને મંત્રમુગ્ધ થઈ જતાં હતાં.
ચિત્રકારની કીર્તિ ચારે દિશામાં ફેલાઈ ગઈ. એને મળવા, એના પાસેથી શિખવા માટે હજારો લોકો આવતા. એ જયાં પણ જતો ત્યાં હજારો લોકોનું ટોળું ઉમટી પડતું.
એક વખત એ ચિત્રકાર, એક શહેરમાં આવ્યો. એમનો ઈન્ટરવ્યુ લેવા કેટલાક પત્રકારો પણ આવ્યા હતા. એમાંથી એક પત્રકારે પ્રશ્ન કર્યો ? " કે તમે આટલાં સરસ ચિત્રો દોરો છો. તો એમાં એવું તો શું કરો છો કે ચિત્રો આટલાં સરસ બની જાય છે. એવી તો તમે શું કરામત કરો છો ?"ચિત્રકારે જવાબ આપ્યો કે "હું તો ફક્ત એટલું જ વિચારું છું કે આ મારા જીવનનું મારું છેલ્લું ચિત્ર છે અને હું એમાં ઓતપ્રોત થઈ જાઉં છું, આ ચિત્ર જ મારું જીવન હોય એવો એમાં ખોવાઈ જાઉં છું. હું જે પણ કરું છું એ હૃદયથી કરું છું."
તાળીઓના ગડગડાટથી આખુંયે શહેર જાણે ગુંજી ઊઠ્યું.
