બાળપણ
બાળપણ


ભણવાને હું બેસું એવા જોવાને બોલાવે,
વડદાદા કોયલડી પાસે ટહુકાઓ ચીતરાવે !
લખું કશું તો શબ્દો સઘળા પતંગિયા થઈ જાતાં,
રંગબેરંગી પાંખો લઈને મારી ફરતે ગાતાં.
એની પાંખે બેસીને મન ફરતું ફૂલે-ફૂલે,
અહા ! મજાનું હિલ્લોળા લેતું એ કેવું ઝૂલે.
થાતું કે વાદલડી પાછળ જઈ સંતાઈ જાઉં,
મમ્મી-પપ્પા છો ને શોધે, કોઈને ના દેખાઉં !
રાત પડે એ પહેલાં નભને રંગું ધોળા રંગે,
તારલિયાની ટોળીને લઈ જાઉં મારી સંગે.
સંતાકૂકડી રમી રમીને જ્યારે થાકી જાઉં,
ચાંદામામાના ખોળામાં જઈને પોઢી જાઉં.