સત્યવાદી ચોર
સત્યવાદી ચોર
એક નાનકડું ગામ હતું. તે ગામમાં અનેક લોકો રહેતા હતાં. તે ગામમાં એક ચોર પણ રહેતો હતો. તે આજુ બાજુના ગામોમાં નાની ચોરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
એક દિવસની વાત છે. એકવાર આ ગામમાં એક સાધુ મહારાજ આવ્યા. તેમણે ગામમાં સત્સંગ કર્યો. અને દરેક માણસ પાસે કોઈને કોઈ વ્રત લેવડાવ્યું. આ ચોર પણ આ સંતનું પ્રવચન સાંભળવા રોજ જતો હતો. ચોર તો સંતનું પ્રવચન સંભાળી તેમનાથી પ્રભાવિત થઈ ગયો. સાધુ મહારાજની બધી વાતો સાંભળ્યા પછી તેને પોતાના ચોરી કરવાના કામ પર શરમ આવવા લાગી. પણ તે કરે શું ? ચોરી કર્યા વગર તો તેનું ગુજરાન કેવી રીતે ચાલે !
તેણે પોતાના મનની વાત સાધુને કહેવાનું નક્કી કર્યું. જયારે બધા જતાં રહ્યા પછી તે એકાંતમાં જઈને સાધુ મહારાજને મળ્યો. અને પોતાની મનની વાત કરી. સાધુ મહારાજે તેને સમજાવતા કહ્યું, કે તું ચોરી ન છોડી શકે તો કોઈ વાંધો નથી. પણ એક વ્રત લે કે હંમેશા સાચું જ બોલીશ. ક્યારેય પણ ખોટું બોલીશ નહિ. સાધુ મહારાજના કહેવાથી ચોરે સાચું બોલવાનું વ્રત તો લઇ લીધું . પણ હવે તે મુસીબતમાં મુકાઈ ગાયો. તેનું ચોરી કરવાનું કામ અઘરું થઈ ગયું. જો એ ચોરી કરતાં પકડાઈ જાય અને સાચું બોલ તો તેને સજા થાય.
આ બધું વિચાર્યા પછી ચોરે મનમાં એક વાત નક્કી કરી. તેને મનોમન એવો નિશ્ચય કર્યો કે તે હવે એક વાર રાજમહેલમાં જઈને મોતી ચોરી કરશે. પછી તેને આખી જિંદગી ચોરી કરવાની જરૂર પડશે નહિ. આમ વિચારી ચોર એક રાતે રાજાના મહેલમાં ચોરી કરવા માટે ગયો. તેને રાજાના રત્નોની ચોરી કરી. ચોરી કરીને તે મહેલમાંથી બહાર નીકળવા જતો હતો ત્યાંજ ગુપ્તવેશ ધારણ કરીને નગરચર્યા જોવા નીકળેલો રાજા તેને મળી ગાય
ો.
રાજા એ તેને પૂછ્યું અરે ભાઈ તું કોણ છે ? ચોરે કહ્યું, હું ચોર છું. રાજાને તો ખુબ નવાઈ લાગી. તેને ચોરને બીજા અને પ્રશ્નો પૂછ્યા. ચોરે બધાજ પ્રશ્નોના સાચે સાચા જવાબ આપ્યા. ચોરે રાજમહેલમાંથી ચોરેલા રત્નો પણ રાજાને બતાવી દીધા. રાજાએ તે ચોરને તેનું નામ અને સરનામું પૂછી લીધું. એ બધું નોંધી લીધું પછી ચોરને જવા દીધો.
બીજા દિવસે રાજાના ખજાનાના ખજાનચીઓને આ વાતની કહાબર પડી કે રાજમહેલના ખજાનામાં ચોરી થઈ છે. ચોરે દાબડીમાંથી ચાર રત્નોની ચોરી કરી હતી. દાબડીમાં કુલ છ રત્નો હતાં. એટલે બાકીના બે રત્નો ખજાનચીએ ચોરી લીધા અને રાજાને સમાચાર આપ્યા. કે છ રત્નોની ચોરી થઈ છે. પણ રાજાને તો સાચી વાતની ખબર જ હતી. ચોરે રાજાને તે ચાર રત્નો બતાવ્યા પણ હતાં.
રાજાએ પોતાના સૈનિકોને ચોરના નામ અને સરનામાં પર ચોરને પકડી લાવવા માટે મોકલ્યા. થોડીવારમાં સૈનિકો ચોરને લઈને હાજર થયા. રાજા એ ચોરને પૂછ્યું, ‘તે રાજમહેલના ખજાનામાંથી કેટલા રત્નોની ચોરી કરી છે. ચોરે કહ્યું, ચાર રત્નોની મહારાજ. રાજાએ બીજો સવાલ પૂછ્યો, પણ દાબડીમાં તો છ રત્નો હતાં. ત્યારે ચોરે કહ્યું મહારાજ મારા પરિવારના જીવનભરના ભરણ પોષણ માટે આ રત્નો પૂરતા હતાં. મારે વધારે રત્નોની જરૂર ન હતી.
ચોરની વાત પરથી રાજા આખી વાત સમજી ગયા. તેમને પોતાના સૈનિકો પાસે પોતાના ખજાનચીની જડતી લેવડાવી તપાસ કરવી તો બાકીના બે રત્નો ખજાનચી પાસેથી મળ્યા. રાજાએ ખજાનચીને કારાવાસની સજા કરી. અને પેલા ચોરની ઈમાનદારી અને સત્યપ્રિયતા જોઈ તેને રાજ્યનો નવો ખજાનચી બનાવ્યો. આમ કોઈ વ્રતનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાથી તેનું સારું ફળ ચોક્કસ મળે જ છે.