અતિથિ દેવો ભવ:
અતિથિ દેવો ભવ:
વરસો પહેલાની આ વાત છે. ભારતમાં સંત એકનાથ નામના એક મહાન સંત થઈ ગયા. તે ભગવાનના મોટા ભક્ત, દયાળુ અને અતિથી સેવા કરવામાં ઉદાર હતા. પ્રમાણમાં ગરીબ હતા, આમ છતાં તેઓ અતિથિની સેવા કરવામાં પાછીપાની કરતાં નહિ. તેમના પત્ની પણ તેમના આ ઉન્ય કાર્યમાં હંમેશા સાથ-સહકાર આપતા હતા.
એક વખતની વાત છે. ચોમાસાના દિવસો ચાલી રહ્યા હતા. ચાર-પાંચ દિવસથી વરસાદ સતત વરસી રહ્યો હતો. ચારેબાજુ પાણી પાણી થઈ ગયું હતું. વરસાદ એવો ભયંકર હતો કે ચકલું પણ દાણા ખાવા માળામાંથી બહાર ફરકતું નહિ. આવા વરસાદમાં એક દિવસ ચાર-પાંચ સાધુઓની એક જમાત ગામમાં આવી. તેમણે આશ્રય અને ભોજનની જરૂર હતી. તેમણે લોકો પાસે એકનાથનું નામ સાંભળ્યું હતું. તેઓ પૂછતાં પૂછતા એકનાથના ઘરે આવ્યા.
એકનાથ તો અતિથિને દેવ માનવાવાળા હતા. તેમણે સાધુ સંતોને આવકાર આપ્યો અને બેસાડયા. સંતોએ જમવાની ઈચ્છા વ્યક્ત કરી. એકનાથજીએ કહ્યું, ‘તમે બધા થોડો આરામ કરો હું હમણાં જ રસોઈ બનવડાવું છું.’ આમ કહી એકનાથજી ઘરના રસોડામાં ગયા અને પોતાની પત્નીને કહ્યું, ‘પાંચ-સાત સંતો માટે જમવાનું બનવાનું છે.’ તેમની પત્ની કહ્યું, ‘જમવાનું તો બનાવી દઉં. પણ આવા વરસાદમાં ચૂલો કેમ સળગાવો. જેટલું બળતણ હતું તે બધું વપરાઈ ગયું. આ વરસાદમાં વગડામાં બળતણ લેવા પણ જવાયું નથી. તો ચૂલો કેમ કરી સળગાવવો.’
એટલે એકનાથજીએ કહ્યું, ‘કોઈ વાંધો નહિ. આપણો ખાટલો છે ને લાકડાનો એને ભાગી નાખીએ. તેમાંથી ઈસ, અને પાયા નીકળશે તેનું બળતણ કરીને ચૂલો સળગાવો.’ એકનાથજીની પત્ની તેમના સાચા અર્ધાંગીની હતા. એકનાથજીએ ખાટલો ભાંગી નાંખ્યો. તેના ઈસ અને પાયા ભાગીને બળતણ કરી નાંખ્યા. અને તે બળતણથી ચૂલો સળગાવી સાધુ-સંતોને જમાડ્યા. ખરેખર એક્નાથની આવી અતિથી સેવાને પ્રણામ છે.
એટલે જ તો કહેવાયું છે કે ‘અતિથી દેવો ભવ:’
