Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Damodar Botadkar

Classics

2  

Damodar Botadkar

Classics

ઉલૂક

ઉલૂક

2 mins
7.0K


સર્વત્ર ગાઢ તમ વ્યાપ્ત જણાય કાળું, એના પિચંડ મહિં વિશ્વ સમસ્ત સૂતું; કાળી નિશા મુખ કરાલ રહી પ્રસારી, મીંચી ગયાં નયન થૈ ભયભીત પ્રાણી.


આ તારલા સ્થિર રહી નભમાં વિમાસે, ભૂલ્યા તમિસ્ર થકી એ નિજ માર્ગ ભાસે; એને સુયોગ્ય પથ સદ્ય બતાવવાને, સપ્તર્ષિ ચિંતન કશું કરતા જણાયે !


નિઃશબ્દ આ વહતી નિર્મળ વ્યોમગંગા, ના થાય નષ્ટ જગની ગણી ગાઢ નિદ્રા; ને મંદ મંદ બની શીત સમીર વાય, સંત્રસ્ત એ તિમિર જોઈ થયો જણાય.


એથી શનૈશ્ચરણ ભૂમિ પરે ધરે છે. ને શોધતો શરણ વ્યાકુલ વિચરે છે; કર્તવ્ય તો પણ નહિ પળ એક ચૂકે, સંતાઈને ન શ્વસનત્વ કદાપિ મૂકે.


જેણે સમર્પિત શરીર કર્યું પરાર્થે, ભીતિ થકી ક્યમ ડરી-અટકી પડે તે ? ઉંચે શિરે રવિ તણી કરતાં પ્રતીક્ષા, નિશ્ચેષ્ટ આતુર બની તરૂ સર્વ ઉભાં.


ક્રીડા અનેક ત્યજીને પરિવાર સાથે, સૂતાં સમસ્ત નભસંગમ નીડ માંહે; શાંતિ અપૂર્વ સઘળે પ્રકટી દીસે છે, તેમાં અરે ! પ્રખર આ સ્વર કયાંથી આવે ?


હા ! હા ! ઉલૂક ! તુજ શબ્દ જણાય એ તો, ગંભીર આ ગિરિ થકી પ્રતિધોષ લેતો; નિદ્રા અરે જગતની ક્યમ તું ત્યજાવે ? શાને નિશીથ સમયે સહસા સતાવે ?


કો દેવ કે અસુરનો પ્રિય દૂત તું છે ? ને તારી ઉક્તિ મહિં ગૂઢ રહસ્ય શું છે ? હા ! મૃત્યુદૂત બલવત્તર તું દીસે છે ! સંદેશ યોગ્ય સમયે અમને શુણાવે.


છોડી પ્રવૃત્તિ જગ સ્વસ્થ બની રહેલું, તેથી રહસ્ય શુણશે થઇ શાંત તારૂં; એવા વિચાર થકી તું વદવા ચહે છે, ઘેલા ! વિચિત્ર જગને પણ તું ન જાણે !


ભાસે તને મનુજના મન માંહિ શાંતિ, સેવે પરંતુ અતિ ચંચળ સ્વપ્નસૃષ્ટિ જેમાં પ્રપંચ જગથી વસતા વધારે, ને દીર્ઘ એ પદવીનો નવ પાર આવે.


તોફાન કૈંક મહિં પ્રાણી સહુ પડેલાં, નિદ્રા તણા પટ તળે રમણે ચડેલાં; સંદેશ એ તુજ તણો શ્રવણે ન ધારે, શાને કરે રૂદન નિર્જન રાન માંહે ?


કો જાગશે જન શુણી કદી શબ્દ તારો, તો માનશે અતિ અમંગલ આ લવારો; એ સાંભળે સ્તુતિ તણાં વચનો સદાય, ને સ્વાર્થનાં કથનથી પરિતુષ્ટ થાય.


આ ગૂઢ મંત્ર નહિ અંતરમાં ઉતારે, તેાએ સદૈવ વદજે અંહિ બંધુભાવે; એથી સ્મૃતિ નિધનની અમને રહેશે, કર્ત્તવ્યમાં ઉલટ એ દિનરાત દેશે.


છોડી પ્રમાદ કરશું ઝટ કાર્ય એથી, ને વ્યર્થ મેાહ ત્યજશું અમ અંતરેથી; વ્હાલાં અનેક સ્વરથી સ્મૃતિ માંહિ આવે, જે શાંતિના હૃદયમાં વિલસે સદાયે.


કર્ત્તવ્ય જીવન તણાં બહુધા બજાવી, ને પાઠ સત્પ્રણયના અમને બતાવી, સંસારમાં ગમનની સરણિ સુધારી, સૂતાં કૃતાર્થ બની દિવ્ય નિકેત માંહિ.


વાત્સલ્યભાવ થકી આશીષ નિત્ય આપે, પીયૂષપૂર્ણ અમ ઉપર દૃષ્ટિ રાખે. એ ઈષ્ટનું મિલન જે અમને કરાવે, સંદેશ એ નિધનનો પ્રિય કાં ન લાગે ?


Rate this content
Log in

Similar gujarati poem from Classics