બબલી
બબલી
એક રામપુર નામનું ગામ હતું. તેમાં એક ગોપાલ નામનો ખેડૂત રહેતો હતો. તેનો સ્વભાવ ભારે કંજૂસ હતો. તે ખેતરમાં પોતાના બળદ પાસે ખુબ કામ કરાવતો, એટલું જ નહિ તે નાની બકરી બબલી પાસે પણ ખુબ કામ કરાવતો. તેની પત્ની પાર્વતીને આ જરાય પણ ગમતું ન હતું. તે ઘણીવાર તેના પતિને આમ ન કરવા સમજાવતી. પણ ગોપાલ કહેતો કે જો હું ખેતરમાં કામ કરવા બળદ લાવું તો એ કામ કરે પણ એ ઘાસ વધારે ખાય, પણ જો બકરી હોય તો ઘાસ ઓછું ખાય.
આમને આમ બિચારી બબલી બકરી રોજ હેરાન થતી. આંખો દિવસ કામ કરીને થાકી જતી. સાંજે તે ઘરની બહાર બેથી હોય ત્યારે ગામની રીટા બકરી તેની સહેલીઓને લઈને આવે. અને તેની આગળ થઈને પસાર થાય અને રમવા જાય. તેમને જોઈને બબલીને પણ રમવા જવાની ખુબ ઈચ્છા થતી. પણ તે મનમાં જ રાખતી. તે કોઈને કહીં શકતી નહિ.
એકવાર બબલી બહાર બેઠી હતી. ગોપાલ ત્યારે બહાર ગામ ગયેલો હતો. એવો વખત જોઈને બબલીએ રીટાને પોતાની આપવીતી કહી સંભળાવી. આ બધું સાંભળી રીટા બકરી ખુબ જ દુખી થઈ. અને ગોપાલ પર ગુસ્સે થઈ. તેમણે ગમે તેમ કરીને બબલી બકરીને ગોપાલની ગુલામીમાંથી છુટા કરવાનું નક્કી કર્યું. એના માટે તેમણે સાથે મળીને એક સુંદર યોજના બનાવી લીધી.
રોજની જેમ બબલી થાકીને આંગણા બેઠી બેઠી વિચાર કરતી હતી. ગોપાલ પણ તેની બાજુમાં જ બેઠો હતો. એટલામાં રીટા બકરી પોતાની આખી ટુકડી લઈને ત્યાં આવી પહોંચી. અને બબલી બકરીને જોઈને જોર જોરથી બુમો પાડવા લાગ્યા. ગોપાલે તેમણે ભગાડવાના ખુબ પ્રયત્નો કર્યા પણ તેઓ ખસી જ નહિ. બસ પછી તો રીટા અને તેમની ટુકડીનો આ નિત્યક્રમ બની ગયો.
રોજ સાંજ પડે એટલે રીટા બકરી અને તેની ટુકડી ગોપાલના ઘર આગળ જઈને બુમાબુમ કરે. રોજના આ ત્રાસથી થાકીને આખરે એક દિવસ ગોપાલે બબલી બકરીને આઝાદ કરી દીધી.પછી રીટા બકરી બબલી બકરીને પોતાની સાથે ટુકડીમાં લઇ ગઈ. હવે બબલી પણ રીટાની ટુકડી સાથે રમી શકતી હતી.
