ભાઈ-બહેન
ભાઈ-બહેન
એક નાનકડું ગામ હતું. તે ગામ ખુબ સુંદર અને રળિયામણું હતું. આ ગામ દરિયા કિનારે આવેલું હતું. તે ગામમાં નીતા અને મેહુલ નામના બે ભાઈ બહેન રહેતા હતા. આમ તો આ ગામ તેમના મામાનું ગામ હતું. કેમ કે મેહુલ અને નીતાના મા-બાપ નાનપણમાં જ મરી ગયાં હતા. એટલે તે લોકો આ ગામમાં તેમનાં મામા-મામી સાથે રહેતા હતા. તેમના મામાનો સ્વભાવ ખુબ જ સારો હતો. પણ મામી ખુબ જ કડક સ્વભાવની અને ગુસ્સવાળી હતી. તે નીતા પાસે ઘરનું બધું કામ કરાવતી. અને મેહુલને પણ ખેતરનું બધું કામ કરાવતી હતી.
હવે એમ કરતાં કરતાં સમય વીતવા લાગ્યો. નીતા આમ પણ મેહુલ કરતાં મોટી હતી. એટલે તેના લગ્ન કરવામાં આવ્યા. નીતાને સારા ઘરનું સાસરું મળ્યું. તે લગ્ન કરીને સારે ચાલી ગઈ. આ બાજુ નીતાના ચાલ્યાં જવાથી મેહુલને ગામમાં ગમતું નહિ. એટલે તે પણ નોકરી કરવા માટે શહેરમાં ચાલ્યો ગયો. ત્યાં જઇ અને એક દુકાનમાં નોકરી કરવા લાગ્યો. તેણે સારો પગાર પણ મળતો હતો. તેણે પોતાની બહેન નીતા ખુબ જ યાદ આવતી હતી.
આ બાજુ નીતા પણ પોતાના ભઈને ખુબ યાદ કરતી. એમ કરતાં કરતાં ત્રણ-ચાર વરસ વીતી ગયા. હવે એક વખત દિવાળીનો તહેવાર આવ્યો. નીતાની દેરાણી-જેઠાણીઓ વાતો કરી રહી હતી. આ વખતે ભાઈ-બીજના દિવસે અમરભાઇ અમને
મળવા આવવાના છે. તેમણે નીતાને પણ પૂછ્યું કે ‘નીતા તારો ભાઈ તને મળવા આવશે કે નહિ?’ ત્યારે નીતાએ કહ્યું, ‘હા મારો ભઈ પણ મને મળવા ચોક્કસ આવશે.’ તેણે પોતાના ભાઈને શહેરમાં ચિઠ્ઠી લખી અને ભાઈ-બીજના દિવસે પોતાના ઘરે જમવા આવવાનું કહ્યું.
દિવાળી પૂરી થઈ અને ભાઈ-બીજનો દિવસ આવી ગયો. બધી દેરાણી જેઠાણીના ભાઈ આવી ગયાં. તેઓ પોતાની બહેનો માટે સરસ મજાની સાડીઓ પણ ભેટમાં લાવ્યા હતા, પણ હજી સુધી નીતાનો ભાઈ મેહુલ આવ્યો ન હતો. નીતાને ખુબ ચિંતા થતી હતી. જો મેહુલ નહિ આવે તો દેરાણી જેઠાની અને સાસુ સસરા વચ્ચે તેની આબરુ જશે. તે પોતાના ભાઈની રાહ જોતી ગામને ગોદરે બસસ્ટેન્ડ આવીને ઉભી રહી. થોડીકવાર થઈ અને શહેરમાંથી એક બસ આવી. તે બસમાં નીતાનો ભાઈ મેહુલ પણ આવ્યો.
મેહુલને જોઈને નીતા ખુશ ખુશ થઈ ગઈ. તે મેહુલને પોતાના ઘરે લઇ ગઈ. તેની ખુબ આગતા સ્વાગતા કરી. અને ખુબ ભાવથી તેનું ભાવતું ભોજન બનાવીને જમાડ્યો. મેહુલ પણ નીતા માટે સરસ મજાના કપડાં અને દાગીનાં પણ લાવ્યો હતો. આ બધી ભેટ જોઈને નીતાના દેરાણી-જેઠાની અને સાસુ-સસરા છક જ થઈ ગયાં. તેમણે નીતાના અને તેના ભાઈનાં ખુબ જ વખાણ કર્યા. અને ભાઈ-બહેનના પ્રેમના વખાણ કરવા લાગ્યા, ‘કે ભાઈ-બહેન હોય તો આવા.’