વિકલ્પ
વિકલ્પ
ગં.સ્વ. જાનકી અમુલખરાય પંડિત મહાવિદ્યાલય રતનપુરનાં પ્રાંગણમાં મા જાનકીની પ્રતિમાની અનાવરણ વિધિ થવાની છે. ત્યારબાદ આ મહાવિદ્યાલય રતનપુર ગામને, સમાજને તેમજ સમગ્ર રાષ્ટ્રને સમર્પિત થવા જઈ રહી છે. પ્રતિમાની સુરેખ કરચલીઓ ચહેરા પરની કડપ અને મૃદુતાનો અલપઝલપ પરિચય કરાવે છે. તેજસ્વી આંખોમાં સમાયેલું સ્વપ્ન જાણે સંઘર્ષની યશગાથા કહેવા જઈ રહ્યું છે.
સભામંડપમાં પત્રકારો, ખાસ આમંત્રિતો તેમજ ઉચ્ચ અધિકારીઓ પોતાના સ્થાન પર ગોઠવાઈ ગયા છે. શિક્ષણ પ્રધાન તથા કહેવાતા સમાજના આગેવાનો, મહાનુભાવોનું સ્વાગત થઈ ચૂક્યું છે. મંડપમાં એક ઉત્સવની લહેર છે. આનંદની અભિવ્યક્તિ પળેપળ કોઈને કોઈ સ્વરૂપે થતી રહે છે. પ્રાસંગિક પ્રવચનોમાં ભરપૂર પ્રશંસા અને આદર પામતો આ ડો. પીનાક અમુલખરાય પંડિત ધીરગંભીર અને અશાંત ઉછાળા મારતી મનોવ્યથાને મહાપ્રયત્ને શાંત અને સ્થિર રાખવા પ્રયત્નશીલ છે.
ડો. પીનાકનું નામ ઉદ્ઘોષિત થાય છે અને તેઓ પ્રતિમાને પુષ્પાંજલિ આપવા માટે ગુલાબનાં ફૂલોનો ગુચ્છ હાથમાં લે છે અને પ્રતિમાને સમર્પિત કરતાં આંખોમાં સજળ સંવેદના સાથે પ્રતિમાને જ પૂછી બેસે છેઃ “મા, શું અન્ય કોઈ જ વિકલ્પ નહોતો?”
***
“પીનુ…. એ પીનુડા… તારે શાળાએ નથી જવું? નવ વાગી ગયા છે અને તારૂં બધુંજ કામ બાકી છે... ચાલ ઝડપ કર..” પરાણે આજ્ઞાધીન થતા પિનુડાને શાળાએ જવાનો જરાયે અભરખો થતો ન હતો. ક્યારેય ગૃહકાર્ય પૂરૂં હોય જ નહીં. શાળામાંથી તેના તોફાન અને ગેરશિશ્તની ફરિયાદોથી જાનકી મા પરેશાન અને કંટાળી ગઈ હતી.
“પીનુ, જો તું ભણીશ નહિ તો તારે મજૂરી કરવાનો વારો આવશે… ઠેલાગાડી ચલાવજે... અને ભીખની જેમ મળતી મજૂરી કરીને જીવજે અને તારા બાપનું નામ રોશન કરજે... તારા બાપની વિદ્વતાનો એક અંશ પણ ન દીપાવજે. તેની મહેચ્છાઓ પર તું નિરાંતે પાણી ફેરવજે... અને તારા જીવતરનો ભાર વેંઢારજે.”
પત્થર પર પાણી દડી જાયે તેમ માતાનો આક્રોશ પણ કશી જ અસર વિના તેના પરથી દડી જાય. પીનુએ તો જાણે પોતાની રખડપટીની વિદ્વતા પ્રાપ્ત કરવાની હોય તેમજ વર્તતો હતો.
જાનકીનું મન કકળી ઉઠતું. કરવું શું આ નપાવટનું? ન કોઈની શિખામણ કાને ધરે. ન કોઇની સલાહ સાંભળે. ન કોઇનું માન રાખવાની વૃત્તિ ધરાવે. બસ, ખાવું, પીવું, રખડવું અને રઝળપટ્ટીથી સમય વીતતો જાય. જાનકીએ તો પીનુડાને એકવાર ધમકાવતે ધમકાવતે કહી દીધું હતું કે જો હવે તું નિશાળે નહિ જાય અને ભણવામાં નિયમિત નહિ થાય તો સમાજમાં મારૂં મોં નહીં બતાડું અને બળી મરીશ. પછી તું મન ફાવે તેમ રહેજે.
પીનાક ઉર્ફે પીનુડો શબ્દબાણથી વેધાય શાનો? માની કકળતી આંતરડીની વેદનાથી એ તો સાવજ અજાણ રહી નફકરો થતો ગયો. એકાદ બે દિ’માં તો પાછો હતો ત્યાં નો ત્યાં.
જાનકીએ તેને વઢવાનું બંધ કર્યું. તેની સાથે વાતચીત પણ ઓછી થતી ગઈ. વાતો કરવાનો લગભગ રસ્તો જ બંધ થઈ ગયેલ લાગ્યો. માએ કરવું શું? કોઈ વાતે અસર જ નહી ને! માનસિક સંઘર્ષની હતાશા પરાકાષ્ઠાએ પહોંચી. ઉરની અહં વેદના ઉપડી. “તમે પીનાકની જરાયે ચિંતા ન કરશો. ઇશ્વર સૌ સારા વાના કરશે.” જાનકી અમુલખરાયને હૈયાધારણ આપતી. અમુલખરાયને એજ ધાસ્તિ હતી. કુળદીપકનાં લખણોથી વાકેફ હતા. માંને ગાંઠશે જ નહી. તેમની મીંચાતી આંખોએ જાનકીને મનની વાત કહીને રાજરોગથી પીડિત શરીર મહાકાલને આધીન થયું. સમય સાથે તાણાંવાણાં સાંધતા જાનકીએ પોતાનું સમગ્ર ધ્યાન પીનુડાની ઉછેરની પર કેન્દ્રિત કર્યુ. તેના વિકાસ સંસ્કાર અને અભ્યાસ પર વિશેશ ધ્યાન આપવા લાગી. પોતાના પ્રયત્નોની વ્યર્થતાની પીડા કેમેય સહન થાતી ન હતી. કોઇ જ ઉપાય જડતો ન હતો. મન મુંઝાતું હતું. ક્રોધ હતાશામાં ફેરવાતો હતો. અંતર મનના વમળોમાં જાનકી ખેંચાતી જતી હતી નિરાશા અને વેદનાનો ઘોર અંધકારમાં ગેરાઇ ગઇ હતી એક દિવસ જાનકી કાળથી ભ્રમિત થઇ ગઇ અને...
“એ પીનુડા...” પીનુ સખા ગોધુએ બૂમ પાડી. “તારી માએ પોતાનાં માથા પર કેરોસીન છાંટી દીધું છે. આગ પણ ચાંપી છે અને ચીસાચીસ થાય છે.” પીનુડો દોડ્યો. ચિત્તભ્રમ થઈ ગયો. એ દ્રશ્ય તેનાં માનસપટ પર છવાયેલું રહેતું.
***
ડો. પીનાક અમુલખરાય પંડિત, ગોલ્ડમેડાલિસ્ટ, સર્વોચ સ્નાતક પદવી ધારી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં આ નામ ગૌરવ સભર લેવાય. તેનાં ગૌરવ પ્રાપ્ત અત્યારનાં વર્ષો, તેને મળેલ શિષ્યવૃત્તિઓ, ચંદ્રકો, સંન્નમાનિત પ્રમાણપત્રો અને વ્યવસાયિક સિદ્ધિઓ સ્વરૂપે અખૂટ ધનવર્ષા. છતાંય, તેનાં મનનો ખૂણો ખાલી. અપ્રાપ્યને પ્રાપ્ત કરવાની તિવ્ર ઝંખના સાથે ઉદાસીથી ખિન્નતા ભરેલો એ મનનો ખૂણો.
એ ખાલી ખૂણો પર્યાપ્ત રીતે તૃપ્ત કરવાની દિશામાં પગલાં લીધાં. ગામનાં વિકાસનાં અનેક નાનાંમોટાં કાર્યો થયાં. અને સાથે એક મહાવિદ્યાલયની ખોટ પણ પૂર્ણ થતી હતી. આજે એ મહાવિદ્યાલય રતનપુર ગામને સમર્પિત થઈ રહી હતી.
વ્યથિત લાગણીઓનાં ઘૂઘવતા સમૂંદરમાં સ્થિર રહેવા પ્રયત્ન કરતા ડો. પીનાક મા જાનકીની પ્રતિમાં સમક્ષ ઊભા છે. હાથમાં પુષ્પગુચ્છ છે. આંખોમાંથી દડદડતા અશ્રુબિંદુઓ એ ખાલી ખૂણો ભરવા માટે પ્રયત્નશીલ હતા. એ અશ્રુબિંદુઓ જાનકી માને જાણે પ્રશ્ન કરતા હોય તેમઃ “મા ! શું અન્ય કોઈ જ વિકલ્પ નહોતો?”
