Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Comedy Inspirational

0  

Zaverchand Meghani

Comedy Inspirational

ઘૂઘા ગોર

ઘૂઘા ગોર

10 mins
588


ખડકીનું બાર ભભડ્યું અને મારા મોંમાંથી ઉદગાર પડ્યોઃ "કમબખ્ત રવિવાર પણ પારકા બાપનો-"

કમાડ ઊઘડતાં જ દીદાર થયાઃ

હાથમાં ઘીનો અડધો ભરેલો લોટો, ખંભે સીધું ભરેલી લાંબી ઝોળી, કપાળે ત્રિપુંડ, ભમ્મરોને ભેળી કરતો ભસ્મનો ચાદલો, મોંમાં તમાકુવાળું પાન અને બેતાલીશ વર્ષે પણ હસતું મોઢું; છેલ્લાં પાંચ વર્ષો થતાં જે પહેરતા તે જ ફાટેલ પોશાકઃ એ જ ચેકનો થીગડેદાર કોટ, એ ખાદીનો ફેંટો, ને કફનાં બુતાનને સ્થાને રાતા દોરા બાંધેલ ખમીસઃ ફેરફાર ફક્ત થીગડાંની સંખ્યામાં થયો હતો.

આ તો ઘૂઘો ગોર ! મારો 'કમબખ્ત' શબ્દ એણે નક્કી સાંભળ્યો હશે. પછી તો "આવો ! ઓ-હો-હો-" વગેરે મારા વિવેકના નળની ચકલી મેં પૂરેપૂરી ઉઘાડી નાખી. પણ 'કમબખ્ત' શબ્દે પાડેલી અસર, વિક્ટોરિયા રાણીના બાવલા પર વર્ષો પૂર્વે કોઇએ લગાવેલ અસાધ્ય કાળા લેપ જેવી જ, ઘૂઘા ગોરના વદન પર રહી ગઇ.

સોગંદ પર કહું છું - 'હું બૅરિસ્ટર છું એટલે સોગંદનામાનો સંસ્કાર ઊંડો પડી ગયો છે - કે ઘૂઘા ગોરને જોઇને મને હર્ષ થયો. કોઇક બીજાને ઘેર કાળ જેવા થઇ પડનાર એ ગોરનું મારે ઘેર આગમન મને ગમતું. બીજે ઘેરે એ લેવા જતાઃ મારે ત્યાં એ આપવા આવતા. એ આપી જતા - અનુભવોનો ખજાનો.'

"કેમ, ઘૂઘા ગોર ! કહોઃ આટલે ઝાઝે દિવસે કાં ડોકાયા ?"

"આ લગનવાળો ફાટી નીકળ્યો છે ના, ભાઇ !" ઘૂઘા ગોરે કોઇ રોગચાળો ફાટી નીકળ્યો હોય, ને પોતે જાણે દાક્તર હોય, એવો હર્ષ પ્રકટ કર્યો."ને તેમાં પાછું આ વખતે તો, ભાઇ, બેવડે દોરે કામ છેઃ જ્યાં જ્યાં લગન, ત્યાં ત્યાં મરણ; એટલે સપ્તપદી ને સરાવણું બેઉ વાત ભેળી. બેઉ વાતે લાભ સવાયા છે. પાઘડી, ધોતિયાં, ગોદડાં,ગાદલાં ને શ્રીફળોનો પાર નથી રહ્યો."

"હાં, આ વર્ષે એવી તે શી અજાયબી બની છે, ઘૂઘા ગોર, કે લગન ને મરણ જોડાજોડ ?"

"હું તો મારી ઊંડી વિચારણામાંથી એમ માનું છું, ભાઇ," ઘૂઘા ગોરને પોતાની એક ફિલસૂફી હતીઃ "કે, કાં તો આજના નાસ્તિકો જેને માનતા નથી તે 'વિવા ત્યાં વરસી ને લગનમાં વિઘન'ના પ્રાચીન સૂત્રની પ્રતીતિ કરાવવા યમદેવ આ કરી રહ્યો હોય; અથવા તો સુખેદુઃખે સમે કૃત્વા, લાભાલાભૌ જયાજયૌ" એ ગીતાપાઠ ભણાવવાનો કાળનો સંકેત હોય - અર્થાત્, "હે લોકો, લગનમાં હર્ષને વિષે કે મરણમાં શોકને વિષે ચિત્ત ન જવા દેવું' એવી આ કોઇ અંતરિક્ષની શિખામણ હોય."

ઘૂઘા ગોરની ફિલસૂફી ગરમાગરમ શીરા જેવી સરલતાથી ગળે ઊતરી જનારી છે. મને એમના મનનું સમત્વ દંભી નથી લાગ્યું; કેમકે મેં એમને પણ કદી લગન કે મરણમાં ભિન્ન લાગણીઓથી દ્રવતા દીઠ્યા નથી.

"વિવાડો પણ ભારી ઊપડ્યો છે, હો ભાઇ ! હજુ તો કૃષ્ણપક્ષમાં કેર થવાનો છે." ઘૂઘા ગોરે જાણે કોઇ ભીષણ આપત્તિ સામે મને ચેતવ્યો.

"આપણી લગ્નની પધ્ધતિમાં આટલે વર્ષે પલટો ને સુધારો તો ઘણો ઘણો થઇ ગયો હશેઃ નહિ, ઘૂઘા ગોર ?"

"હા, ભાઇ !" ઠાવકું મોઢું કરીને મને ઉત્તર આપ્યોઃ "બે-ત્રણ મોટા ફેરફારો તો હું અવશ્ય જોઇ શક્યો છું: એક તો, પાટિયાં બદલાણાં છે."

“પાટિયાં ?"

"હા, પૂર્વે જે પાટિયામાં 'ભલે પધાર્યા' અને 'વેલ-કમ' લખાતું, તેને બદલે હવે ત્યાં 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં' એ વાક્ય લખાય છે. એક હાથની મધરાશી, એક હાથનું પાટિયું, અને ચપટી સોનેરી રંગની ભૂકી - એ ત્રણ ભેગાં થાય છે એટલે માંડવે માંડવે 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં' એ શબ્દો શોભી ઊઠે છે."

"ઓહો !" મને આમાં સાહિત્યનો વિષય જણાયો. હું એક નિષ્ફળ બૅરિસ્ટર ખરો ને, એટલે સાહિત્યકારનું ટટ્ટુ પણ સાથોસાથ ચડવા તૈયાર રાખતો.

"હા, ભાઇ !" ઘૂઘા ગોરે ખાતરી આપીઃ "હમણાં જ એક ગામમાં પરણાવી આવ્યો. કન્યાદાનનો સંકલ્પ કરાવવા બેઠો તે જ વખતે કન્યાની માએ માગ્યું: 'મારું શું ?' કોઇ વાતે એનું 'મારું શું' ચૂપ ન થયું. વરના પિતાએ આવીને 'હેં-હેં-હેં' દાંત કાઢતે કાઢતે સો-સો રૂપિયાની પાંચ નોટો વેવાણના હાથમાં સેરવી, ને એ પાંચેયને કાપડાની ગજવીમાં પધરાવીને પછી વેવાણે કન્યાદાન દીધું. પાછળથી હું જ્યારે વરના બાપને મળ્યો ત્યારે એણે ફક્ત એટલું જ કહ્યું કે, 'ગોર ! આ અમારી પાંચ ભાઇયુંની કમાણી એક છોકરો પરણાવવામાં સાફ થઇ ગઇ છે'. લ્યો, ભાઇઃ ઇ માંડવે પણ મેં 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં'નું પાટિયું વાંચ્યું હતું."

"બીજો ફેરફાર?" મેં પૂછ્યું.

"બીજું, વરરાજાનો પોષાક હવે મહાન પરિવર્તન પામ્યો છે. સુરવાળ, અચકન અને માથે ધોળી ટોપી - નખશિખ ખાદીના પોષાકની લખનવી ટેડાઇ હવે આવી છે. તેમ વરરાજાઓનાં શરીરોએ પણ મહાન પલટો લીધો છેઃ મુખ ઉપર વ્યસનોને રમતાં જોઇ શકાય."

"બસ, બીજો કોઇ ફેરફાર નહિ ?"

"ના, આર્યત્વના અસલી પાયા મોજૂદ છેઃ ઉપર નકસીકામ જ બદલતું રહ્યું છે. ને જ્યારે જ્યારે મેં મોંને એક ખૂણે સળગતી બીડી રાખીને મારી 'સપ્તપદી'ની ચર્ચા ઉપાડતા, વાતો પૂછતા વરરાજા જોયા છે, ત્યારે મને એવી કલ્પના થઇ છે કે કેમ જાણે તેઓ જવતલ-હોમના અગ્નિને પોતાના મુખમાં જ ફેરવી રહ્યા હોય !"

ઘૂઘા ગોરની કહેણી એકધારી અને અણઉતાવળી હતી. એનો અવાજ ઊંચો-નીચો કે તીવ્ર-કોમળ ન બનતો. એ અવાજ પણ અપરિવર્નશીલ રહેતો. એ અવાજ સાંભળું છું ત્યારે મને તબલાની જોડી પૈકીના એકલા નરઘાનો તાલબંધ ઘોષ યાદ આવે છે.

"પણ તમને આ 'પરણવું એટલે પ્રભુતામાં પગલાં માંડવાં'વાળી વાત કેવી લાગે છે ?" મેં ઘૂઘા ગોરને પૂછ્યું.

"એથી વધુ સારી વાત તો મને આજ હાથ લાગી છે, ભાઇ !" એમ કહીને એણે આંખોને વિશેષ પ્રદીપ્ત કરી."એક શેઠિયાને ઘેરે લગ્ન હતાં. પરણાવવા હું ગયો'તો. વર-કન્યાને માયરે આવતાં બહુ વાર લાગી, એટલે મેં એ ઘરના ભરવાડ નોકરને પૂછ્યું કે, 'કાં, ભાઇ, હવે કેટલીક વાર છે ?' એણે મને જવાબ આપ્યો કે 'હવે ઝાઝી વાર નથી, ભાઇ; બેય સરાડ્યાં છે'.

'સરાડ્યાં છે ?' ધંધો વકીલાતનો છતાં મેં કદી ન સાંભળેલો એ પ્રયોગ હતો.

ઘૂઘા ગોરે કહ્યું: "એક ઢોર જ્યારે હરાયું હોય, ધણમાં સરખું જતું-આવતું ન હોય, ત્યારે માલધારીઓ એ રેઢિયાળ ઢોરને બીજા કહ્યાગરા ઢોરની સાથે બાંધીને સીમમાં મોકલે છે: એને 'સરાડ્યા' કહેવાય. હવે તમે જ વિચારો, ભાઇઃ આ જે છેડાછેડી બંધાય છે, એને 'પ્રભુતામાં પગલાં માંડવા'ની તમારા કવિએ આપેલી ઉપમા બંધબેસતી છે ? કે ભરવાડોએ આપેલી 'સરાડવા'ની ઉપમા વધુ ચોટદાર છે !"

ખરેખર, ઘૂઘા ગોરની આ ઉપમા પાસે મને ન્હાનાલાલ કવિની ઉપમા કુચ્ચા લાગી. લગ્ન એટલે બે માનવ-પશુઓનું સરાડવું: હરાયા માનવીને પાળેલા માનવી જોડે જોરાવરીથી સાથી બનાવવું. બેમાંથી જે બળૂંકું હોય તેનું જોર તોડી નાખવાની એક પ્રયુક્તિ તે આ લગ્ન.

"પણ", મને સમસ્યા થઇ, કેમકે હું નારી-સન્માનની - 'શિવલ્રી'ની - બાબતમાં જરા ઉધ્ધત વિચારો ધરાવું છું. "હેં ઘૂઘા ગોર,બેમાંથી ઝાઝાં હરાયાં કોણ જોયાં છે તમે ? - પુરુષ કે સ્ત્રી ?"

"નવા જમાનામાં તો સ્ત્રી જ ને, ભાઇ !" ઘૂઘા ગોરે મારા મતમાં અનુમતિ આપી. અને અનુમતિ એટલે તો મીઠામાં મીઠી ખુશામદ. એટલે તરત જ મેં મારી બૈરીને કહ્યું: "પાંચ શેર ઘઉં લાવો."

"ન લાવતાં, હો બેન !" એટલું કહેતાં જ ઘૂઘા ગોરનું મોં છોભીલું પડ્યું. મને નવાઇ લાગી. મેં પૂછ્યું: "કેમ ?"

"અહીં એકાદ ઠેકાણું તો શુધ્ધ વિશ્રામનું રહેવા દ્યો, ભાઇસા'બ !"

"કેમ ?"

"તમે સમજ્યા નહિ, ભાઇ !" એણે વાત બદલાવીઃ "ભીલ જેને લૂંટે તેને પે'લાં તો લોહીલોહાણ કરે જ કરેઃ અણહક્કનો માલ ન લ્યે. તેમ હું ગોરપદું લઉં છું ત્યાં ત્યાં છેતરીને લઉં છું: અણહક્કનું નથી લેતો, ભાઇ. હમણાં જ ગામમાં જઇશ. એક રાંડીરાંડ રેંટિયો કાંતીને ઉદર ભરે છે. મરતી સાસુને એણે અગિયારશનું પુણ્ય બંધાવ્યું છે. મને બોલાવ્યો'તો; પૂછ્યું'તું: 'હેં ભઇલા ! આવ ને, બાપ; એક વાત પૂછું. આ અગિયારશનું પૂણ્ય આપવા જો હું પરભાસ જાઉં, તો તો પચાસ રૂપિયા પડેઃ ક્યાંથી કાઢું ? તું કંઇ ઓછે નહિ કરી દે, હેં ભઇલા ?' સાંભળીને ધડીવાર તો મારું હૃદય ઊકળી આવ્યું. ઉજળિયાત વર્ગની રાંડીરાડની ગરીબી લોહી ઉકાળે એવી વાત છે. મન થયું કે કહી દઉં: 'બેન ! આ ધતિંગ શીદ કરે છે ?' પણ બીજો જ વિચાર આવ્યોઃ કોઇ બીજો ગોર જાણશે ને, તો આને આડું અવળું ભંભેરીને પોતે વધુ કિંમત લઇ સંકલ્પ કરાવશેઃ તે કરતાં હું જ ઓછામાં ઓછા ભાવે સંકલ્પ ન કરાવી લઉં ! આ એટલા માટે જાઉં છું. રૂપિયા બે-ત્રણ પડાવી આવીશ. સરગની નીસરણી ને સાખિયો મારે ઘેરથી લઇ જઇશ. એવાં ઊંઠાં સાંજ પડ્યે એકાદ-બેને શું હું નહિ ભણાવી શકું ? બાર મહિને મારા ઘર જોગા દાણા ન ઊભા કરી શકું ?"

"હજુય શું લોકશ્રધ્ધા એવીને એવી જ રહી છે, ઘૂઘા ગોર ? મને તો લાગેલું કે સામાજિક ક્રાંતિ થઇ ચૂકી છેઃ કેમ કે હું આંહીંની ક્રાંતિ વિષે વિલાયત બેઠે બેઠે મોટા લેખો વાંચતો."

"શ્રધ્ધા તો બેવડી બની છે. દા'ડે - દા'ડે જોર પકડતી જાય છે. બેશક, એમાં થોડી 'સાઇકોલોજી' આવડવી જોઇએ."

"સાઇકોલોજી !" ઘૂઘા ગોરના મોમાંથી આ શબ્દ સાંભળી હું વિસ્મય પામ્યો.

"હા,ભાઇ." ઘૂઘા ગોરે મને પૂર્ણ ગંભીરતા ધરીને કહ્યું: "પ્રત્યેક ધંધામાં - શું તમારા વકીલાતના કામમાં કે શું અમારા ગોરપદાના કામમાં - સાઇકોલોજીનું થોડુંક જ્ઞાન પણ બહુ કામ આપે છે. દાખલો આપું: હું ગામડે જાઉં છું. ટીપણું લઇ જાઉં છું; બીજી બધી જાદુગરી કરું છું. પણ હું ફાવું છું. જ્યારે ભનો પંડ્યો, પોતળો દવે કે શામો તરવાડી નથી ફાવતા; કેમકે સાઇકોલોજીનું તેમને ભાન નહિ."

એટલું કહી, તમાકુની ચપટી હોઠ પાછળ ચડાવી ઘૂઘા ગોરે મને સમજ પાડીઃ

"બાઇઓ મારી પાસે જાતજાતની વાતો જોવરાવવા આવે: 'ગોર, જૂઓ તો ખરાઃ મને મહિના કેમ ચડતા નથી ?... મને આભડછેટ કેમ વખતસર આવતી નથી?... મને સોણામાં સરપ કેમ આવે છે ?' વગેરે વગેરે. આ બધા પ્રશ્નોના જવાબ ટીપણામાં કોણ મારો દાદો નોંધી ગયો છે ! એ તો સાઇકોલોજીથી કામ લેવું જોવે. એક સાઇકોલોજી, ને બીજી 'કોમનસેન્સ'.

એ શબ્દે મને ફરીવાર ચોંકાવ્યો. હું કાંઇ પૂછું એ પૂર્વે જ ઘૂઘા મહારાજે સમજ પાડીઃ

"કોમનસેન્સ તો રોંચા ભરવાડોની કેટલી બધી તીવ્ર ! ભરવાડોનાં લગન હંમેશાં સામટાં થાય; સામટાં એટલે એક જ માંડવે અને એક જ વિધિએ; પચાસ-સો વર-કન્યાઓ. એમાં એક વાર ગોરે તમામ વરઘોડિયાંને ચાર આંટા ફેરવી લીધા ત્યાં એક ભરવાડે આવીને ગોરનું ધ્યાન ખેંચ્યું: 'એલા એ હેઇ ગોર !' કે, 'શું છે, ભાઇ ?' કે, 'આમ તો જો: આ મારી છોકરીની છેડાછેડી કેની હારે બાંધી છે ? માળા, આ તો તેં કેની હારે ફેરા ફેરવી નાખ્યા ? 'કે, 'કા ?' 'અરે, કાં-કાં શું કરછ ? આ તો મારી કન્યાને કો'કના વર હારે ફેરા ફેરવી નાખ્યા !' ગોરની મત મૂંઝાઇ ગઇઃ હવે શું થાય ? ભરવાડે કહ્યું: 'હવે એમાં મૂંઝાઇને કાં મરી રિયો ? ઉબેળ દે ઉબેળ ! ચાર આંટા આમ ફેરવ્યા છે ને, તે હવે ચાર આંટા પાછા ફેરવીને ઉબેળી નાખ્ય, એટલે હાઉં - છૂટકો થઇ જાય'.

"રાંઢવાં અને રસીઓના, નાડીઓનાં અને નોતરાં-નોજણાંના વળ ચડાવવાની ને વળ ઉતારવાની જે સાદી સમજ, જે કોમનસેન્સ, તેને આમ ભરવાડે સંસારનો કોયડો ઉકેલવામાં પણ કામે લગાડી, ભાઇ ! એને ધરમ અને શાસ્ત્રો આડાં આવ્યાં ક્યાંય ! એના લગન-સંસાર આપણાં બામણ-વાણિયાંથી વધુ મજબૂત ચાલે છે, કેમકે એ ઉબેળ દેવાનું જાણે છે. આ કોમનસેન્સ અમારે શીખવી જોઇએ."

ઘૂઘા ગોરમાં મને વધુ ને વધુ રસ પડ્યો. મને થયું કે વિધાતાની ભૂલ થઇ હતી. મારે બદલે ઘૂઘા ગોરને જ જો બૅરિસ્ટર થઇ આવવાનાં સાધનો મળ્યાં હોત, તો એ મારી માફક સસરાનો ઓશિયાળો ને સ્ત્રીનો દબાયેલો ન રહ્યો હોત.

"લ્યો ત્યારે, ભાઇ, રજા લઉં છું ! હજુ એક ઠેકાણે એક વિધવાના કેશ-વપનની ક્રિયા બાકી છે. બહુ વખત લીધો ભાઇનો."

એમ કહેતા ઘૂઘા ગોર ઊઠ્યા. 'કોઇ એક વિધવાના કેશ-વપનની ક્રિયા' એ શબ્દો પણ ઘૂઘા ગોર લાગણીની એકેય ધ્રુજારી વિના બોલી ગયા. મારા કુતૂહલના દીવામાં એ શબ્દોએ નવું દિવેલ રેડ્યું.

"એ વાત કોઇ બીજે વખતે કહીશ, હો ભાઇ !" ઘૂઘા ગોરે મારી ઉત્સુકતા વાંચી લીધી.

એમને વળાવવા બહાર નીકળતાં નીકળતાં મેં એને પૂછ્યું: "ઘૂઘાભાઇ, એક પ્રશ્ન - વાંધો ન હોય તો."

"એક નહિ, બે."

"તમને કેટલાં વર્ષ થયાં ?"

"બેતાળીશ."

"લગ્ન કર્યાં જ નથી ?"

"ના."

"કેમ ?"

"સાત-સાત..." એટલું કહીને એણે પોતાના મસ્તક પર અસ્તરા પેઠે આંગળી ફેરવી.

"શું સાત ?"

"સાત રાંડીરાંડો મારા ઘરમાં છેઃ એક બાર વર્ષની, બે સોળ-સોળની, એક પચીસની... એનાં બાળકો, વૃદ્ધ પિતા.. બાવીશ વર્ષે તો મારે એ સૌનો દાદો બની જવું પડ્યું. સાત રાંડીરાંડોની વચ્ચે જુવાન કન્યાને પરણીને હું ક્યાં પગ મૂકું ? ક્યાં સમાઉં ? કયું સુખ ભોગવું ? અને, ભાઇને કહું કે, મજા છે. આખા દીનો થાક્યો લોથ થઇ ગોદડાં માથે પડું છું. સ્વપ્નાં વનાની નીંદર આવે છે. જુવાનીનાં પચીશ તો નીકળી ગયાં, ને હવે સાતેક વરસ બેઠો રહું તો રાંડીરાંડ બેનોનાં ને ભાઇઓનાં ને ફઇઓનાં છોકરાં ચણ્ય ચણતાં થઇ જાય. કાઢ્યાં એટલાં ક્યાં કાઢવાનાં છે ! લ્યો બેસો, ભાઇ !" કહેતા ઘૂઘા ગોર ચાલી નીકળ્યા.

મેં મારી મેડી પરથી જોયું: ઘૂઘા ગોરની ગતિ ગંભીર હતી. એની દૃષ્ટિ ધરતી તરફ ઢળેલી હતી. એની પડખે જ લગ્ન-ગીતો લલકારતી સ્ત્રીઓ નીકળી હતી.

ઘૂઘા ગોરનું મોં ઊંચું પણ ન થયું.

થોડા દિવસ પછી મેં ઘૂઘા ગોરને રેલવે-સ્ટેશને જૂદા રૂપે જોયાઃ માથે સફેદ ફાળિયું, મૂછો બોડેલી; છતાં એવો ને એવો ચમકતો, સમત્વભર્યો ચહેરો. પૂછ્યું: "કેમ ? કઇ તરફ ?"

"કાંઇ નહિ,ભાઇ ! સારું છે. એ તો મારી એક જુવાન ભાણેજનો વર એકાએક દેશાવરમાં ગુજરી ગયો છે, અને બાઇ એકલી, કશી જ આજીવિકા વગરની થઇ પડેલી પાછી આવી છે. સીમમાં ખેતર નથી ને ગામમાં ઘર નથી; તે જાઉં છું હવે તેડી લાવવા."

"આંહી જ રાખશો ?"

"હા જ તો, ભાઇ !"

"ત્યારે તો તમારો બોજો વધ્યો !"

"એનું કશું નહિ, ભાઇ ! કહીશ કે, "બાઇ, તું મને કંઇ ભારે નથી પડવાની. હું વળી વર્ષે બે-પાંચ સરાવણાં વઘુ કરાવીશ. તારા જોગા દાણા ને તારું અંગ ઢાંકવાનાં બે ધોતિયાં મને શું મને શું નહિ મળી રહે ? અરે, જજમાનોને મારીઝૂડીને મેળવીશ."

એટલું જ કહીને એ મારાથી જૂદા પડ્યા ત્યારે મારી દૃષ્ટિ સ્ટેશન સામેની એક આલેશાન ઇમારત પર હતી. એ મકાન 'વનિતાધામ'નું હતું. વિધવાઓને શરણ આપનારા એ ધામમાં હમણાં જ એક મોટું ધાંધલ મચી ગયેલું. એના સ્થાપક એક મોટા સંત સુધારક હતા. તેનું કુટુંબ, ભાઇ-ભત્રીજા, સાળાઓ અને બનેવીઓ ત્યાં પોતાનો ગરાસહક્ક ગણીને રહેતાં હતાં. પ્રત્યેક વિધવા અને ત્યક્તાને પોતાની આશ્રિત ગુલામડી સમજતાં હતાં, દૂધમાં પાણી ભેળવી પીરસતાં વગેરે વગેરે ફરિયાદો ઘણા મહિના પછી માંડ માંડ દુનિયામાં પહોંચી શકી હતી - અને વર્તમાનપત્રોએ 'સનસનાટી' મચાવી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Comedy