ભગવાન : અત્ર, તત્ર, સર્વત્ર !
ભગવાન : અત્ર, તત્ર, સર્વત્ર !
નારદ નગર નામનું એક ગામ હતું. ગામ માં "કેશવ આચાર્ય" નામનો ભગવાન માં ખુબ જ માનનારો બ્રાહ્મણ એની પત્ની અને એકની એક દીકરી જોડે રહેતો હતો. કેશવજી ગામમાં આવેલા શિવ મંદિર ની પૂજા કરે અને કર્મકાંડ નું કામ કરી મળતી દક્ષિણામાંથી પોતાનુ ઘર ચલાવતા ! કેશવજી દયાળુ અને સેવાભાવી વ્યકિત હતા. તેઓ ક્યારેય પણ બીજાના કાર્ય કરવામાં પોતાનો સ્વાર્થ ના જોતા. હંમેશા એમના મોઢે ભગવાનનું જ નામ હોય !
કેશવજીનો રોજનો નિત્યક્રમ સવારે સૂર્યાદય પહેલાં ઊઠી દૈનિક કાર્ય પતાવી મંદિરે સેવા પૂજા કરતા અને સાંજ ના સમય મંદિરના ઓટલે બેસી શિવ નામની માળા જપતા અને જોડે નાના બાળકો ને પ્રસાદ આપતાં. કેશવજી ને અબોલા જીવ પ્રત્યે લાગણી એટલે રસ્તે મળતાં અબોલા જીવોની સેવા પણ કરતા !
સવારનો સમય હતો. કેશવજી સ્નાન આદિ કરી ઘેરથી નીકળતા હતા ને ત્યા એમના ધર્મપત્ની બોલ્યા,"એ સાંભળો ! હવે દીકરી આપણી મોટી થઈ એને સાસરે વળાવવાનું અને લગ્ન માટે દર દાગીના નું વિચારો હવે !"
કેશવજી:- "તમે ચિંતા ના કરશો બધું જ સમય પર થશે !" એટલું બોલી કેશવજી મંદિર જતાં રહ્યા.
કેશવજી મંદિરે પહોચી પૂજા આરાધના આદિ કર્મ કરી. "ભોલેનાથ" સામે હાથ જોડીને કહ્યુ,"હે,દેવો ના દેવ મહાદેવ ! તું ભૂત, ભવિષ્ય અને વર્તમાન સર્વસ્વ જાણે છે ! તારાથી કાંઈજ છૂપું નથી. હે, ત્રિલોકના સ્વામી, ક્યારેય કોને કેટલું આપવું એ તું ઠીક થી જાણે છે ! મારા જીવનમાં આવેલ દીકરીના લગ્નની ચિંતા તું જાણે છે ! હું તો રહ્યો નિર્ધન બ્રાહ્મણ ! દીકરી ના લગ્ન કાજે હું ધન કયાંથી લાવું? હે, નીલકંઠ ! આ કાર્ય ની ચિંતા હું તને આપી, હું ચિંતામુક્ત થાઉં છું. હવે તું જાણે ને તારા કામ ! દીકરીના લગ્ન કરાવ કે ના કરાવા એ તારું કામ ! મને તારો હર એક નિર્ણય વ્હાલો જ હશે ! હું જાણું છું મારો "ભોળો" કયારેય પણ મારા અહિત નું નહી જ કરે ! હર હર મહાદેવ !" કેશવજી એકદમ ચિંતામુક્ત થઈ પોતાના નિત્યક્રમમાં લાગી ગયાં !
બસ, આમને આમ દિવસો વીતવા લાગ્યા. કેશવજી ભગવાનની સેવા અર્ચના કરી પોતાના કાર્ય માં રહેતા. એકદિવસ, કેશવજી શિવ મંદિર ના ઓટલે બેસીને શિવ નામની માળા ના જાપ માં લીન હતા. ત્યા એક વ્યકિત દર્શન કાજે આવ્યો. પેલી વ્યકિત દર્શન કરી ને બહાર ઓટે બેસેલા કેશવજી પાસે આવીને એમના પગે લાગ્યો ! કેશવજી ની આંખ ખુલી અને કેશવજી એ પેલી વ્યકિત ને આશીર્વાદ આપ્યા !
પેલી વ્યકિત બોલી,"કેશવજી, મને ઓળખ્યો?"
કેશવજી:- ના, ભાઈ ! કોણ તમે?
પેલી વ્યકિત:- "વર્ષો પહેલા આ મંદિરના ઓટલે તમને એક નવજાત શિશુ મળ્યુ હતું ! જેને તમે ગામના શેઠ કે જેઓ તમને માનતા હતા અને જે નિ:સંતાન હતા ! એમના કલ્યાણ માટે પેલું બાળક એજ શેઠ ને આપી શેઠને સંતાન સુખ આપ્યુ હતું ! યાદ આવ્યુ?"
કેશવજી:-"અરે......હા,હા યાદ છે ! યાદ
છે !
પેલી વ્યકિત:-"કેશવ મારાજ એ બાળક હું પોતે છું ! મને મારા પિતા શેઠ કરશનદાસે બધી હકીકત કહી હતી ! કળિયુગ માં કોઈ વ્યકિત કોઈ નું સ્વાર્થ વગર સારું કરતી નથી, ત્યા તમે મુજ જેવા અનાથ બાળક ને દુનિયાની હરએક ખુશી આપી દીધી ! તમારો ઉપકાર હું ક્યારેય ના ભૂલી શકીશ !
કેશવજી:-"દીકરા, હું તો ખાલી માધ્યમ બન્યો હતો ! લીલા કરવાવાળો તો મારો ભોળો છે ! એમનો આભાર માન !
પેલી વ્યકિત:- ભગવાન નો અને તમારો બંનેનો આભાર માનવા જ અહીંયા આવ્યો હતો ! અને હા હવે તો ઉપકારનો બદલો આપીને જ જઈશ !
કેશવજી:-" કેવો.....ઉપકારનો બદલો ?"
પેલી વ્યકિત:- "ગામમાં આવી ! પહેલા હું તમારા ઘર નું ઠેકાણું પૂછતા પૂછતા તમારા ઘરે પહોંચ્યો ! ઘર ની ડેલીએ ટકોર કરવા જ જતો હતો ને ત્યા અંદરથી મને આંસુ સાથે બોલતી સ્ત્રીનો અવાજ આવ્યો ! એ એમની દીકરીના લગ્નની ચિંતા કરતા હતા અને એમની જોડે લગ્ન માટે મૂડી નહોતી એ પણ મેં સાંભળ્યુ ! અને પછી મેં ડેલી પર ટકોર મારી તો તમારા ધર્મપત્ની બહાર આવ્યા ને મને જણાવ્યું કે તમે આ મંદિરે બેઠા હશો એટલે હું અહીંયા પહોંચ્યો !
એટલું કહી પેલી વ્યકિતએ નાણાંથી ભરેલી પોટલી કેશવજીને ધરી દીધી અને કહ્યુ,"હું જાણી ગયો છું એ દીકરી તમારી છે એટલે કાંઇ પણ બોલ્યા વિના લઇ લેજો તમને તમારા "ભોળા" ના સોગંધ ! અને હા તમારી દીકરીના લગ્નનો ખર્ચ અને તમારા જીવન નિર્વાહ ની જવાબદારી હું જ અદા કરીશ તમારો પુત્ર બનીને !
કેશવજીની આંખોમાંથી આંસુ નીકળી ગયાં અને શિવ પાસે જઈને દંડવત પ્રણામ કરી શિવને કહેવા લાગ્યા,"તું તો મારી કેટલી ચિંતા કરે છે, જે દીકરી ના લગ્નની ચિંતા મને આજ કાલ થઈ, એની વ્યવસ્થા તે વર્ષો પહેલા જ કરી રાખી હતી ! એ તો એ...મારા જીવનની પણ તને આટલી ચિંતા? મેં તો એક પાત્રમાં જળ માગ્યું હતું તે તો સરોવર આપી દીધું ! ધન્ય છે તું પરમેશ્વર, ધન્ય છે ! મારા શિવ શંભુ સાચે જ તારી કરુણાનો કોઈ પાર નથી ! હર હર મહાદેવ !"
મિત્રો, ઇશ્વર તો સર્વત્ર છે ! મનુષ્ય અને અબોલા પશુ-પંખી પ્રત્યે સત્ય, પ્રેમ, દયા અને નિ:સ્વાર્થ સેવા ! એમાં ઈશ્વર જ છે ! ઇશ્વર એટલો દયાળુ છે જે થોડા સારામાં ઘણુ આપી દે છે ! પણ...પણ એના માટે માનવીય ગુણો સાથે પ્રભુમાં વિશ્વાસ અને ભકિતની જરુર છે ! જીવન ફક્ત મોજ મજા માટે નથી આ જીવન પ્રભુ એ આપણ ને ખાસ કાર્યોથી આપ્યુ છે ! જીવો પ્રત્યે કલ્યાણના કાર્યો કરી પ્રભુનું નામ લઇ જીવન મરણના ચક્રમાંથી મુકત થઈ પરમેશ્વરમાં હંમેશ માટે સમાઈ ને "મોક્ષ" પામી જઉં એજ માનવનો ધ્યેય હોવો જોઈએ ! જે સાંસારીક જીવન જીવીને પણ આપણે કરી શકીએ છીએ !
"હે માનવ ! કરી લે જે સારા કર્મ ! કોણ જાણે કાલ તારી કેવી વાટ જોતી હશે, જે મોહ અને પૈસા પાછળ ઘેલો થયો છે એ મોહ પૈસો નહી, સારા કર્મો જ તુજ સંગ ચાલશે !