Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Inspirational Others Tragedy

0  

Zaverchand Meghani

Inspirational Others Tragedy

ફક્કડવાર્તા

ફક્કડવાર્તા

11 mins
563


સોમવારનાં તમામ છાપાંઓમાં પહેલે જ પાને સળંગ મોટાં મથાળાં વંચાઈ રહ્યાં હતાં કે -

પકડાયો, પકડાયો: બેકાર બુઢ્‌ઢો: પાંચ ભૂખ્યાં છોકરાંનો પિતા: ઘેર બૈરી: મંદિરમાંથી રૂપિયાની કોથળી ચોરતાં પકડાયો.

વિગતવાર હકીકત એમ હતી કે, ઇસારીઆ નામના એક રખડુ આદમીએ રવિવારના રોજ સાંજરે મહાલક્ષ્મીના હિંદુ મંદિરમાં પેસી જઈ દર્શન કરીને લોકો બહાર નીકળતાં હતાં ત્યારે ભીડાભીડમાં એક ગૃહસ્થનાં પત્નીને કેડે ભરાવેલી પૈસાની ચીંથરી ખેંચી લીધી. પણ, સદ્‌ભાગ્યે, ત્યાં છૂપી પોલીસનો એક માણસ ઊભેલો, તેણે એ દીઠું; ચપળતાથી ઇસારીઆને પકડ્યો. તરત પૈસાની ચીંથરી ’બાઈ મજકૂર’ને પાછી સુપરદ કરવામાં આવી; અને ચીંથરીમાં ટ્રામ-ભાડા પૂરતો એક આનો પણ હતો કે નહિ તેટલુંયે જાણવાનો સંતોષ મળ્યા પહેલાં તો ઈસારીઓ પોલીસથાણે પુરાયો.

આ બનાવ બીજાં છાપાઓને તો માત્ર કૌતુક અને સનસનાટી પૂરતો જ રસભર્યો હતો, ત્યારે અમારી ’દીનબંધુ’ છાપાની ઑફિસમાં તો એ કાળા કકળાટ તથા ઊંડા નિઃશ્વાસનો વિષય થઈ પડ્યો. અમારા અઠવાડિક વિભાગના તંત્રીને તત્કાળ સૂઝ્યું કે, આવતા અંકને સારુ આ ઘટનાની સરસ આખી કથા ગૂંથી શકાશે. એનું લોહી તપી આવ્યું. એણે ઉદ્‌ગારો ઠાલવ્યા કે "આ બાપડા ઇસારીઆની કથામાં જ અત્યારની સમાજ-રચનાનો સરવાળો આવી જાય છે. બસ, એ જ ભીતરનું ખરું દર્શન છે. જુઓ તો ! ધંધામાંથી બાતલ કરેલો બિચારો: ભૂખે મરતાં બાળબચ્ચાં: ઘર માલિક ઘર ખાલી કરાવે: પછી ચોરી ન કરે તો શું કરે ? સાલાઓ ! તમે એની જગાએ હો તો બીજું શું કરો ? જીવવાની - ગમે તેમ કરીને જીવવાની - આકાંક્ષા તો કુદરતનો સહુથી પહેલો ને પ્રબળ નિયમ છે. ઈસારીઓ બાપડો અબૂધ, એટલે પકડાઈ ગયો. હવે એ સાલા મૂડીદારોના કાંધિયા લોકો એને નીચોવશે ! સત્યાનાશ જજો આ સમાજનું ! ઠીક, ચાલો : તંત્રીની નોંધવાળા ફરમામાં જ આનું એક પાનું બનાવી કાઢો. આની એક ફક્કડ વાર્તા બનશે."

સામેના ટેબલ પર એક શિખાઉ બહેન ખબરપત્રીની ખુરશીએ કામ કરતાં હતાં, તેને તંત્રીજીએ કહ્યું : "તમે જાઓ : પહેલવહેલાં જે પચીસ લોકો મળે તેઓને પૂછી વળો કે, ’આપ ઈસારીઆને સ્થાને હો તો શું કરો ? આપ એને દોષ દો છો ? આપને એમ લાગે છે કે એને સજા થવી જોઈએ ? કારણ જણાવશો ?’ આ બધા જવાબો ટપકાવી લેજો, દરેક સજ્જનનું નામ લખી લેજો."

"નામ !" સ્ત્રી-ખબરપત્રીએ પૂછ્યું.

"કપાળ ! હા, નામઠામ ને ઠેકાણું પણ દરેકનું. એટલું તો સમજો કે આપણા છાપામાં સાચાં નામ વગરની કશી જ હકીકત આપણે છાપતાં નથી."

બહેન ઊપડ્યાં. વકીલોથી લઈને શેઠાણીઓ સુધી ઘૂમી વળ્યાં. એક મોટર-ડ્રાઇવરને પણ મળી લીધું. એમ પચીસને વિચારમાં નાખી દીધાં. આ કોયડો ભારી જટિલ હતો. ઘણાંખરાંએ ઈસારીઆને એક બેવકૂફી સિવાય અન્ય તમામ વાતે નિર્દોષ જાહેર કર્યો. કહેવામાં આવ્યું કે, 'કાં તો એણે કચ્ચાંબચ્ચાંનાં ખૂન કરીને પોતે આપઘાતનું શરણ લેવું હતું અથવા તો પછી કોઈ અનાથાશ્રમમાં ચાલ્યા જવું હતું.'

આ રીતે, એ બનાવમાં તો રસની ઠીક-ઠીક જમાવટ થઈ પડી. અમારો અઠવાડિક અંક એ લેખને કારણે દીપી ઊઠ્યો; સર્વ અખબારો વચ્ચે અમારી નવીન જ ભાત્ય પડી. અમારા તંત્રીને થયું કે, ઈસારીઆના કિસ્સાને આ પછીના અંકમાં પણ નવીન સ્વરૂપે છેડવો. એણે મને બોલાવીને કહ્યું : "નગરના નામાંકિત પુરુષોની પિછાન-પોથી જુઓ : એમાંથી પચીસ નામ ચૂંટી કાઢો : મુલાકાત લો : ઈસારીઆની કર્મ-કથાથી વાકેફ કરો : પૂછો કે, ’આપ એની જગ્યાએ શું કરત ?’ ગમે તેમ કરીને કંઈક તો તેઓનાં મોંમાથી કઢાવજો. ને તેઓએ કંઈક તો કહેવું જ પડશે : નહિ કહે તો જશે ક્યાં ! ’દીનબંધુ’ છાપાની કટારોમાં તેઓનું મૌન કેવો અર્થ પકડશે, એ તેઓ જાણે છે ! મૌનનો અવળો અર્થ લેવાશે એટલો ઇશારો કરજો જરૂર પડે તો, હો કે !"

"જી હો !"

એટલું કહેતો હું મારી દફ્તર-થેલી લઈને ઊપડ્યો. તંત્રીજીનું અરધા દિવસનું કામ તો એ રીતે મને રવાના કરવાથી ખલ્લાસ થઈ ગયું. માત્ર મારું જ કામ બાકી રહ્યું. મેં પચીસ નામો કેટલી મહેનતે તારવ્યાં, દરેકની પાસે જઈને ત્રીસ વર્ષના, બેકાર, બચ્ચરવાળ, લાંઘણો કરતા ઇસારીઆની, એને ભાડાને અભાવે ઘર ખાલી કરવાની ધમકી આપતા મકાન-માલિકની અને આવી મૂંઝવણો વચ્ચે એને પૈસાની ચીંથરી ચોર્યાની વિગતવાર કથા કેવી સફાઈથી સંભળાવી - એ આખી વાતના વર્ણનમાં ઊતર્યા સિવાય હું ફક્ત ટૂંકમાં કહી નાખું છું કે, મને પેલાં મારાં ભગિની-રિપોર્ટર જેવું સરસ ભજવતાં તો ન જ આવડ્યું.

એક તો હું ’ગેરન્ટી ટ્રસ્ટ કંપની’ના ઉપ-પ્રમુખને મળ્યો. અગાઉ એક વાર મેં બૅન્કની બાબત પર એની મુલાકાત લીધી હતી, એટલે આજ પણ હું પેસી જઈ શક્યો. મેં તો જાણે કે મરણિયા થઈને પેલા બેકાર, બચ્ચરવાળ, ભૂખે મરતા... વગેરે વિગતદાર કથાના નાયક ઇસારીઆની અથ-ઇતિ કથા કહી, અભિપ્રાય પૂછ્યો : "આપ એની જગ્યાએ -"

"હું એની જગ્યાએ !!!" શેઠ હેબતાઈ ગયા. પછી મેં એમને મારી ને ઇસારીઅની બન્નેની મૂંઝવણ જ્યારે સમજાવી, ત્યારે પછી એમણે એક સિગરેટ સળગાવી, ખુરશી પર દેહ લંબાવી તત્ત્વાલોચના આરંભી :

"જુઓને, યાર, ભારી વિચિત્ર છે આ આત્મરક્ષણનો પ્રકૃતિ-અંશ. એ પ્રકૃતિ-તત્ત્વ કેવે રૂપે પ્રકટ થશે, તે કોઈ કહી જ ન શકે. હવે તમે જ કહો છો કે ઇસારીઓ માંદો હતો, કામ જડતું નહોતું. બાયડી પણ ખાટલાવશ હતી... પાંચ બચ્ચાં : ઘર ભાડું ચડેલું : રઝળતા થવાની તૈયારી : આમાં એણે કંઈક તો કરવું જોઈએ ને, ભાઈ ! આપણે જ, જુઓને, ઘણાંખરાં પશુ-પ્રકૃતિનાં છીએ : પડ્યાં-પડ્યાં લાંઘણો ખેંચીને જાન કાઢી નાખી શકતા નથી - કંઈક કરી બેસીએ છીએ. હવે આ ઈસારીઓ જુઓ : એણે પેલી થેલી -"

"ના જી, ચીંથરી જ હતી." મેં સુધાર્યું.

"- કહો કે ચીંથરી ચોરી; સંભવ છે કે એને ભાન જ નહિ રહ્યું હોય કે પોતે શું કરતો હતો. આમ બધો ગોટાળો છે, ભાઈ ! હાં, પણ એનાં બાળબચ્ચાનું શું થયું ?"

મેં કહ્યું : "મદદનાં કહેણ આવી પડ્યાં છે. અમે ’ઈસારીઆ સહાયક ફંડ’ ખોલ્યું છે. કદાચ એ અદાલતમાંથી પણ છૂટી જશે."

"હું નહોતો કહેતો ?" કહીને એણે મારી સામે, મારી તાળી લેવા સારુ, હથેળી લંબાવી.

આમ મને એક સરસ મુલાકાત મળી ગઈ. બહાર નીકળીને મેં બધું યાદ કર્યું; પણ મને લાગ્યું કે, આખી વાતની મલાઈ તો હું ક્યાંક એની ઑફિસમાં જ ભૂલી આવ્યો છું...

પછી પ્રોત્સાહિત બનીને મેં બીજા પકડ્યા... બેરિસ્ટરને ’દિનબંધુ’ નામનું મારું કાર્ડ ગયું, એટલે સડેડાટ મને દાખલ કરવામાં આવ્યો, મેં એમની પાસે એ બેકાર, બીમાર, બચ્ચરવાળ, બાયડીવાળા, ભાડાવિહોણા... ઇત્યાદિ વિગતોવાળા ઇસારીઆની કથા કહી : આખા બનાવની પાછળ રહેલું તત્ત્વ સમજાવ્યું : સમાજરચનાની ઉથલપાથલનો દાવાનલ-તણખો આ એક જ ઘટનાના ભસ્મ-ઢગલાના ગર્ભમાં ગાયેબ રહીને કેવો એકાદ ફૂંકની રાહ જોતો બેઠો છે એનો ફોડ પાડ્યો.

"મને મૂળ કિસ્સો બરાબર ન સમજાયો;" એમણે કહ્યું.

મેં ફરીને કથા કહી - ડોશીમાઓ શ્રાવણિયા સોમવારની વ્રતકથા જે કડકડાટીથી બોલી જાય છે તે કડકડાટીથી હું બોલી ગયો.

એણે કહ્યું : "આ વાત હું માનતો જ નથી. આવું બને જ નહિ. તમે ઈસારીઆને મળ્યા છો ? શી રીતે જાણ્યું કે વાત સાચી છે ?"

મેં કહ્યું : "વાતનું સત્યાસત્ય તો હું બરાબર ચકાસી કાઢીશ. પણ ધારો કે આવું બન્યું જ હોય, તો આપ શું કહો ?" મારે તો હરકોઈ હિસાબે એમનું મંતવ્ય મારા ’દિનબંધુ’ના આવતા અંક સારુ કઢાવી લેવાનું હતું.

"ના-ના, એ બીજી કોઈ રીતે બન્યું હશે. કંઈક બીજાં ગુપ્ત કારણો હશે. તમે એ શખ્સનું ચારિત્ર્ય, એની કારકિર્દી વગેરે તપાસો. આમ અધ્ધરથી વાત ન કરો."

હું ચાલ્યો ઈસારીઆની શોધમાં. એનું ઠેકાણું ’ડોકામરડી’ ગલીમાં હતું. આ ઘરનો અમુક નંબર હતો. હું જઈ પહોંચ્યો. એક અંધારિયો મજલો હતો. ઓરડીઓ પર નામ નહોતાં.

પૂછપરછ કરી. ભોંયતળિયામાં રહે છે ખરો. હું ત્યાં ગયો. દિવસવેળા હતી, છતાં દેવદારનાં ખોખાંનાં પાટિયાંની દીવાલની ચિરાડો અંદર દીવો બળતો હોવાનો ભાસ દેતી હતી.

મેં બારણું ભભડાવ્યું. અંદર કશોક સંચાર થતો હતો, તે એકદમ ચૂપ થઈ ગયો. વાતાવરણમાં જાણે ફટકો પડ્યો. મેં ફરી બારણું ભભડાવ્યું.

થોડી વારે બારણું ઊઘડ્યું. પચીસેક વર્ષની જણાતી ઓરતે અર્ધઊઘડ્યા બારણામાંથી ડોકું કાઢ્યું.

મેં પૂછ્યું : "ઈસારીઓ છે ? એણે જવાબ ન દીધો, પણ ઈસારીઓ ઘરની અંદર ક્યાંયે છૂપાઈ તો નથી રહ્યો એવી કેમ જાણે ખાતરી કરાવતી હોય તેમ આખું જ બારણું ઉઘાડી નાખ્યું.

એ અંધારિયું, ભેજવાળું ઘર હતું છતાં સાફસૂફ હતું. નીચી છત ઉપર ગૂંચળેગૂંચળાં ભરીને ધુમાડા કાઢતો દેશી દીવો બળતો હતો. ત્રણ છોકરાં - ત્રણેય છોકરાં ચાર વર્ષની અંદરનાં - એની ભીની ભોંય પર બેઠેલાં. ધાવણું બાળક એક ખાટલા પર સૂતેલું.

"ઈસારીઓ ક્યાં છે ? મારે જરૂરી કામ છે."

"પોલીસ-ચકલે હશે."

હું ગયો પોલીસ ચકલે. પૂછ્યું. પોલીસના હોઠ પર પણ અદ્શ્ય બટન બિડાયેલાં હતાં. પછી મેં ’દીનબંધુ’ છાપાની પિછાન દીધી. જાદુ થાય તેમ તેની જીભ ઊપડી: "ઈસારીઆને તો કોર્ટે છોડી મૂક્યો છે."

હું પાછો ઇસારીઆને ઘેર ગયો. એ હજુ નહોતો આવ્યો. બાઈને મેં ખુશખબર દીધા. પણ મારાં અભિનંદનની કશી અસર મેં તેના મોં ઉપર ન દીઠી. એણે એક તૂટેલી ખુરસી લૂછીને મને તે પર બેસવા કહ્યું.

ઇસારીઓ આવી પહોંચ્યો: એ ઠીંગણો, ઠીક ઠીક બાંધાનો આદમી હતો. એની ઓરતે એક હરફ પણ બોલ્યા વગર મને ઈસારીઆ તરફ આંગળી ચિંધાડી.

શિકારીઓના પંજામાંથી બચી છૂટેલ સસલા જેવી એની મનોદશા હતી. અમે બેઠા. મેં એને બધી વાત પૂછી. ગરીબ માનવી શરમાઈ જઈને જે નિરાધારીભરી આજ્ઞાંકિતતા સાથે વાત કરે, તે રીતે એણે પણ પોતાની કથા શરૂથી આખર સુધી કહી દીધી. છાપાંમાં આવેલી બીના પૂરતું તો બધું જ બરાબર હતું.

પરંતુ મૂળ જીવન-કથા આમ હતી: "અમે ... જિલ્લાનાં વતની. મારા બાપને જમીન છે. અમે પાંચ વર્ષ ઉપર અહીં આવ્યાં છીએ. હું બિસ્કૂટ-ડબલરોટીવાળાની દુકાને ભઠિયારખાનાનું કામ કરતો. પણ ગિયે ઉનાળે મુંને અકસ્માત થિયો. પગ ભાંગેલો. ઇસ્પિતાલમાં રિયો: જહાન્નમ જેવું. દોઢ મૈનો રે‘વું પડ્યું. બા‘ર નીકળ્યો. અસલ ધની સાનો રાખે ! લંગડાને કોન રાખે ?"

"કેમ ન રાખે ? તને અકસ્માત તો ત્યાં બિસ્કિટને કારખાને જ થયો ને ?"

"ના, તિયાં અકસ્માત સાનો થાય ? એ તો બધાં સારાં લોક છે. પગ ભાંગ્યો તે તો રસ્તા પર એક મોટરના ખટારાએ મુંને પટકી દીધો તેથી. દેખોને..." કહીને એણે પાયજામાનો એક પાયજો ઊંચે ચઢાવી ગોઠણ ઉપરનો જખમ બતાવ્યો: હજુ જખમની જગ્યા લાલચોળ અને પોચી હતી; ટેભા લીધેલા તે જગ્યામાં ગૂંથ પડી ગયેલી.

મને તો, આ રીતે, ખૂબ લેખન-સામગ્રી જડી: માનવીના ગુનાની પાછળ કેટલાં તત્ત્વોની પરંપરા ઊભી હોય છે !... પોતાનું મુકદ્દર અજમાવવા દેશાવર ખેડવા નીકળી પડેલો ફક્કડ જુવાન : તન તોડીને મહેનત કરનારો: વફાદાર ઓરત: નીરોગી બચ્ચાં: કાયમી નોકરી: સંતોષી જિંદગી: એમાંથી એકાએક બેનસીબીનો ઉદય: આંધળી ઝડપે દોડતા ખટારાથી જફા થઈ, ઇસ્પિતાલે પડ્યો, રોજી બંધ પડી, નોકરી ગઈ... પછી ? "પછી હવે તું તારે વતન કાં નથી ચાલ્યો જતો ?"

ઈસાર કહે: "જાવાનું દિલ બહુ જ છે. પણ રૂ. ૩૦૦ ખરચી કાંથી જોગવું ? બસ, રૂ. ૩૦૦ હોય ને !"

રૂ. ૩૦૦ તો કેમ જાણે એને મનથી ત્રણ લાખ હોય, તેવી રીતે એ બોલતો હતો.

"તેં ઇસ્પિતાલથી છૂટ્યા પછી પકડાઈ જવા સુધીમાં શી રીતે ગુજારો કરેલો ?"

"સારી ચાકરી ન મિલી. એક હોટલમાં વાસણ માંજવા રિયો. પન એમાં નભાવ ન થઈ સક્યો. એક મૈના પર વહુને છોરુ આવ્યું."

"પણ, ભાઈ ઈસાર, તેં પેલી ચીંથરી શા માટે ચોરી હતી ?"

એણે મારી સામે તાક્યું. એ બોલતો બંધ થયો. ત્રૂટક-ત્રૂટક જબાન ચલાવી: "હું સું જાનું ! મૂંને કેમ પૂછો છો ? મુંને સી ખબર પડે કે મેં સા સારુ ચોરી ? શનિવારે ઘર-ધની કહે કે ભાડું દે નીકર બહાર નિકલ. મુંને નીંદ ન આવી. ઊઠીને બાર ગિયો. જઈને ઈ કામ કર્યું: બીજી મુંને સી ખબર ! મુંને સી માલૂમ કે સા માટે ?"

"પણ તને ઈજા ન થઈ હોત તો ?"

"તો તો હું ડબલરોટી પકાવતો જ હોત ને ?"

"તને પગ ભાંગ્યો તેની નુકશાની ન મળી ?"

"ના."

"ઇસ્પિતાલનું ખર્ચ કોણે ચૂકવ્યું ?"

"કુંપનીએ."

"કઈ કુંપનીએ ?"

"ખટારાવાલી."

"તું તારી કસૂરથી હડફેટમાં આવી ગયો - કે ખટારાવાળાની ?"

"મારી નહિ - ખટારાવાલાની. આ જુઓ... હું અહીંથી આવતો હતો, ને ખટારાવાલાએ..." એમ કહેતાં કહેતાં ઈસારીએ જમીન પર આંગળી વતી નકશો દોરી બતાવ્યો. "ખટારાવાલાની જ કસૂર: એણે જ મુંને જફા કીધી."

"બસ, ઈસાર, તું એ પોઈન્ટને મજબૂતપણે પકડી રાખજે, હો ! ભૂલી ન જતો. એ ખટારાવાળી કંપની પાસેથી નુકસાનીની રકમ આપણે ઓકાવશું જ. એ સાલાઓને અમારા ’દીનબંધુ’ છાપામાં પૂરેપૂરા ઉઘાડા પાડવા છે. આ આંધળી ઝટપે મોટરો હાંકનારાની સામે અમે કંઈ ઓછું નથી લખતા. આજે બરાબર લાગ છે. તું ફિકર કરીશ નહિ. તેં નુકસાની મેળવવા કંઈ પગલાં લીધેલાં ?"

"વકીલ રોકેલો. વકીલે રૂ. ૨૦૦ની નુકસાની માગવા કહ્યું: અરધા એના ને અરધા મારા. પણ આજ દન લગી પત્તો નથી. હું વકીલની આગળ જ ગિયેલો."

વાહવા ! એક પછી એક મુદ્દાઓ હાથ આવતા જાય છે. પચાસ ટકાની ફી આવા લોહીના પૈસામાંથી પડાવનારો વકીલ ! ઠીક છે, બચ્ચા, ’દીનબંધુ’ એ તમામનો કાળ બનશે. વકીલનું નામ મળ્યું. તમામ મુદ્દા મળી રહ્યા. આખી કથાના અંકોડા સંકળાઈ ગયા. ફક્કડ વાર્તા સર્જાવી શકાશે. ગરીબોને શોષનારાઓનું ભયાનક કાવતરામંડળ જગત જોશે.

હવે મારે માત્ર એ ખટારાવાળી કંપનીનું નામ જોઈતું હતું.

"કોનો હતો એ ખટારો ? કોઈ જબ્બર કંપનીનો હશે."

"હવે મારે નામ આપીને સું કરવું છે, ભાઈ !" એમ બોલતો ઈસાર ખૂબ ઉશ્કેરાઈ ઊઠ્યો: જાણે કે એને નામ છુપાવવું હતું.

મેં ઊલટપાલટ ઘણા પ્રશ્નો પૂછ્યા: જવાબમાં ઈસાર કાંઈક ગોટા વાળતો હતો. એના રોષભર્યા મોંમાંથી સરખાં વેણ પડતાં નહોતાં. એની ગુજરાતી ભાષા ધડા વગરની હતી. એણે કંઈક મારા વિષે ને ’દીનબંધુ’ છાપખાના વિષે કહ્યું.

મેં કહ્યું: "હા, ભાઈ હા ! હું ’દીનબંધુ’ છાપાવાળો જ છું. ને ઘણું કરીને તો અમે એ ખટારાવાળી કંપનીને દમદાટી દઈને તને સારી એવી રકમ કઢાવી દેશું. તું સુખેથી બાળબચ્ચાં સાથે તારે દેશ પહોંચી જઈશ. તને રૂ. ૩૦૦ પૂરતા થઈ પડશે તો ખરા ને ?"

"અરે અલ્લા ! રૂ. ૩૦૦ કોણ દેતું‘તું ? રૂ. ૩૦૦ મળે તો તો ન્યાલ થઈ જાઉં ને ! મારો બાપ અમને આસરો દેસે. બાપડો સારો છે મારો બાપ. પણ રૂ. ૩૦૦ કંઈ એમ પડ્યા છે તે કોઈ મને ચોરટાને ધરમાદો કરે !"

"ભાઈ ઈસાર, એ બધું તું મારા પર છોડી દે. અમારું છાપું મોટા માંધાતાની મૂછના પણ વળ ઉતારે છે. અમે ચમરબંધીનેય ભૂ પાઈ દેશું. તું મને એ કંપનીનું નામ કહે."

એટલા જ શબ્દો એના મોંથી પડ્યા: "એને કોણ પોગે ?... ’દીનબંધુ’ છાપાવાળાને ?"

"હા, હા; હું જ એ છાપા તરફથી આવું છું. મેં તને વારંવાર કહ્યું કે, અમે એ બચ્ચાઓના ભીંગડેભીંગડાં ઉખેડી નાખશું: તું ખટારાના માલિકનું નામ કહે ને !"

"હા, હા, હું ક્યારનો કહું છું કે, ખટારો ’દીનબંધુ’ છાપાવાલાનો જ હતો: એણે જ મુને વગાડ્યું."

મેં અમારા સાતવારિયાના તંત્રીજીને જઈ વાત કરી. એ ચોંકી ઊઠ્યા. એને થયું કે, વહેલામાં વહેલી તકે આ ઈસારીઆને બાળબચ્ચાં સહિત ગુપચુપ એના દેશ ભેળો કરવો જોઈએ; નહિ તો ’દૈનિક સમાચાર’ને અથવા ’સાંજ’ને જો ખબર પડ્યા કે, જે ઈસારીઆ ઉપર ’દીનબંધુ’ આટલાં આંસુડાં ઢોળી રહ્યું હતું, તે બાપડાને ચીંથરી ચોરવા જવું પડ્યું તેનું ખરું કારણ તો ખુદ ’દીનબંધુ’નો ખટારો હતો, તેમ જ નુક્સાનીનો દાવો ચૂકવવામાં ’દીનબંધુ’એ જ આટલા મહિના ગલાંતલાં કરવામાં કાઢી નાખ્યા છે તો એ આપણા હરીફો આપણો પૂરેપૂરો ધજાગરો ફરકાવવાના.

અમારા તંત્રીજીએ ’મેનેજિંગ ડિરેક્ટર’ને વાત પહોંચાડી. મેનેજિંગ ડિરેક્ટરે ’બૉર્ડ’ પાસે રજૂ કર્યું. વકીલને ટેલિફોન કરીને બૉર્ડે સલાહ લીધી. વકીલોએ બચવાનો મુદ્દો કાઢી આપ્યો કે ખટારાનો તો વીમો ઉતરાવેલ હોવાથી આવા કિસ્સામાં નુકસાની આપવાની હોય જ નહિ.

’દીનબંધુ’ના મેનેજિંગ ડિરેક્ટરે અફસોસ સાથે ઇસારીઆને કશી રકમ આપવાની અશક્યતા જણાવી; કારણ એ જણાવ્યું કે, બીજું તો કાંઈ નહિ... રકમની વિસાત નથી - પણ દાખલો ખોટો બેસે.

આખી વાતમાંથી હું એટલું તો ચોક્કસ સમજી શક્યો કે, ઇસારીઆને આ નિમિત્તે એક પૈસો પણ ચૂકવવો એ વ્યવહારે નીતિ વિરુદ્ધ થાય અને કાયદાની દૃષ્ટિએ ગેરકાયદેસર ગણાય. બાકી, સહુનો મત એવો પડ્યો કે, પેલા પચાસ ટકા માગનાર વકીલનું આચરણ તો ઘણું જ હીન કહેવાય... પરંતુ... ખાસ કિસ્સાઓમાં આવી આકરી ફી લેવાનું ધોરણ પ્રચલિત છેયે ખરું.

વારુ. વળતે રવિવારે અમારા સાતવારિયાના નવા અંકમાં ઈસારીઆ બેકારની ફક્કડ વાર્તા પ્રગટ થઈ. તેની અંદર પેલો ખટારાનો અકસ્માત અને તે પછીનાં તમામ પરિણામો ટાંકવામાં આવ્યાં. ફક્ત ખટારાના માલિકોનું નામ નહોતું અપાયું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational