Damodar Botadkar

Classics

2  

Damodar Botadkar

Classics

ધરિત્રી

ધરિત્રી

5 mins
7.1K


( મન્દાક્રાન્તા )


સ્નેહે ભીનો, સુભગ, સબળો, ધીર, ગંભીર પૂરો,

ઉચ્ચાત્મા ને અમલ ઉરનો, સર્વદા દાનશૂરો;

પ્રાણીમાત્રે પ્રણય રચતો, રાજવંશી, રસીલો,

વિશ્વાનંદી જલદ વિજયી કેડિલો કાન્ત મારો.


આષાઢે એ મુજ હૃદયને ભાવથી ભેટવાને,

ને દાઝેલું પ્રિય-વિરહથી સ્વાન્ત સંતોષવાને;

મીઠી વાતો બહુ દિન તણા પ્રેમની પૂછવાને,

દોડી દોડી ઉર-ઉમળકે આવતે વ્યોમવાટે.


કિંતુ પેલો અનિલ અવળો માનીતો મિત્ર એનો,

ઇર્ષ્યાળુ ને ચપળ અતિશે ધ્રૂજતો ધૈર્યહીણો;

નાચાં જૂઠાં કથન કહીને દૂર દોડાવી જાતો,

ભોળો મારો દયિત સહસા ભાન ભૂલી ઠગાતો.


ને એ કયારે સુહૃદ પ્રિયનો આવતો મારી પાસે,

નાચી કૂદી મધુર હસીને વાંચ્છતો વંચવાને;

એની સામે નજર કરીને ના કદી હું નિહાળું,

ધિક્કારીને રજ શિર પરે ફેંકતી દૂર કાઢું.


મારાં મીઠાં પ્રિય–મિલનમાં વિઘ્ન વર્ષાવનારો,

ને દાઝીલો નિકટ રમતો ના ગમે એ નઠારો;

તોએ ન્હાનો દિયર સમજી હું ક્ષમા નિત્ય દેતી,

ને તોફાનો શિશુહૃદયનાં શાંતિથી સાંખી રે'તી.


કયારે એને ઉર અવગણી વર્ષવા હર્ષ ધારે,

વ્હાલો મારો વિકળ બનતો, એ થતો સ્તબ્ધ ત્યારે;

ત્યાં તે ભૂંડી મલિન મનની શીધ્ર મારી સપત્ની,

ઉશ્કેરીને કુપિત કરતી વીજળી વ્હાલવ્હોણી.


ભૂલી વૃત્તિ સરલ ઉરની અ થકી કંથ મારો,

ક્રોધાવેશે કટુ વચનથી ગર્જતો કૈં અધીરો;

શબ્દાઘાતે વ્યથિત કરતો સર્વથા સ્વાન્ત મારૂં,

હા ! દુઃસંગે વિમલ હૃદયે વ્હાલ કેવું વીસાર્યું !


સ્વામી કેરૂં હૃદય પલટ્યું અંતરે એમ જાણી,

પામી પૂરૂં બળ, ઉલટતી શા૫તી શોક્ય મારી;

દોડી આવી નિકટ, ઉરથી ફેંકતી ઉગ્ર જ્વાલા,

બાળી દેવા હૃદય, કરતી ક્રોધથી કૈંક ચાળા.


ભીરૂ મારાં શિશુક સહુ એ જોઈ બ્હીતાં બિચારાં,

ચીસો દેતાં કરૂણ રવથી હાય ! રોતાં બિચારાં;

અંકે એને લઈ હૃદયથી ચાંપતી ચૂમતી હું,

પંપાળીને પ્રણય–વચને શોક સંહારતી હું.


તેાએ એકે સ્વર વદનથી ના વદું શેાકય સામે,

સ્નેહીનાં તે સહન કરવા સ્વાન્ત દૈવે સજ્યાં છે;

સ્હેવામાં જે રસ વિલસતો તે ન સામે થવામાં,

વારિમાં જે રહી શીતલતા તે ન અગ્નિપ્રભામાં.


ક્ષાન્તિ કેરે વિજય ન વસે વૈરને વાળવામાં,

મૌને જેવું સુખ મનુજને તે નથી ગાજવામાં;

શાંતિમાં જે સહજ વિરતિ તે નથી કોપવામાં,

રોવામાં જે વસી વિમળતા તે ન રોવાડવામાં.


એ તોફાનો સમય વધતાં સર્વથા શાંત થાશે,

ભૂંડો અગ્નિ તૃણ ન મળતાં આપ બુઝાઈ જાશે;

દોડે તેને શ્રમિત બનવું, હાંફવું હોય નિત્યે,

ના ભાસે કૈં ભય પતનનો સ્વસ્થને સ્વસ્થ ચિત્તે.


છો એ ગર્વે શરમ ત્યજતી હું ન એવી થવાની,

જે વીતે તે હૃદય ધરતી ધૈર્યથી હું ધરિત્રી;

ભોળું હૈયું ઘડી ચડીભડી છો રહ્યું સંગદોષેઃ

છે એ સંગે દયિત પણ હા ! કારમાં વેણ કાઢે.


એ છે મારો તનુ હૃદયથી તે ન દૂરે જવાનો,

અર્પ્યું હૈયું પ્રણય-પલટે હોય સંદેહ શાનો ?

છોને એવાં અમિત હૃદયો અંતરાયો વધારે,

છોને એવી વિષમ ઘડીઓ ઉડતી નિત્ય આવે !


કોટિ વિઘ્ને ભરિત ભવમાં સ્નેહનો માર્ગ લાંબો,

આડા ઉભા પદ પદ વિષે તસ્કરો ત્યાં હજારો;

લેાભાવી કે સહજ ભયથી મુંઝવી મેાહ આપી,

લૂંટી લેતા પ્રણય-ધન એ ઉગ્ર અસ્ત્રો ઉગામી.


હા ! પ્રેમીને અયુત અસિની ધારમાં ચાલવાનું,

ને હૈયાંને વિષમ વિષના પાનથી પોષવાનું,

અગ્નિ કેરા સતત બળતા પેટમાં પેસવાનું,

ને કાંટાની કઠિન કપરી સેજ માંહે સુવાનું.


તીખા તીણા શર જગતના છાતીએ ઝીલવાનું,

ને ઝેરીલા વિષધર તણા સંગમાં ખેલવાનું;

કાચા સૂત્રે ગગન-પથમાં દેહ દોલાવવાનું.

ને સિંધુના ઉપર ચરણો માંડીને ચાલવાનું.


હા ! એ અંતે ગઈ ભવનમાં દાઝતી આ૫ અંગે,

ને પસ્તાવે મલ હૃદયનો નાથ ધોતો નિરાંતે;

દુ:સંસર્ગે હૃદય પ્રણયી ભાન ભૂલે કદાપિ,

તોએ અંતે સહજ શુચિતા ઉદ્ભવે અંતરેથી.


જો જો ! આવે મુજ ભણી હવે હસ્ત લંબાવતો એ,

કેવું મીઠું ઉર ઠલવતો, નાચતો રાચતો એ !

નવ્યોત્સાહે પય વરસતો, ભેટતો ભવ્ય ભાવે,

ને આ મારૂં ઉર ઉલટતું વ્હાલ ઝીલી વધારે.


ત્યાં તો પેલી હૃદય બળતી શોકય આવી સપાટે,

આક્રોશંતી ઉભય ઉરને, કેાપતી કૂટતી એ;

ઈર્ષ્યાગ્નિથી જ્વલિત હૃદયે શાંતિ કયારે ન સેવે,

મૃત્યુ પહેલાં શેઠ મનુજના હા ! સ્વભાવો ન છૂટે!


તોએ દેતો હૃદય–રસ એ પ્રાણ પાછો ફરે ના,

ઓજસ્વીના અચલ ઉરને કેાઈ રોકી શકે ના;

કર્ત્તવ્યે એ હૃદય વિચર્યું તે નહિ માર્ગ છોડે,

છોને વચ્ચે ભય વરસતાં વેગથી વિશ્વ દોડે !


જો ! એ કોપે કંઈક કપરાં શોકયને વેણ કે'તો !

ને ભીતિથી, કંઈ વિનયથી એ ઉપાલંભ દેતો;

તોએ એ તો કલહ કરતી શાંત ના થાય કયારે,

ને વ્હાલો તો વિમલ ઉરથી વર્ષતો લક્ષ ધારે.


આપી આપી ઉર, ઉલટથી આર્દ્રતા છાઈ દીધી,

ને રેલાવ્યો પ્રણય-જલધિ, ન્યૂનતા કૈં ન રાખી;

એ આનંદે પુલકિત થતાં કાંઈ બોલી શકું ના,

પ્રીતિના કે સ્તુતિકથનના શબ્દ શોધી શકું ના.


ભીંજાએલાં હૃદય-તલનાં ઉત્તરે માત્ર આંસુ,

પ્રેમી હૈયું દયિત-દિલને અન્ય અર્પી શકે શું ?

આશાથી ને જગ-નિયમથી હા ! સમર્પ્યું વધારે,

તોએ ધીમે હજી વરસવું ચિત્તથી એ ન ચૂકે !


આવી રીતે બહુ દિન થતી વ્હાલની રમ્ય વૃષ્ટિ,

ના ચાલે કૈં પણ ઝગઢતી શોક્ય તો સંગ સાચી !

હેઠે હૈયે પ્રણય-રસની મીઠડી લ્હાણ લીધી,

રંગે રાચી સુર-ભવનની કેલિઓ કૈંક કીધો.


સાડી અંગે હરિત ધરતી દિવ્ય સૌભાગ્યવાળી,

કોર્યા બુઢ્ઢા કંઈ કુસુમના વેલ્યની ભાત પાડી.

લજ્જાથી ને ઉર-હરખથી નાથને હું નિહાળું,

પ્રૌઢા કેરા નિયમ ગ્રહતી તોય કૈં કૈં હસાતું.


આસો માસે અધિક ઉજળો પુજ્યશાળી પ્રતાપી,

કર્તવ્યાબ્ધિ તરી, હૃદયનો ભાર ભાવે ઉતારી;

મોંથી મીઠી અમિત ઉરને ભાવતી ભેટ આપી,

વિશ્રાંતિમાં કંઈ વિલસતો એાપતે એ યશસ્વી.


માપ્યું, આપે જનક કરથી સર્વ રીતે સુતાને,

છાનું તોએ અમુક હદમાં જોઈને માત આપે;

કિંતુ આપે દયિત દિલના દોડતા કોટિ હાથે,

એનું થોડું પણ મનુજથી ના બને મા૫ કયારે.


સિંધુ કેરા સલિલકણની કૈંક સંખ્યા કહાય,

ને પૃથ્વીની રજ પણ ગણી કોઈ કાળે શકાય;

સંબંધીના મિત પ્રણયની સીમ કયારે જણાય,

રે ! પ્રેમીના પ્રણય–બળનો પાર તો ના પમાય !


સંતાયેલાં શિશુ સકળને નેત્ર મીઠે નિહાળી,

સંતાયેલા મુજ હ્રદયનો ભવ્ય રોમાંચ ભાળી;

પત્રોથી ને કુસુમ ફૂલથી દેહ મારો દીપાવી,

નિદ્રા લેતે સહજ સુખની શાંતિને શ્વાસ ખેંચી.


રે ! રે ! પેલી હૃદય રડતી શોક્ય એથી રીસાણી,

રોતી રોતી પથ પિયરને સ્નેહ છોડી સિધાવી;

એને અર્થે અમિત પણ હા! કંથ ઈચ્છે જવાને!

ને દાઝેલું ઉર રીઝવવા રનેહથી શેાધવાને !


દૈવી વૃત્તિ નિરખી ન શકે દોષ કે રેાષ ક્યારે,

સ્વીકારેલા જન-હૃદયને ના ત્યજે કોઈ કાળે;

એ પ્રેમીના પુનિત પથમાં વિઘ્ન હું કેમ નાખું !

સારી ભૂડી પણ દયિતની એ નથી વલ્લભા શું !


ધીમે ધીમે પ્રણયરસિકે હાય ! પ્રસ્થાન કીધું,

ને મુઝાતા મુજ હ્રદયને ચાંપીને ધૈર્ય દીધું;

દૂરે દૂરે ગમન કરતાં દ્રષ્ટિસીમા વટાવી,

ને હું રોતી ગઈ ભવનમાં દીર્ઘ નિઃશ્વાસ નાખી.


વ્હાલા કેરી અતિ ઉલટથી નિત્યે નિહાળું,

આજે કાલે જરૂર વળશે, એ કમે કાળ કાઢું;

ના ઈચ્છું કૈં સલિલધનથી પ્રાણને પોષવાને,

ઈચ્છું એને કુશળ નિરખી અંતરે રાચવાને


વીત્યા લાંબા દિવસ, ન મળ્યો સ્વલ્પ સંદેશ પાછો,

કંપે હૈયું ધૃતિ વીસરતું, શેક સ્હેજે છવાતો;

તોએ એના મૃદુ હૃદયનું ધ્યાન નિત્યે ધરીને,

કાહું કષ્ટે દિન વિરહના સ્નેહલીલા સ્મરીને.


Rate this content
Log in

Similar gujarati poem from Classics