Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

SANGEETA MISTRY

Drama

4.3  

SANGEETA MISTRY

Drama

પુસ્તકાલયનો છેલ્લો દિવસ

પુસ્તકાલયનો છેલ્લો દિવસ

19 mins
259


      આજે કાવ્યાનો તેની કોલેજમાં પ્રથમ દિવસ હતો. ગામની શાળામાં ભણેલી કાવ્યા કોલેજના વાતાવરણથી પરિચિત થવાના પ્રયત્નો કરી રહી હતી. ઘણા પ્રયત્નો બાદ કાવ્યાને તેની પસંદગીની કોલેજમાં પ્રવેશ મળ્યો હતો. કાવ્યા ખુબ ઉત્સાહીત દેખાતી હતી. શરૂઆતી દિવસોથી જ કાવ્યા પોતાનો વધુ ને વધુ સમય પુસ્તકાલયમાં ગાળતી. જેમ જેમ ઘડિયાળનો સોયો ફરતો તેમ તેમ પુસ્તકાલયમાં વાંચનારાઓની સંખ્યા ઘટતી જતી. પુસ્તકાલય બંધ થવાના સમયે તો માત્ર પાંચ-સાત વિદ્યાર્થીઓ વધતા. એક દિવસ કાવ્યા પુસ્તકાલયથી બહાર નીકળી જ હતી કે પાછળથી એક અવાજ આવ્યો, “એક્શ્ક્યુઝ મી... એક્શ્ક્યુઝ મી મિસ” કાવ્યાએ પાછળ ફરીને જોયું તો એની જ કોલેજનો વિદ્યાર્થી હતો. કાવ્યાએ પૂછ્યું, “ આપે કંઇક કહ્યું ?” “હા, આ નોટબૂક તમારી જ છે કદાચ.”

“અરે હાં.....થેન્કસ ફોર ઈટ.” કાવ્યાએ જવાબ વાળ્યો.

“ઇટ્સ ઓકે, બાય ધ વે આઈ એમ સાહિલ, એન્ડ યુ?” સાહિલે દોસ્તીનો હાથ લંબાવતા કહ્યું.

“ઓહ આઈ એમ સોરી, આઈ એમ કાવ્યા. કાવ્યા શર્મા.” કોમલે એક સ્મિત સાથે જવાબ આપ્યો.

સાહિલે પૂછ્યું, “શું તમે અહીં રોજ આવો છો?”

કાવ્યાએ પ્રત્યુત્તર આપતા કહ્યું, “ હા લેકચર પુરા થયા બાદ હું મારો સમય અહીં જ પસાર કરું છું.”

સાહિલ કાવ્યાથી એક વર્ષ આગળ હતો. તે ભણવામાં પણ ઠીક ઠાક હતો અને એક બે મિત્રો સિવાય કોઇ મોટું મિત્ર વર્ગ ન હતું. હવેથી સાહિલ અને કાવ્યા બંને કલાકોના કલાકો પુસ્તકાલયમાં જ પસાર કરી દેતા. ક્યારેક સાહિલ પુસ્તકાલયમાં વાંચવા જવાની આનાકાની કરતો તો કાવ્યા ગુસ્સે થઇ જતી, “તું અહીં ભણવા આવે છે કે પછી.....” કાવ્યા બોલતી જ હોય ત્યાં તો સાહિલ વચ્ચે જ બોલી પડે, “શું તું પણ કાવ્યા, આપણે દરરોજ તો વાંચીએ છીએ એક દિવસ પુસ્તકાલય નહીં જઈએ તો આભ તૂટી પડશે? ચાલને કાવ્યા સાગર કિનારે જઈએ...” “મારે ક્યાંય નથી જવું, તું ચાલ મારી સાથે આજેજ ખલીલ ધનતેજવીની નવી પુસ્તક આવી છે મારે તે વાંચવી છે.” કહેતા કાવ્યા સાહિલનો હાથ પકડીને પુસ્તકાલય લઇ જતી અને સાહિલ કંઈ પણ બોલ્યા વગર તેની સાથે જતો રહેતો. કાવ્યા અને સાહિલ એકબીજામાં એવી રીતે ભળી ગયા હતા જેમકે દૂધમાં સાકર. કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ તો તુક્કાઓ પણ લગાવતા હતા કે ક્યાંક કાવ્યા અને સાહિલ એકબીજાને પસંદ તો નથી કરતાં? સાહિલ ઘણી વખત આ બધી વાતોથી અસ્વસ્થ થઈ જતો પરંતુ કાવ્યા તેની સૂઝબૂઝથી તેને સમજાવી લેતી ને સાહિલ કાવ્યાની વાતોથી શાંત થઇ જતો. કોઈકવાર સાહિલ એકલો બેઠો હોય તેવા સમયે તેને ઘણી વાર વિચાર આવતો કે સાચે જ કાવ્યા અને તેની વચ્ચે જે સબંધ છે તે પ્રેમનો છે? શું સાચેજ એ કાવ્યાને પસંદ કરે છે? અસંખ્ય પ્રયત્નો બાદ પણ સાહિલ પોતાના આ પ્રશ્નોના જવાબ આપવામાં નિષ્ફળ નીવડતો. તેને તો બસ એટલી ખબર હતી કે તે પોતે ગણિત ના એ શૂન્ય જેવો છે કે જેની આગળ એક ના હોય તો તેવા શૂન્યની કોઇ કિંમત રહેતી નથી. કાવ્યા તો બસ તેના માટે શૂન્યની આગળ એકડા જેવી હતી જેના થકી તે કિંમતી હતો. આજ વાત તે ઘણી વખત કાવ્યા ને પણ કેહતો પરંતુ કાવ્યા તેના સ્વભાવ પ્રમાણે મોટા મોટા ભાષણો આપતી ને સાહિલની બધી જ વાતોને હવામાં ફંગોળી દેતી. સાહિલ ને કદાચ તેની આજ આદત ખુબ ગમતી.

         એક દિવસ કોલેજ ખતમ થયા બાદ કાવ્યા અને સાહિલ એક બીજા સાથે વાતો કરતાં કરતા પોતાની જ દુનિયા માં ખોવાયેલા હતા કે અચાનક નોટીસ બોર્ડ સમક્ષ કાવ્યા ના પગલાં સ્થિર થઈ ગયા. સાહિલ પોતાની વાતોમાં એટલો મશગુલ હતો કે અમુક ડગલા ચાલ્યા બાદ તેને આભાસ થયો કે તે તો એકલો જ ચાલી રહ્યો હતો. સુરજે આમતેમ જોયું તો તેની નજર નોટીસ વાંચી રહેલી કાવ્યા ઉપર પડી. સાહિલ પણ તે નોટીસ વાંચવા કાવ્યા પાસે આવ્યો. ઘણી મથામણ કર્યા બાદ પણ તેને સમજ ના પડી કે આખરે કાવ્યા વાંચે છે શું? અંતે તેને કાવ્યાને પૂછ્યું, “અરે કાવ્યા તું ક્યાં ફસાઈ ગયી? શું જુએ છે? અરે! એવી કઈ નોટીસ વાંચે છે મને તો બતાવ.” સાહિલની એક પણ વાતની કાવ્યા પર કોઈ અસર થઇ નહીં. બસ તે નોટીસ વાંચતી રહી. સાહિલે ફરીપાછા નોટીસ બોર્ડની એક એક નોટીસ પર નજર ફેરવી પરંતુ તેને કોઈ પણ નોટીસ એના કામની લાગી નહી. તો પછી કાવ્યા શું વાંચી રહી હતી, તેને કંઈ સમજ ના પડી. તેણે ચપટી વગાડી કાવ્યાનું ઘ્યાન દોર્યું અને કહ્યું, “ શું કાવ્યા તું અહીં ઉભી ઉભી તારો અને મારો બંનેનો સમય બગાડે છે.” કાવ્યા પોતાના વિચારોથી બહાર આવી ગઈ હતી પરંતુ તેના ચેહરા ઉપર એક એવી ખુશી હતી જાણે કે રાત્રે જોયેલા સુંદર સ્વપ્નમાંથી ઉઠ્યા બાદ પણ આખા દિવસ તે સ્વપ્નની ઝલક ચમકતી હોય. કાવ્યાએ સાહિલનું ધ્યાન તે નોટીસ ઉપર દોર્યું જેને તે આટલા ધ્યાનથી વાંચી રહી હતી. “શી....લ્પ કળા કોમ્પિટિશન”, સુરજે આંખોની ભવર ખેંચતા તે નોટીસ વાંચી અને બોલ્યો, “કાવ્યા આ બધું શું છે? તને ક્યારથી આવી કળાઓનો શોખ ચઢી ગયો? અને તે મને.....” સાહિલ આગળ કંઈ પણ બોલે તે પહેલા કાવ્યા બોલી પડી, “ આ કળા મારી અંદર નહિ પરંતુ ક્યાંક તારામાં છુપાઈ છે.”

““શું?” સાહિલ એક મોટા પ્રશ્નાર્થ ચિહ્ન સાથે બોલી પડ્યો.

“હાં સાહિલ હું ઈચ્છું છું કે તું આ સ્પર્ધામાં ભાગ લે.”

““આર યુ મેડ? અરે આજ સુધી મેં ક્યારેય આવું કંઈ વિચાર્યું શુધ્ધા નથી ને તું ઈચ્છે છે કે હું આ સ્પર્ધામાં ભાગ લઉં? જો કાવ્યા આવા ખયાલી પુલાવ બનાવાનું બંધ કર. તને ખબર છે ને મારી અંતિમ વર્ષની પરીક્ષાઓ શરુ થવાની છે અને તારા જેવી પુસ્તક પ્રેમી વાંચવાનું મૂકી આ બધી ફોગટની પ્રવૃત્તિઓમાં સમય કઈ રીતે વેડફી શકે? કમ ઓન કાવ્યા, બી પ્રેક્ટીકલ.”” આટલું બોલી સાહિલ ત્યાંથી નીકળી ગયો. કાવ્યાને કંઈ સમજ નાં પડી કે તે શું બોલે, કઈ રીતે તેને સમજાવે કે જેના વિશે સાહિલને કદાચ ખ્યાલ પણ નથી તે કળા કાવ્યા તેની અંદર ક્યાંક જોઈ શકતી હતી. કાવ્યાએ આખો દિવસ કેટલાય મેસેજ કર્યા પરંતુ સાહિલ પાસેથી કોઈ પ્રતિભાવ ના મળ્યો. પુસ્તકાલયમાં પણ સાહિલ વગર આજે કાવ્યાને ખાલીપો વર્તાતો હતો. કોમલે ઘડિયાળ તરફ નજર ફેરવી તો સાંજના છ વાગ્યા હતા. આજે સાહિલ પુસ્તકાલય નથી આવ્યો તો હવે માત્ર એક જ જગ્યાએ હોય શકે. કાવ્યા મનમાં ને મનમાં આ બધું વિચારી રહી હતી. થોડીક ક્ષણો બાદ કંઈક નક્કી કર્યા બાદ તે પોતાની બધી પુસ્તકો સમેટી ત્યાંથી નીકળી ગઈ.

         રીક્ષાવાળાને તેનું ભાડું ચૂકવી આમતેમ નજર ફેરવી તો સામે સાહિલની ગાડી દેખાઈ. તેનો અંદાજો સાચો નીકળ્યો. આજે પણ સાહિલ તેની આદત પ્રમાણે સાગર કિનારે પાણીની લહેરોથી અમુક અંતરે બેઠો હતો. જયારે પણ સાહિલ અને કાવ્યા વચ્ચે કંઈક ઝગડો થાય અથવા જયારે પણ સાહિલ કોઈ મક્કમ નિર્ણય ના લઈ શકે ત્યારે તે અહીં સાગર કિનારે કલાકો સુધી બેસી રેહતો. કાવ્યા પોતાની મુંઝવણને પોતાના મનમાં શાંત કરીને સમજદારી સાથે સાહિલ પાસે ગઈ અને સમુદ્રની ભીની માટી ને એકઠાં કરતા તેના હાથને પાછળથી પકડતા બોલી, “સાહિલ તે ક્યારેય ધ્યાન નથી કર્યું પરંતુ અજાણતામાં જેવી રીતે તારા હાથ આ ભીની માટી સાથે રમે છે ને તે માત્ર એક ખેલ નથી પરંતુ વાસ્તવમાં આ હાથમાં હુનર છુપાયું છે જે કદાચ આ સ્પર્ધા દ્વારા બહાર આવી શકે છે. સાહિલ કાવ્યાની આ માસુમિયત ને મેહસૂસ કરી શકતો હતો. “તું એકવાર પ્રયત્ન તો કરી જો સાહિલ. પ્લીઝ મારા માટે.” બોલતા કાવ્યા સાહિલનો હાથ પોતાના હાથમાં લઈને ત્યાં બેસી ગયી. “તને ખબર છે ને મને આવી કળા વિશે કંઈ ખાસ ખબર નથી અને તું તો જાણે જ છે આ વખતે કોલેજમાં મારું છેલ્લું વર્ષ છે. મારા અભ્યાસનું શું? આવી હરીફાઈ પાછળ પોતાનો કિંમતી સમય બગાડ્યો એમાં કયી સમજદારી છે?

“સાહિલ હું ક્યાં કહું છું કે તારે આ હરીફાઈમાં જીતવા માટે ભાગ લેવાનો છે. હું તો માત્ર તને હરીફાઈમાં ભાગ લેવા માટે કહું છું. જેથી તને ખુદને ખ્યાલ આવે કે તારામાં કંઈક તો એવું છે જેનાથી તું પોતે પણ અજાણ છે.

હું તને ક્યાં કંઈ એકલા હાથે કરવા કહું છું. આપણે બંને મળીને મહેનત કરશું. પ્લીઝ સાહિલ એકવાર હા કહી દે. સાહિલને પોતાના ઉપર જરાય વિશ્વાસ ન હતો કે એ આવું કંઇક કરી શકે છે. પરંતુ તેણે પોતાનાથી વધારે કાવ્યાના ભરોસા ઉપર ભરોસો કરીને સમુદ્રની એ ભીની માટીને કાવ્યાના હાથમાં આપતા આ હરીફાઈમાં ભાગ લેવા માટે તૈયાર થઇ ગયો. કાવ્યા તે ભીની માટીના સ્પર્શમાં રહેલી એક અદભુદ કલાને અનુભવી રહી હતી.

         બીજા દિવસે સુરજે કાવ્યાની હાજરીમાં હરીફાઈનું ફોર્મ ભર્યું. હવેથી તેઓ દરરોજ સાંજે કોલેજ પૂરી થયા બાદ સમુદ્ર કિનારે જતા. સાહિલ સમુદ્રની ભીની માટીથી અલગ અલગ કૃતિઓ બનાવતો અને કાવ્યા તેના અલગ અલગ સ્થાનેથી ફોટાં પાડતી અને પછી બંને બેસીને તેના ઉપર ટીપ્પણી કરતા. કાવ્યા દિલથી ખુશ હતી જે સાહિલ સારી રીતે મહેસુસ કરી શકતો. તેને રેતશીલ્પથી વધુ કાવ્યાની ખુશી જોઈતી હતી જે તેને મળી રહી હતી, તેથી સાહિલ પણ ખુશ હતો.

        આખરે તે હરીફાઈનો દિવસ આવી જ ગયો. સવારે ઉઠતાની સાથે જ કાવ્યાએ સાહિલને ફોન કર્યો અને સુચનોની એક લાંબી સૂચી એકી શ્વાસે બોલી ગયી. “

        “અરે હાં કાવ્યા, ચિંતા ના કર જેવું આપણે અત્યાર સુધી નક્કી કર્યું છે હું બસ તેવું જ કરીશ બસ.”” સાહિલે વાક્ય પૂરું કર્યું તો કાવ્યાને આભાસ થયો કે આ બધા સૂચનો તો એ રોજ સાહિલને દિવસમાં બે વાર આપતી અને હવે તો કદાચ સાહિલને મોઢે પણ થઇ ગયા છે. ત્યારબાદ એક સ્મિત સાથે કોમલે ફોન મુક્યો. બરોબર સવારે આઠ વાગ્યે સમુદ્ર કિનારે હરીફાઈ શરૂ થવાની હતી. કોમલે સાહિલને બેસ્ટ ઓફ લક વિશ કર્યું. સુરજે જતા જતા કાવ્યાની આંખોમાં આંખો નાખી પૂછ્યું, “કાવ્યા, જો હું હારી જાઉં તો તું રિસાય તો નહિ જાય ને?”

કાવ્યાએ એક સ્મિત સાથે જવાબ આપ્યો, “તે આ હરીફાઈમાં ભાગ લીધો તે જ તારી સાચી જીત છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ સાહિલ.” કાવ્યા દ્વારા આટલા શબ્દો સાંભળી સાહિલની આંખોમાં એક ચમક આવી ગઈ. ત્યારેજ કાવ્યાએ સાહિલનું ધ્યાન તોડતા કહ્યું, “પરંતુ હાં મિ.સાહિલ એક દિવસ ખ્યાતનામ કલાકાર બનીને ક્યાંક આ મિત્રને ભૂલી તો નહિ જાય ને?” “શું કાવ્યા તું પણ!” સાહિલ ચીડાયેલા સ્વભાવે બોલ્યો. “સારું હવે જા નહિતર મોડું થઇ જશે.” કહી કોમલે ત્યાંથી વિદાય લીધી.

         કોલેજમાં પણ કાવ્યાના મનમાં માત્ર એક જ વિચાર હતો કે સાહિલની કૃતિ કેવી હશે? તેના માટે એક એક ક્ષણ મુશ્કેલ થઇ રહી હતી. સાહિલે બનાવેલા રેત-શિલ્પ ને જોવા તે ઉતાવળી થયી રહી હતી. કાવ્યા હૃદયથી ઈચ્છતી હતી કે જે કળા તેણે અનુભવી છે તે સાચેજ લોકોની સામે આવે. તે સાહિલને એક અલગ ઓળખાણ આપવા માંગતી હતી. તે સાબીત કરવા માંગતી હતી કે કળા એ કોઈ વ્યક્તિ કે વર્ગ સુધી સીમિત નથી, પરંતુ એતો દરેકમાં છુપાયેલી હોય છે બસ જરૂર છે તો તેને અનુભવીને બહાર લાવવાની.

કોલેજ ખતમ થવાની સાથેજ કાવ્યા ત્યાંથી ઝડપભેર નીકળી અને સમુદ્ર કિનારે પહોંચી. ત્યાંની ચહલ-પહલને જોઇને લાગી રહ્યું હતું કે હરીફાઈ લગભગ પૂરી થઈ ચુકી છે. નિર્ણાયકો પોતાનું કામ કરી રહ્યા હતા અને ત્યાં આવેલા વિદ્યાર્થીઓ, તેમના મિત્રો અને સામાન્ય પ્રજાગણ પોતપોતાની સમઝ પ્રમાણે મૂલ્યાંકન કરી રહ્યા હતા. બધાના મુખ ઉપર એક જ ચર્ચા હતી કે આખરે જીતનો તાજ કોના ભાગે જશે? આ બધાની વચ્ચે કાવ્યાની નજર સાહિલને શોધી રહી હતી. કાવ્યાને સાહિલનો કોઈ પત્તો મળ્યો નહિ. ત્યાંની એક એક જગ્યાને કાવ્યાએ ખુબ ધ્યાનથી ચકાસી પરંતુ સાહિલ ક્યાંય મળ્યો નહિ. તેના મનમાં એક મૂંઝવણ હતી કે આખરે સાહિલ ગયો ક્યાં? “કદાચ તે મને જ મળવા પુસ્તકાલય ગયો હશે.” મનોમન કંઇક આવો વિચાર કરી તે ત્યાંથી પુસ્તકાલય જવા નીકળી.

         કાવ્યાને મનમાં પૂરી ખાત્રી હતી કે ચોક્કસ સાહિલ તેની રાહ જોઈ રહ્યો હશે. તે કેટલો ઉતાવળો થઇ રહ્યો હશે તેના રેત-શિલ્પની વાત કરવા. કંઇક આવા જ વિચારોથી કાવ્યના મુખ ઉપર એક છુપાયેલું સ્મિત ઉધડી આવતું. પુસ્તકાલયમાં તે સીધી તેમની દરરોજની જગ્યાએ જઇ પહોંચી, પરંતુ આ શું? સાહિલ તો ત્યાં હતો જ નહિ. તેણે ત્યાંના કર્મચારીઓને સાહિલના આગમન વિશે પૂછ્યું પરંતુ દરેકનો જવાબ નકારમાં મળ્યો. તો સાહિલ બીજે ક્યાં જઇ શકે છે? અત્યાર સુધીમાં તો એ તેને કેટલા ફોન અને મેસેજ કરી ચુકી હતી પરંતુ સામે છેડેથી કોઈ જવાબ નહોતો મળ્યો. કાવ્યાએ ઝટ ફેસબુક ઓપન કર્યું અને તેનો સંપર્ક કરવાની એક વધારાની કોશિશ કરી જોઈ. સાંજ પડી ગયી હતી.સાહિલના બીજા મિત્રો, ઓળખીતાઓ અને એવા કોઈ પણ વ્યક્તિ જેની પાસેથી કદાચ સાહિલનો પત્તો મળે તેવા દરેકનો સંપર્ક કરી ચુકી હતી, આખરે તેની બધીજ મહેનત નિષ્ફળ નીવડી. સાહિલ ક્યાં હતો એ કોઈનેય ખબર ના હતી.

રાતના સાડા અગ્યાર વાગી ગયા પરંતુ ઊંઘ તો દુર દુર સુધી ક્યાંય તેની આંખોમાં નજર આવતી ન હતી. એમ પણ આ વર્ષે સાહિલનું ભણતર પૂરું થવાનું હતું, અંતે તો એ બંને છુટા પડવાના જ હતું ને. એમ પણ સ્કુલ-કોલેજના મિત્રો બે-પાંચ વર્ષના ભણતર પછી થોડી સાથે રહી શકે છે. ભણતર પૂરું થયા બાદ ચાહો છતાં પણ મિત્રો સાથે વિતાવેલા એ દિવસો પાછા થોડી લાવી શકાય છે. પછી તો માત્ર સમયની યાદો, ફોન, મેસેજ અને ફેસબુકની વાતો જ બાકી રહી જાય છે. કાવ્યા મનમાં ને મનમાં આ બધા વિચારો કરી જાતને દિલાસો આપવાની કોશિશ કરી રહી હતી.

         “પરંતુ પોતાના આટલા સારા મિત્રને આ રીતે અલવિદા કહેવું પડશે એવું તો નહિ વિચાર્યું હતું ને!” કાવ્યાએ પોતાના મનને એક ધારદાર પ્રશ્નનો પ્રત્યાઘાત કર્યો. “હરીફાઈ દરમિયાન એવું તો શું થયું હશે કે સાહિલને એકવાર મળવાનો પણ વિચાર ના આવ્યો.” આવા કેટલાય પ્રશ્નોના જવાબો તેના મનમાં ગૂંચવાતા હતા જેના જવાબો શોધવા તે અસમર્થ હતી.

         વિચારોની આજ ગડમથલમાં ક્યારે સવાર પડી ગયી તેને ખબર જ ના પડી. કાવ્યા એક હોશિયાર અને સમઝું છોકરી હતી. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખનારી હતી. તેણે વધુને વધુ સમય પોતાના ભણતર ઉપર આપ્યું. સવારથી સાંજ પુસ્તકાલયમાં બેસી પુસ્તકો સાથે એવી તો ગોષ્ઠી કરતી કે આજુબાજુના લોકો પણ આશ્ચર્ય પામી જતા. દિવસો વિતતા ગયા અને આખરે કાવ્યાનું ભણતર પણ પૂરું થયું. તે પ્રથમ શ્રેણીએ પાસ થઇ હતી. તેનું પ્લેસમેન્ટ એક મોટી મલ્ટીનેશનલ કંપનીમાં થયું હતું. જે માટે હવે તેણે મુંબઈ જવાનું હતું. કાવ્યાના મનમાં નોકરીનો ઉમંગ હતો, પરંતુ મુંબઈ જવાનું? આ શહેર અને જિંદગીભરની મીઠી યાદોને અહીં જ છોડી જવાનું ? પરંતુ બીજો કોઈ ઉપાય પણ ન હતો. આવતા અઠવાડિયે જ તેણે નોકરી શરૂ કરવાની હતી. હરહંમેશની જેમ આ સમયે પણ કાવ્યા પોતાની સમઝદારી વાપરી ટૂંક સમયમાં બધો બંદોબસ્ત કરી મુંબઈ માટે રવાના થઇ.

          ‘મુંબઈ’ કદાચ દરેક વ્યક્તિના સપનાની દુનિયા. અસંખ્ય અજાણ્યા લોકો એકબીજા સાથે દોડની હરીફાઈ કરી રહ્યા હોય તેમ દિવસ રાત લોકોની ભીડથી ધમધમતું શહેર. આવી જ એક અજાણી દુનિયામાં કાવ્યા પહોંચી હતી. સ્વભાવ પ્રમાણે પોતાના કામને પ્રેમ કરનારી કાવ્યા નોકરીની જવાબદારીઓને એવીતો ઉપાડી કે કામ અને કાવ્યા ટૂંક સમયમાં એકબીજાના પર્યાય બની ગયા. કારકિર્દીના નામ ઉપર કાવ્યાએ લગભગ ચાર વર્ષ જેટલો લાંબો સમય પસાર કરી નાખ્યો હતો.

     એક દિવસ કાવ્યા ઓફિસે પહોંચી અને આદત પ્રમાણે ઓફીસના રીડીંગ રૂમમાં સમાચાર પત્ર વાંચી રહી હતી કે અચાનક તેની નજર એક નાનકડી ખબર ઉપર પડી, લખ્યું હતું ‘નાનાક્પુર ગામના વર્ષો જુના પુસ્તાક્લયને બંધ કરવાનો નિર્ણય લેવાયો.’ કાવ્યાએ એકવાર, બે વાર, ત્રણ વાર એક ને એક લાઈન પછી વાંચી. કાવ્યનું હૃદય જાણે એક ધબકારો લેવાનું ચુકી ગયું હતું. વર્ષો પહેલા પુસ્તકાલય સાથે જે સંબંધ જોડાયો હતો તે કાવ્યાની નજર સમક્ષ સ્પષ્ટ દેખાતું હતું. આ એક પુસ્તકાલય જ હતું જ્યાં એ પ્રથમ વાર સાહિલને મળી હતી. જીવનનો કેટલો કિંમતી સમય તેને પુસ્તકાલયમાં વિતાવ્યો હતો. દેશભરમાં આવા કેટલાય પુસ્તકાલય હશે જ્યાં લોકો કોઈ ને કોઈ સારી વ્યક્તિને મળ્યા હશે, જીવનને એક ઘાટ આપતા હશે. તે આવું કંઇક વિચારી જ રહી હતી કે પાછળથી તેના ખભા ઉપર કોઈકે હાથ મુક્યો. કાવ્યાએ પાછળ ફરીને જોયું તો તેની મિત્ર પ્રાચી ત્યાં ઉભી હતી. “શું વાત છે કાવ્યા આજે અહીં રીડીંગ રૂમમાં જ બેસી રહેવું છે કે પછી કંઇક કામ પણ કરવું છે?”” પ્રાચીએ તેને પૂછ્યું.

“હાં પ્રાચી કામ તો કરવું છે પરંતુ તને ખબર છે નાનક્પુરમાં આવેલા પુસ્તકાલયને બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.” કાવ્યાએ જવાબ આપ્યો.

“તો તેમાં ખોટું શું છે ? આજકાલ ટેકનોલોજીના જમાનામાં વળી પુસ્તકાલયની શું જરૂર? જે વાંચવું હોય તે તો માત્ર એક ક્લિક કરતા જ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તૈયાર હોય છે પછી પુસ્તકાલય જઇ કોઈ શા માટે પોતાનો સમય બગાડે?” પ્રાચીએ પોતાનો મંતવ્ય આપતા કહ્યું.

“નાં પ્રાચી હું તારી સાથે સંમત નથી. ટેકનોલોજી ભલે ગમે તેટલી વિકસિત હોય પરંતુ પુસ્તકોની સરખામણી કોઈ ના કરી શકે. પુસ્તકોથી માત્ર જ્ઞાન નથી મળતું પરંતુ વાંચનાર સંસ્કાર અને સભ્યતા શીખે છે. સુધડ અને સમજદાર સમાજનો પાયો નાખવામાં એક પુસ્તકાલયનો ફાળો અમૂલ્ય છે. પુસ્તકો સાથેની મિત્રતા એક નવા જ વિચારનું સર્જન કરે છે જેમાં દરેક વ્યક્તિ બીજી વ્યક્તિ પ્રત્યે આદરભાવ કેળવે છે. તને ખબર છે પ્રાચી કેટકેટલાંય જટિલ સામાજિક પ્રશ્નોના ઉત્તર પુસ્તકાલયને દિનચર્યા બનાવનાર વ્યક્તિ પાસેથી સરળતાથી મળી રહે છે. અને હાં....”

         “ઓકે કાવ્યા મે બી યુ આર રાઈટ. હવે મહેરબાની કરીને કામ શરુ કરીએ? જો આજે પ્રોજેક્ટની ડેડલાઈન છે સમયસર પૂરું નહીં કરીએ તો જવાબ આપવું મુશ્કેલ થશે.ચાલ હવે.” કાવ્યા પ્રાચી સાથે રીડીંગ રૂમ છોડી પોતાના કામમાં વ્યસ્ત થઇ જાય છે. પરંતુ આ પુસ્તકાલયનો વિચાર તેના મગજમાં ક્યાંક તેને જંપવા નથી દેતો. નાનક્પુરના પુસ્તકાલય સાથે કેટલાય લોકોની યાદો જોડાઈ હશે. ત્યાં પણ કોઈક કાવ્યા અને સાહિલે એકબીજાની સક્ષમતાને ઘાટ આપ્યો હશે.

અચાનક કાવ્યાના મનમાં એક વિચાર આવ્યો. “શું એ પોતે એક પ્રયત્ન નહિ કરી શકે આ પુસ્તકાલયને બચાવવા?”

“કેમ નહિ?” તેના મનમાંથી વળતો જવાબ આવ્યો.

એકાએક આવેલા આ વિચાર માટે કાવ્યા તરત મક્કમ બની. ઓફીસમાં તેનું કામ લગભગ ખતમ થઇ ચુક્યું હતું. તેની ઓફીસમાં પ્રોજેક્ટ ખતમ થયા બાદ ગ્રુપના સભ્યોને એક દિવસની રજા મળતી. નિયમ મુજબ બધા મિત્રો મળી રજાને ભરપુર માણતા પરંતુ આ વખતે કાવ્યાએ નાનક્પુર જવાનું નક્કી કર્યું.

બીજે દિવસે કાવ્યાએ વહેલી સવારે નાનક્પુર જવા માટે નીકળી. લગભગ ૧૦ વાગ્યાની આસપાસ કાવ્યા મુંબઈથી દુર નાનક્પુર પહોંચી. ગામમાં ઘરોની સંખ્યા ઘણી હતી પરંતુ જનસંખ્યા સરેરાશ ઓછી હતી. કાવ્યા ત્યાંના નગરજનોની મદદથી પુસ્તકાલય પહોંચી. પુસ્તકાલયની ભૌગોલિક પરિસ્થિતિ જોઈ અનુમાન લગાવી શકાતું હતું કે પુસ્તકાલયની ઈમારત ગામની જૂનામાં જૂની ઈમારત હશે. ત્યાં ઘણા જુના પુસ્તકો કબાટમાં વ્યવસ્થિત રીતે ગોઠવેલા હતા. ગણતરીની સંખ્યામાં જુના થઇ ગયેલા ટેબલ-ખુરશીઓ તેમજ નહીવત ના પ્રમાણ માં વાંચનારાઓ હતા. કાવ્યા ત્યાંની એક એક ભૌતિક ચીજવસ્તુઓનું આવલોકન કરતી સંચાલકની ટેબલ પાસે પહોંચી. ખુબ ધ્યાનપૂર્વક એક મહિલા ત્યાં રજીસ્ટરમાં કંઇક લખી રહી હતી. “એક્શ્ક્યુંઝ મી મેડમ.” કાવ્યાએ તે મહિલાનું ધ્યાન ખેંચ્યું.

‘હાં બોલો, હું આપની શી મદદ કરી શકું?” તે મહિલા એ ખુબ નમ્રતાપૂર્વક જવાબ આપ્યો.

“જી.... મારું નામ કાવ્યા શર્મા છે. મેં સમાચારપત્રમાં વાંચ્યું કે આ પુસ્તકાલય બંધ થવા જઇ રહ્યું છે. મારે આ સંદર્ભે પુસ્તકાલયના મુખ્ય સંચાલક સાથે વાત કરવી છે.’ કાવ્યાએ એક દ્રઢ મનોબળ સાથે જવાબ આવ્યો.

ત્યાં હાજર મહિલા સંચાલકે તેને આશ્ચર્યથી જોઈ કંઈક વિચાર્યું અને પછી ફોન ઘુમાવ્યો. ટૂંકી વાત કર્યા બાદ તે કાવ્યાને એક રૂમ તરફ દોરી ગઈ. ત્યાં રૂમમાં ખપ પુરતો સામાન ખુબ વ્યસ્થિત રીતે ગોઠવાયેલો હતો. ત્યાં બેસેલા સજ્જને કાવ્યાને બેસવા આગ્રહ કર્યો. સજ્જને

પોતાનો પરિચય આપતા કહ્યું, ‘હું હરિહરભાઈ ખીમજી, આ પુસ્તકાલયનો મુખ્ય સંચાલક કહો આપ શું વાત કરવા માંગો છો.’

સર, હું કાવ્યા શર્મા. મુંબઈમાં એક કંપનીમાં જોબ કરું છું. પુસ્તકાલય સાથે ખુબ જુનો સંબંધ રહ્યો છે મારો. પુસ્તકો માનવીના જીવનમાં શું મહત્વ ધરાવે છે એ ખુબ સારી રીતે જાણું છું. કાલે સમાચાર પત્રમાં આ પુસ્તકાલય બંધ થવાની જાણ થઇ તો હું પોતાની જાતને રોકી ના શકી. સર કોઈ એવો ઉપાય નથી કે જેથી આ પુસ્તકાલયને બંધ થતા અટકાવી શકાય.’ કાવ્યાએ ખુબ માસુમિયત સાથે પોતાના વાક્યો પુરા કર્યો.

         સામે બેસેલા હરિહરભાઈ આ શબ્દો સાંભળી દંગ રહી ગયા. તેમની આંખોમાં આશ્ચર્ય અને ઉમ્મીદના મિશ્ર પ્રતિભાવો દેખાતા હતા. ‘સાચું કહું તો જો એક પણ રસ્તો અમારી પાસે હોત તો કદાચ આ પુસ્તકાલય કે જ્યાં મેં લગભગ મારી જિંદગી વિતાવી છે તેને કોઈ સંજોગો માં બંધ થવા ના દીધું હોત. આ પુસ્તકાલય ને ચાલુ રાખવાની પહેલી શરત એ છે કે પુસ્તકાલયમાં ઓછામાં ઓછા પાંચસો નિયમિત સભ્યોની સંખ્યા હોવી જરૂરી છે. આજે ઈન્ટરનેટના યુગમાં સમયની અછતને કારણે પુસ્તકો અને માનવી વચ્ચેના તાર તૂટી ગયા છે આવા સમયમાં અમારી પાસે સભ્યોની સંખ્યા નહીવતના પ્રમાણમાં છે. બીજું મહત્વનું કારણ એ કે વાંચનારા સભ્યો રસ નહિ દાખવે તે કારણે નવા પુસ્તકોનું સંગ્રહ કરવું અમારા માટે આર્થિક રીતે મુશ્કેલભર્યું કાર્ય છે જેથી આ પુસ્તકાલય માત્ર જુના પુસ્તકોનું સંગ્રહ સ્થાન બની ગયું છે. પરંતુ હાં ક્યાંય ના જડે એવા દુર્લભ પુસ્તકો સાચવ્યા છે અમે.’ હરિહરભાઈ ના ગમગીન ચેહરા ઉપર છેલ્લું વાક્ય પૂર્ણ કરતા એક ગજબની ચમક દેખાઈ કાવ્યાને.

         ‘એટલે સર જો પુસ્તકાલયમાં પાંચસો સભ્યો થઇ જાય તો આપણે તેને બંધ થતા અટકાવી શકીએ છીએ?’ કાવ્યાએ એક ઉમ્મીદ સાથે પૂછ્યું.

         ‘હાં, પરંતુ આવતા પંદર દિવસ પછી ૩૧મી તારીખે પુસ્તકાલયનો છેલ્લો દિવસ છે અને આટલા ટૂંક સમયમાં આ કરવું લગભગ અશક્ય છે.’

          ‘તે તમે મારા ઉપર છોડી દો. હું મારી તરફથી એકવાર પ્રયત્ન કરવા માંગું છું. બસ તમે મને સભ્યપદ લેવા માટેની પ્રક્રિયા જણાવી દો અને પુસ્તકાલયના દુર્લભ પુસ્તકોની યાદી આપી દો.’ કાવ્યાએ ઉત્સાહ સાથે આ જવાબદારી ઉપાડી.

         જરૂરી માહિતી સાથે કાવ્યા પાછી મુંબઈ પહોંચી. કાવ્યાએ તરત મિત્રો, સગા-સંબંધીઓ સહુને પુસ્તકાલયનું સભ્યપદ લેવા વિનંતી કરી. આજના યુગમાં પ્રચલિત બનેલા સામાજિક માહિતી સંચારના માધ્યમો – ફેસબુક, ટવીટર, યુટયુબ ને કંઈ કેટલાય સ્થાનિક સમાચાર પત્રો અને ખબરોના માધ્યમ દ્વારા કાવ્યાએ પુરી મહેનત સાથે બધાને સમજવાનો પ્રયત્ન કર્યો કે એક પુસ્તકાલય જ છે જે મશીન બની ગયેલા માનવીને ફરી પાછા માનવી હોવાનો અહેસાસ કરાવે છે. મિત્રો અને સગા-સંબંધીઓ સાથે એક જગ્યાએ બેસી જ્ઞાન વહેંચવામાં જે મજા છે. તે કદાચ આજની ટેકનોલોજી નહિ આપી શકે.

       કાવ્યા દિવસ-રાત જોયા વગર બસ વધુને વધુ સભ્યોને એકઠાં કરવાનું આ અડગ કામ કરતી હતી. લગભગ દસ દિવસ થઇ ગયા હતા. અત્યાર સુધી ઘણી સંખ્યામાં સભ્યપદ માટેની અરજીઓ આવી ચુકી હતી પરંતુ તે પુસ્તકાલયને ચાલુ રાખવાની શરત પ્રમાણે પુરતી ના હતી. કાવ્યાએ હજુ ઘણું કરવાનું બાકી હતું. આસપાસના દરેક વ્યક્તિ જેઓ ઘણા સમય પહેલા શહેર છોડી ચુક્યા હતા તેમને મળી આ પુસ્તકાલયને બચાવવામાં સહભાગી થવા વિનંતી કરી. કાવ્યા એકલી જ નહિ પરંતુ તેના મિત્રો પણ તેની સાથે ઉભા પગે કામ કરી રહ્યા હતા. કાવ્યા પોતાના મિત્રોને જોઇને ખુબ ખુશ હતી.

          જોતજોતામાં આજે પંદર દિવસ પુરા થઇ ગયા હતા. કાવ્યા અને તેના મિત્રો નાનક્પુર પુસ્તકાલય પહોંચ્યા. પુસ્તકાલયમાં બધાએ મળીને સભ્યપદ માટે આવેલી અરજીઓની સૂચી તૈયાર કરી. સભ્યપદની યોગ્યતાને ધ્યાનમાં રાખી સભ્યોના નામ લખાયા તો કેટલીક અરજીઓ યોગ્યતાને પાત્ર ન હોવાને કારણે રદ્દ કરવામાં આવી.

         “પરંતુ આ તો હજી ચારસો બત્રીસ અરજીઓ જ થઇ છે.” કાવ્યાના એક મિત્રએ ત્યાં કામ કરતા સહુ મિત્રોનું ધ્યાન ખેંચ્યું.

         “મારા મેઈલ આઈડી માં આજે સવારે જ કેટલીક અરજીઓ આવી છે આપણે એમને પણ સામેલ કરી લઈએ.” કાવ્યાનાં એક મિત્રએ સૂચવ્યું.

          “હાં ચોક્કસ, આપણે હજી અડસઠ અરજીઓની જરૂર છે, અને હરિહરભાઈ આપની પાસે પણ ટપાલ દ્વારા અરજીઓ આવી હશે ને?” અરજીઓને ખુબ ઝીણવટપૂર્વક યાદ કરતા કાવ્યાએ કહ્યું. આજે તેના માટે દરેક અરજી ખુબ કિંમતી હતી. આથી એક પણ અરજી તે ધ્યાન બહાર રાખવા માંગતી ન હતી. બાકી રહેલા અડસઠ સભ્યપદને ભરવા માટે સહુ કોઈ કામે લાગી ગયા. બપોરના એક વાગ્યા હતા. સમય લગભગ ખતમ થવાને આવ્યો હતો. પુસ્તકાલયને બંધ કરવા માટે જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરવા નિમાયેલા ઉચ્ચ અધિકારી અને વકીલ કોઈ પણ સમયે પહોંચવાના જ હતા. હવે આ પુસ્તાકાલાયને બંધ થતું અટકાવવા કાવ્યાએ કોઈ પણ સંજોગોમાં પાંચસો સભ્યપદની અરજીઓ ઉચ્ચ અધિકારી સમક્ષ રજુ કરવાની હતી અને કદાચ તે સભ્યપદ ભરવામાં નિષ્ફળ નીવડે તો ફરી પાછા આ પુસ્તકાલયને પગભર બનાવવાનું તેનું સપનું ક્યારેય પૂરું નહિ થાય. પુસ્તાકાલયની જીવંતતામાં કાવ્યા તેના ખોવાયેલા સપનાઓને વાગોળવા માંગતી હતી. તેના મનમાં આજે પણ એક જ અફસોસ હતો કે તેની જીદને કારણે તેના સૌથી સારા મિત્ર સાહિલને તે ગુમાવી ચુકી હતી. આ પુસ્તકાલયને બચાવી તે ક્યાંક સાહિલની છુપી માફી માંગવા ઈચ્છતી હતી.

  બરોબર બપોરે ત્રણ વાગ્યે ઉચ્ચ અધિકારી ત્યાં બધી તૈયારી સાથે પહોંચી ચુક્યા હતા. નાનક્પુરનું આ પુસ્તકાલય એક ઈતિહાસ બનશે કે પછી તેનું નવું ભવિષ્ય લખાશે તે ટૂંક સમયમાં નિર્ધારિત થવાનું હતું.

         “કાવ્યા બધી અરજીઓ મળી કુલ ચારસો ને ત્રાણું અરજીઓ જ થઇ પરંતુ હજી સાત અરજીઓ ખૂટે છે.” તૈયાર કરેલા સભ્યપદના બધા નામોને ગણ્યા બાદ કાવ્ય ની મિત્ર પ્રાચીએ બધા નામોની સૂચી જાહેર કરતા કહયું.

         “તો શું આપણે આ પુસ્તકાલયને નહિ બચાવી શકીએ? શું આપણી આટલા દિવસોની મહેનત વેડફાઈ જશે?” બીજા મિત્રના મુખેથી આ શબ્દો સાંભળી કાવ્યાનું હૃદય બેસી ગયું,      “નહી રાહુલ આમ શિખરની ટોચ સુધી પહોંચી ત્યાંથી લપસવાની વાત ના કર. આપણે એક અંતિમ પ્રયાસ જરૂર કરવો જોઈએ. હરીરારભાઈ મને લાગે છે આપણે એકવાર આ બાબતે ઉચ્ચ અધિકારીને જરૂર વાત કરવી જોઈએ. કદાચ એ માની જાય.” કાવ્યાએ હરહંમેશની જેમ આજે પણ ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં અડગ રહી સાચો માર્ગ શોધવાની તેની ખૂબીને ઉજાગર કરી. હરિહરભાઈ તેની વાત સાથે સંમત થયા. તેઓ બંને બધી અરજીઓ સાથે અધિકારીને મળ્યા અને સંપૂર્ણ બાબતથી માહિતગાર કર્યા.

      “જુઓ મેડમ તમે જે વિનંતી કરવા આવ્યા છો તેનો સમયગાળો આજે પૂરો થાય છે. આજે સભ્યપદ ભરવા માટેનો છેલ્લો દિવસ છે. હું કોઈ પણ સંજોગે આપને વધારાનો સમય આપી શકું તેમ નથી. જો આજે નિયત કરેલા લઘુત્તમ સભ્યો ની સંખ્યા ના થાય તો આ પુસ્તકાલયને બંધ કરવા સિવાય કોઈ ઉપચાર નથી. જો તમે પુસ્તકાલય ચાલુ રાખવા ઈચ્છતા હોવ તો ખૂટતા સાત સભ્યપદ માટેની અરજી આજે પાંચ વાગ્યા પહેલા તમારે રજુ કરવાની રહેશે.”

 અધિકારીના આ શબ્દો સાંભળી કાવ્યા અંદરથી સાવ તૂટી ગયી હતી. તેણે જીવનમાં આવી હારનો સામનો ક્યારેય કર્યો ન હતો. કાવ્યાની બધી જ આશાઓ ટાઈટેનીકના જહાજની માફક ઊંડા સમુદ્રમાં ગરકાવ થવાને આરે હતી અને આગળ શું થશે તેવા વિચાર માત્ર થી જ તેને લાચારીનો આભાસ થતો હતો. કાવ્યા વિચારમગ્ન હતી ને પાછળથી કોઈક અવાજ સંભળાયો, “આ ખોવાયેલા મિત્રને તારા જીવન અને આ પુસ્તકાલયનો સભ્ય બનાવીશ કાવ્યા?” તેણે તરત પાછળ ફરીને જોયું તો તેની આંખો દંગ રહી ગયી. તેનું હૃદય પાષાણની માફક સ્થિર થઇ ગયું હતું. તેની સમક્ષ કોઈ બીજું નહી પરંતુ વર્ષો પહેલા તેને અસંખ્ય સવાલોની કેદમાં પૂરી જનારો સાહિલ ઉભો હતો. સાહિલ કાવ્યાની સમીપ આવ્યો અને ત્યાં છવાયેલા મૌન ને તોડતા બોલ્યો, “હું સાહિલ, નાનક્પુરની પાસે આવેલા સમુદ્ર નજીક મારી એક ‘આર્ટ સ્કુલ’ ખોલવા જઇ રહ્યો છું જેમાં હું કેટલાક પસંદગી પામેલા મારા દેશ-વિદેશના વિદ્યાર્થીઓને રેત-શિલ્પની કળા શીખવવા માંગું છું. મારી અને મારા બીજા છપ્પન વિદ્યાર્થીઓની આ પુસ્તકાલયના સભ્યપદ માટેની અરજી સ્વીકારીશ કાવ્યા?”

         કાવ્યાની આંખો ક્યાંક એને દગો આપી રહી હોય તેમ જાણી કાવ્યા વારંવાર તેના હૃદય પાસેથી વાસ્તવિકતાની ખાતરી માંગી રહી હતી. “હું એટલી પારકી તો નહી હતી ને સાહિલ કે જીવન નો આટલો મોટો ફેસલો લેતી વખતે તેં એક વાર પણ મારો વિચાર ના કર્યો?” વર્ષો થી સાહિલ સાથે મન ભરીને લડી લેવાની ઈચ્છા રાખતી કાવ્યા માંડ માંડ આટલા જ શબ્દો બોલી શકી.

         કાવ્યાના ચહેરા ઉપર ઘેરાયેલા અસંખ્ય સવાલોને સાહિલ સ્પષ્ટ રીતે વાંચી શકતો હતો. સાહિલે કાવ્યાના હાથમાં સભ્યપદનું ફોર્મ આપતા કહ્યું, ‘ હું જાણું છું કાવ્યા કે હું તારો ગુનેગાર છું પરંતુ મારા જેવા પાષાણમાં છુપાયેલા હિરાની પરખ તે જ તો કરી હતી. હું તો માત્ર એ જ પથ્થરને ઘસીને ઘાટ આપવા નીકળ્યો હતો અને આજે તું જેવો હીરો શોધતી હતી તેવો જ તારી સામે છું. તે મને મારી છુપાયેલી ઓળખાણ આપી છે, જેના માટે હું જીવનભર તારો આભારી રહીશ. આજે કાવ્યાના આનંદનો કોઈ પાર ન હતો. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે જીવનમાં સાહિલને ફરીવાર આ રીતે મળવાનું થશે ‘સાહિલ ક્યારેય નહિ આવે.’ તેવા સત્યને સામે ધરી કાવ્યા કેટલીય વાર તેના મનને મક્કમ કરી લેતી. પરંતુ આજે તેનું મન પણ તેનું ન રહ્યું. કાવ્યા સાહિલના ખભે માથું મૂકી ધ્રુસકે ધ્રુસકે રડી પડી.

         આજે સાચા અર્થ માં કાવ્યા ની મહેનત ખરી પુરવાર થઈ હતી અને પુસ્તકાલયનો એ છેલ્લો દિવસ સાહિલ અને કાવ્યાના જીવનની શરૂઆતનો પ્રથમ દિવસ બની ગયો. 


Rate this content
Log in

Similar gujarati story from Drama