વિશ્વ ચકલી દિન
વિશ્વ ચકલી દિન
પ્રિય ચકી બેન ,
ક્યાં છો તમે ? મજામાં તો છો ને તમે…? કેમ છો કહી સંબોધવા હવે તમે આંગણે દેખાતા નથીને એટલે આ પત્ર લખી રહ્યો છું.
આજે અમે બધા વિશ્વ ઘર ચકલી દિવસ ઉજવી રહ્યાછીએ. જોને આંગણે મૂકી છે ચારની ચાસ ‘ને પાણીની પાટ..એક સમય હતો તારી ચિચિયારીથી અમે ત્રાંસી જતા હતા. ઉનાળાની બપોરે કેવળ તારી ચિચિયારી ઓ ગુંજતી હતી. ક્યાં ગઈ એચીચ્યારીઓ ? ક્યાં ગયો એ ગુંજારવ ?
હવે તો મોબાઈલની રીંગટોનમાં તારી ચિચિયારી મુકી તને યાદ કરવાની મથામણ કરવી પડે છે. આજે સવારે એક અખબારી અહેવાલમાં વાંચ્યું કે અવાજના પ્રદુષણ, માળો મુકવાના ઘાસની અછતે તમે વગડાની વાત પકડી લીધી છે. વળી મોબાઈલના ટાવરના રેડીયેસનથી ત્રસ્ત બની તમે લગભગ અલિપ્ત બની ખોવાઈ ગયા છો.
તમારી સ્વભાવની પ્રકુતિથી હું વાકેફ છું. સ્વભાવની અમારી વિસંગતા એ અમને સ્વાર્થી બનાવી દીધાછે. અને તમે અમારાથી દુર થઇ ગયા છો એનો વસવસો હવે ખટકી રહ્યો છે અમને. એક સમય હતો સુરજના પ્રથમ કિરણ સાથે તમારો“ચીં…ચીં …કેકારવ અમારા કાને અથડાતો અને સુપ્રભાતના ઓરતા અમે માણતાં. હવે એલાર્મનાકુત્રિમ ઘોંઘાટથી ઝબકી જાગવાની ટેવ પડી ગઈ છે.
મમ્મી પણ તારાથી ખુબ નારાજ છે. એક સમયે છતના બખોલામાં કે પંખાની ખીંટી એ તું માળા બાંધતીઅને “જા
મરને “કહીને સાવરણીથી તોડી નાખતી હતી. તે મમ્મી પણ આજે કચરો વાળતી વેળાએ સહજ ભાવે બોલી ઉઠે છે “ક્યાં મરી ગઈ હવે ?"
આ પત્ર લખવા બેસું છું ત્યારે તારી સાથે વિતાવેલી ભૂતકાળની પળો યાદ આવે છે. તું ઉડાઉડ કરતી હતી અને છત ઉપર ફરતા પંખે તારી પાંખ આવી હતી. તું મારા હાથમાં તરફડીયા મારતી પડી હતી. તારી સુસુશ્રા સમયે તારી આંખોમાં મેં વિશ્વભરની સંવેદના અનુભવી હતી. એ સંવેદનાના સમ. પાછી આવતી રહે. તારા માટે પાડોશીને ત્યાં પણ માટીના માળા મુકવી દીધા છે. બસ હવે તું આવી જા. આવ અને શોભાવ મારા આંગણાને પુનઃ.
તું નારાજ હશે. અમને ખબર છે. ચલ થોડું રિસાયલે અમે મનાવીએ છીએ. બસ હવે તો મનામણા કરી લે. અમે જેટલી આંધળી દોટ મૂકી ભાગ્યા છીએ ને કે તને પાછળ છોડી દીધી તેનો એહસાસ રહીરહીને થયો છે.
સાચું કહું મારી પાંચ વર્ષની છોકરી ને જયારે “ચકી લાવી ચોખાનો દાણો, ’ને ચકો લાવ્યો તુવેર નો દાણો” એ પંક્તિ સંભળાવું ત્યારે તે પૂછે છે 'પપ્પા આ ચકીને ચકો કોણ ? તેઓ ભગવાનને ત્યાં ગયા છે ?' એ પ્રશ્નોની વણઝાર પૂછે છે, ત્યારે હું નિરુત્તર થઈ જાવ છું. ફોર ગોડ સેક તું પાછી આવી જા … આજે તારા દિવસે બસ તું આવી જા...
લી.
તારી લુપ્તતાનો સાચો ગુન્હેગાર
હું એટલે કાળા માથાનો માનવી