વફાદારી
વફાદારી
એક નાનકડું ગામ હતું. એ ગામની બજારમાં ચંપાબેનની ચંપલ, સંજયભાઇની સેન્ડવીચ, વેલજીભાઇના વડાપાઉં, ભૂરાભાઇના ભજીયા, દામજીભાઇની દાબેલી, દક્ષાબેનના દહીંવડા, પંકજભાઇની પાઉંભાજી, ઠાકરસિંહના ઠંડાપીણા, ચંદુભાઇની ચાદર, સોમ્યભાઇની સોનાની અને ટપુની ટીશર્ટની દુકાન હતી. પણ, આ ગામમાં ચોરોની પણ દુકાન હતી. ચોરો આ દુકાનમાં પ્લાન બનાવતા. મનોજ મવાલી ચોરી કરવામાં ઉસ્તાદ હતો. બધા ચોર તેના હાથ નીચે કામ કરતા. પોલીસે તેમને ઘણીવાર પકડવાની કોશિશ કરી હતી, પણ તે પોલીસની ઝપટમાં આવતા જ ન હતા. ચોરો ઉનાળા અને ચોમાસામાં ઓછી ચોરી કરતા. પણ, શિયાળાનો તે બરાબર લાભ ઉઠાવતા હતા. બજારમાં ચોરોનો બહુ ત્રાસ હતો. ચોરો દુકાનોની વસ્તુઓ ચોરી જતા હતા. આથી દુકાનદારો ચોરોથી કંટાળી ગયા હતા. તેઓ વિચારતા હતા કે આમનો કોઇ ઉપાય શોધવો જોઇએ. પણ, એમને કોઇ રસ્તો જડતો ન હતો. સૌમ્યએ પોતાની દુકાનમાં ત્રણ તિજોરી રાખી હતી. એકમાં બીજી અને તેમાં ત્રીજી. દરવાજા પણ ત્રણ : કાચ, ગ્રીલ અને તેના ઉપર સટર. પણ, તોય ચોરીતો થઇ જ જતી.
એક દિવસ એક કૂતરો ફરતો ફરતો બજારમાં આવી ચઢ્યો. કૂતરો ઊંચો, કદાવર અને રંગે સફેદ હતો. નખ તેજ અને દાંત તીક્ષ્ણ હતા. તે રૂઆબથી આમ તેમ ફરતો રહેતો. એક વખતે તેને ખૂબ ભૂખ લાગી હતી. તે ફરતો ફરતો સંજયભાઇની સેન્ડવીચની દુકાને પહોંચ્યો. ત્યાં થોડા બ્રેડના ટુકડા પડ્યા હતા. તેણે સંજયભાઇને પૂછ્યું, “ભાઇ ભાઇ, હું આ બ્રેડના ટુકડા ખાઉં?” સંજયભાઇએ કહ્યું: “હા, ખા, આ બધું મારા કોઇ કામનું નથી.” કૂતરો ખૂબજ ખુશ થઇ ગયો. તેનું પેટ ભરતાં તે ગોળમટોળ થઇ ગયું. તેણે સંજયભાઇને કહ્યું, “હવે હું તમારા માટે શું કરું ?” સંજયભાઇએ કહ્યું, “એમા શું, તું રોજ મારી પાસે આવજે, હું તને ખાવાનું આપીશ; તેથી મને દૂર ફેંકવા નહિ જવું પડે, અને તે મને ગમશે.” કૂતરાએ કહ્યું, “ના, હું કંઇ મફતમાં નહીં ખાઉં, તમને મારાથી કામ ન કરાવવું હોય તો હું જાઉં છું. હવે હું તમારી દુકાને નહિં આવું.” સંજયભાઈને થયું આ કૂતરો એમ માને તેવો નથી. ત્યાંજ એના મગજમાં ઝબકાર થયો. એ બોલ્યો, “તું માનતોજ નથી તો, તારા લાયક એક કામ છે : અહિં મનોજ મવાલી નામનો એક ચોર છે. તે અને તેની ટોળી ખૂબ ચોરી કરે છે. તેનો બહુ ત્રાસ છે. મારી દુકાનમાં ધોળા દિવસે ગ્રાહકોના ફોનને પાકીટો ચોરીલે છે. તેથી તેઓ મારી દુકાને આવતા ઓછા થઇ ગયા છે. આ ચોરોને કારણે મારી આવક ઘટતી જાય છે. ગ્રાહકો ફરિયાદ પણ કરે છે અને તેમના સગા સંબંધીઓને પણ અહિં ન આવવાનું જણાવે છે. તેથી જો તું ચોકી કરીને ચોરોને દૂર રાખી શકે, તો તારો મોટો ઉપકાર થશે.” સંજયભાઈની વાત સાંભળીને કૂતરો બોલ્યો, “બસ, આટલીજ વાત છે ને ? આતો મારા ડાબા હાથનો ખેલ છે.” સંજયભાઈએ કૂતરાને ખાવાનું આપ્યું.
કૂતરો ખાવાનું ખાય અને તાજો માજો થાય. સંજયની દુકાને કૂતરાને ચોકી કરતો જોઇ ચોર રફુચક્કર થઇ જતા. સંજયની દુકાને ફરી ગ્રાહકોની ભીડ થવા લાગી. પણ બીજા બધાની દુકાને ચોરોની આવન જાવન ચાલુ રહી. ચોરોની ચિંતા મટી તેથી સંજયતો રાજી રાજી થઇ ગયો. હવે જ્યારે બધા દુકાનદારો ભેગા મળી ચોરોના ત્રાસની વાત કરતા, ત્યારે સંજય બધું સાંભળતો, પણ કશું બોલતો નહીં. તેથી બીજા દુકાનદારોને નવાઇ લાગતી કે શું સંજયની દુકાને બહુ ગ્રાહકો આવતા હશે ? ચોરોના ત્રાસથી ત્રાસેલો સંજય આજે કેમ કંઇ બોલતો નથી ? બધાએ તેનું કારણ જાણવાનું નક્કી કર્યું. છેવટે બધાને ખબર પડી કે એક કૂતરો સંજયની દુકાનની ચોકી કરે છે.
બીજા દિવસે કૂતરો ટપુની ટીશર્ટની દુકાન પાસેથી પસાર થયો, ત્યારે કોઇને ખબર ન પડે તેમ એક બાજુ બોલાવીને કહ્યું, “વાહ ! કૂતરાભાઇ, તમે શરીરતો બહુ ઘાટીલું બનાવ્યું છે ! આ સોહામણા શરીર પર સરસ ટીશર્ટ આવી જાય તો તમે ઓર શોભો ! જો આ રહ્યો ટીશર્ટ.” એમ કહી ટપુએ કૂતરાને ટીશર્ટ પહેરાવ્યું. કૂતરાને ટીશર્ટ ખૂબ ગમ્યું. એ ચાલતો થયો ત્યાં તો ટપુએ તેને અટકાવ્યો અને હસતાં હસતાં કહ્યું, “એમ નહી, મેં તને ટીશર્ટ આપ્યું તો બદલામાં તને પણ કંઇ આપવું તો પડે ને? તું સંજયની દુકાનની જેમ મારી દુકાનની પણ ચોકી કર અને મારી દુકાનનું રક્ષણ કર. તો હું તને આના જેવા બીજા ટીશર્ટ પણ આપીશ. કૂતરો હોશિયાર હતો. તે બધું સમજી ગયો. પહેલાંતો તેને ના પાડવાનું મન થયું, પણ તેને લાલ ટીશર્ટ ગમતું હતું. એને થયું મને શો ફરક પડે છે, એક દુકાનની ચોકી કરું કે આખી બજારની ! એણે ટપુની વાત સ્વીકારી અને ટીશર્ટ પહેરી ચાલતો થયો. ચોરોની ચિંતા દૂર થતાં હવે ટપુ પણ સંજયની જેમ શાંતિથી જીવવા લાગ્યો.
ધીરે ધીરે આખી બજારમાં આ વાત ફેલાઇ ગઇ. બધા દુકાનદારો બીજા ન જાણે તેમ કૂતરાને બોલાવતા હતા. ચંપાબેને શૂઝ, વેલજીભાઇએ પાઉં, દક્ષાબેને દહીં અને છાસ, દામજીભાઇએ દાબેલી, ઠાકરસિંહએ ઠંડાપીણા, ચંદુભાઇએ ચાદર આપી પણ સોમ્યભાઇનું શું ? તે થોડો કંઇ સોનાની ચેન આપવાનો હતો. તેણે કૂતરાને ખોટી ઘંટડી આપી, જે સોના જેવી લાગતી હતી. કૂતરાને થોડી ખબર પડવાની હતી કે તે સાચી છે કે ખોટી ! એ બધી ભેટના બદલામાં બધા દુકાનદારોએ કૂતરા પાસે ચોકી કરવાની શરત મૂકી, અને કૂતરાએ તેમની શરત મંજૂર પણ રાખી. હવે તો તે વટથી બધી દુકાનોમાં ફરવા લાગ્યો. બજારના બધા દુકાનદારો ચોરોનો ત્રાસ દૂર થતાં ચિંતા વગર રહેવા લાગ્યા.
આ રીતે કૂતરો જ્યારે એક પછી એક બજારની બધીજ દુકાનોની ચોકી કરવા લાગ્યો ત્યારે ચોરો મૂંઝાયા. તેમણે વિચાર્યું : આમજ થશે તો આપણે ભૂખે મરશું, ને પરિવારનું ગુજરાન કેમ ચાલશે ? બધા ચોરો કપાળે આંગળી મૂકીને વિચારાવા લાગ્યા. ત્યાં એક યુવાન ચોરને યુક્તિ સૂઝી. તેણે બધા ચોરોને નજીક બોલાવ્યા, કોઇ સાંભળી ન જાય તેમ ધીમેથી કહ્યું, “ એક સરસ રસ્તો છે, જુઓ, કૂતરો જ્યારે પહેલી દુકાને ચોકી કરતો હોય, ત્યારે આપણે છેલ્લી દુકાનમાં ઘૂસી જઇ ઝડપથી આપણું કામ પતાવી લેશું. આ રીતે તે જે દુકાનમાં ચોકી કરતો હોય, તેનાથી વધારેમાં વધારે દૂર આવેલી દુકાનમાં જવું. ફરક એટલો પડશે કે પહેલાં આપણે નિરાંતે બેસીને ચોરી કરતા હતા. અને હવે બહુ ઝડપથી કામ પતાવવું પડશે. અને હા, કૂતરો નજીક આવશે તો ઘંટડી પણ વાગવાની જ ને !
બધા ચોરોને આ યોજના યોગ્ય લાગી, અને અમલમાં પણ મૂકી. ફરી દુકાનોમાં ચોરી થવા લાગી. તેથી દુકાનદારો કૂતરા પર ગુસ્સે થયા. એક સંજયભાઇ સિવાય બધા દુકાનદારો કૂતરાને દબડાવવા લાગ્યા. કેટલાકે વસ્તુઓ છીનવી લીધી તો સંજયભાઇ સિવાયના બધાએ ખાવાનું આપવાનું પણ બંધ કર્યું.
કૂતરો સ્વાભિમાની તો હતોજ, એ આ બધા દુકાનદારોને ઓળખી પણ ગયો હતો. વળી એના બધા ખાવાના અને પહેરવાના શોખ પણ પૂરા થઇ ગયા હતા. એથી તે બોલ્યો, “તમે તો ચોરોના જ લાગના છો, જઇને ચોરોની પૂજા કરો !”
કૂતરો સંજયભાઇ પાસે ગયો. બધા દુકાનદારોની વાત કરી અને તેમના ખરાબ વર્તન વિશે પણ કહ્યું. સંજયભાઇએ કહ્યું, “તું ચિંતા ન કર હું તને બધી વસ્તુ લઇ આપીશ.” કૂતરો કહે, “ના રે ના ! મને કાંઇ નથી ખાવું. હવે હું માણસ જાતને ઓળખી ગયો છું. તે ખૂબ સ્વાર્થી છે. હું તો આ શહેર છોડીને જ જતો રહીશ.” આ સાંભળી સંજય ઉદાસ થઇ ગયો. એણે કહ્યું, “તું મને છોડીને ચાલ્યો જઇશ ?” સંજયની વાત સાંભળીને કૂતરો ગળગળો થઇ ગયો અને કહે, “હું બધાને છોડી શકું પણ તને કેમ છોડી શકું? તે તો મને કેટલા પ્રેમથી રાખ્યો છે. હું અહીં તારી પાસે જ રહીશ અને તારી જ દુકાનની ચોકી કરીશ.” સંજય અને કૂતરો એક બીજાને જોઇ રહ્યા. સંજયે કૂતરા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કૂતરો પૂંછડી પટપટાવવા લાગ્યો.
