બતકનું બચ્ચું
બતકનું બચ્ચું


એક સરસ જંગલ હતું. આ જંગલમાં અનેક પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતાં. સરસ મજાની નદી પણ વહેતી હતી. એ નદીના પાણીના લીધે જંગલમાં કેટલાંક તળાવ, ખાબોચિયા અને વાવ પણ હતાં. આ તળાવ અને નદીમાં અનેક જાતના પાણીમાં પક્ષીઓ અને જનાવર પણ રહેતા હતાં. આ જંગલમાં એક બતકનું પરિવાર પણ રહેતું હતું.
આ બતકના પરિવારમાં એક નાનું બચ્ચું પણ હતું. આ બચ્ચું જરાક મોટું થયું એટલે તેની માં તેને નદી કિનારે લઈ ગઈ. અને કહ્યું, જો આ નદી છે. તેમાં મગર રહે. ચાલ હું નદીના પાણીમાં તરતા શિખવાડું. પણ બચ્ચા એ ના જ પાડી દીધી. કહે,
ન્હાય કોણ, તરે કોણ ?
ઠંડા પાણીમાં પડે કોણ
હું તો નહિ તરું ?
બચ્ચાની માને એમ કે કદાચ નદીમાં પાણી વધારે છે, એટલે બચ્ચાને ડર લાગતો હશે. એટલે બતક તેના બચ્ચાને નજીકના એક તળાવમાં લઈ ગઈ. ત્યાં જઈને કહ્યું, જો આ તળાવ છે. આમાં નદી કરતાં ઓછું પાણી હોય . આમાં દેડકા રહે. સરસ મજાના કમળના ફૂલ પણ ખીલે છે. ચાલ તને તળાવના પાણીમાં તરતા શિખવાડું. પણ બચ્ચે તો અહીં પણ ના જ પાડી. બચ્ચું કહે
ન્હાય કોણ, તરે કોણ ?
ઠંડા પાણીમાં પડે કોણ
હું તો નહિ તરું ?
હવે બચ્ચાની માને ચિંતા થવા લાગી. બતકનું બચ્ચું તારે નહિ એતો કેમ...!, ચકલીના બચ્ચા ઉડે, મરઘીના બચ્ચા દોડે અને બતકના તરે. આ બચ્ચું તરે નહિ તો કેમ ચાલે. આમ વિચારી તે પોતાના બચ્ચાને એક નાના પાણીના ખાબોચિયા પાસે લઈ ગઈ. ત્યાં બિલકુલ ઓછું પાણી હતું. તે ખાબોચિયામાં નાની માછલીઓ જ હતી. કેટલાંક અળસિયા પણ હતાં.બચ્ચાની માએ કહ્યું, ચાલ તને તરતા શિખવાડું, પણ બચ્ચું તો કહે,
ન્હાય કોણ, તરે કોણ ?
ઠંડા પાણીમાં પડે કોણ
હું તો નહિ તરું ?
હવે બચ્ચની મા તો હિંમત જ હારી ગઈ. તેને અ વાત ના છુટકે બચ્ચાના પપ્પાને કહી. બચ્ચાના પપ્પા તો ખુબ ગુસ્સા વાળા એતો તરત બચ્ચાને લઈને એક વાવ પાસે આવ્યા.વાવ ખુબ ઊંડી હતી. તેમાં પાણી પણ હતું. બચ્ચાના પપ્પાએ બચ્ચાને કહ્યું, જો જરા નીચે જો, વાવમાં કેવું સુંદર પાણી છે. બચ્ચું જેવું જોવા માટે નીચું નમ્યું બચ્ચાના પપ્પાએ તેને ધક્કો દીધો. એ છાબક કરતુ વાવમાં જઈને પડ્યું.
શરુ શરૂમાં તો તે ડૂબવા લાગ્યું અને બુમો પાડવા લાગ્યું. પછી તે બચવા માટે પાંખો ફફડવા લાગ્યું. તેને તરતા આવડી ગયું. પછી તો તેને તરવાની ખુબ જ મજા આવી. તેની મા પછી તેને ખાબોચિયું, તળાવ, નદી એમ દરેક જગ્યાએ તરવા લઈ ગઈ. બચ્ચું તો રાજી રાજી થઈ ગયું.