અવિચારી પગલું
અવિચારી પગલું
એક નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તેને એક પત્ની હતી અને એક નાનું બાળક હતું. જે ઘોડીયામાં રમતું હતું. તેનું નામ નાનકો. બ્રાહ્મણની પત્નીએ એક નોળિયાને પાળ્યો હતો. આ નોળિયો ખુબ જ વફાદાર હતો. તે હંમેશા બ્રાહ્મણના નાના દીકરાની સારસંભાળ અને ચોકી કરતો હતો. તે નોળિયાનું નામ માણકો રાખ્યું હતું.
એકવાર બ્રાહ્મણ કોઈ કામથી બહાર ગામ ગયો. અને બ્રાહ્મણની પત્ની કુવે પાણી ભરવા માટે ગઈ. ઘરમાં નાનકો અને માણકો એકલા જ હતા. બ્રાહ્મણની પત્નીને પાણી ભરીને આવતા વાર લાગી. તેના મનમાં અનેક વિચાર આવવા લાગ્યા. ઘરે નાનકો એકલો છે. એવી ચિંતા કરતી તે ઝડપથી ઘરે આવી. ઘરે આવીને જોયું તો માણકો નોળિયો ઘરના ઉંબરા પર બેઠો હતો. પણ તેનું મોઢું લોહીવાળું હતું.
તેનું લોહીવાળું મોઢું જોઈને બ્રાહ્મણની પત્નીને મનમાં કુશંકા જાગી. તેણે ઘરમાં જઈને જોયું તો ઘરમાં નાનકાના ઘોડીયામાં લોહી પડ્યું હતું. તેને થયું કે નક્કી આ માણકા નોળિયા એ જ મારા દીકરાને મારી નાંખ્યો છે. એટલે તેણે કોઈપણ જાતનો વિચાર કર્યા વગર પાણી ભરેલું માટલું નોળિયાની ઉપર પછાડ્યું. માણકો નોળિયો મરી ગયો.
બ્રાહ્મણની પત્નીએ ફરી ઘોડીયામાં જઈને જોયું તો નાનકો તો જીવતો હતો. ઘરના એક ખૂણામાં એક સાપ મરેલો પાડ્યો હતો. તેને હવે આખી વાત સમજાઈ ગઈ. કે માણકા નોળીયાએ ઘરમાં આવેલા સાપને મારીને નાનકાનો જીવ બચાવ્યો હતો. તેણે પોતાની ભૂલનો ખુબ જ પસ્તાવો થયો. પણ હવે પસ્તાવો કરવાથી શું થાય. માણકો તો મરી ગયો હતો.
બોધ : જીવનમાં વગર વિચારે કોઈપણ કામ કરવું જોઈએ નહિ.
