અજનબી
અજનબી
રાતો ય અજનબી છે દિવસોય અજનબી છે
તારા વગર આ આંખો, દ્રશ્યોય અજનબી છે
અટક્યા વગર નિરંતર ચાલ્યા કરું છું, જોકે
પગલાય છે અજાણ્યા રસ્તોય અજનબી છે
તારા વિના પરાયો લાગે છે ઘરનો ઊંબર
ઊંબર ઉપર મૂકેલો દીવોય અજનબી છે
એવું નથી કે કેવળ દર્પણ હતું અજાણ્યું
દર્પણમાંથી ડોકાતો ચહેરોય અજનબી છે
જાણી નથી શકાયા રણ આંખમાં ફેલાતા
છાતી મહીં ઉછળતો દરિયોય અજનબી છે
