સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન
સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન
“પૂછું છું તમને, કે આજે સાંજે હું શું રાંધું?”
“આવા અઘરા સવાલો તારે મને પૂછવા નહીં.”
“સહેલા સવાલોના જવાબો પણ તમને ક્યાં સૂઝે છે?”
“તો પછી તારે મને પ્રશ્નો જ પૂછવા નહીં.”
“પ્રોફેસર સાહેબ, ક્લાસમાં વિધાર્થીઓ તમને પ્રશ્નો નથી પૂછતા કે?”
“પૂછે છે ને. પણ તે સર્વ પ્રશ્નો બુદ્ધિગમ્ય હોય છે.”
“એટલે? હું બુદ્ધિ વગરના – મૂર્ખતાપૂર્ણ પ્રશ્નો પૂછું છું?”
“એવું હોય તો પણ મારાથી તે કેમ કહેવાય?”
“હું જાણું છું, હું તમારા જેટલું ભણી નથી એટલે તમે મને ‘ટોણો’ મારો છો. મારે નથી રહેવું અહીં, હું પિયર જતી રહીશ.”
“પાંચ મિનિટ થોભ.”
“અરે, પણ તમે ક્યાં ચાલ્યા?”
“રિક્ષા બોલાવી લાવું ને, તારે પિયર જવું છે ને?”
“હવે તમે મને વધુ ચીઢવશો તો...તો...હું..”
“રિલેક્સ, માલુ. બોલ. તને ખુશ કરવા હું તારા બધા જ પ્રશ્નોના જવાબ આપવા તૈયાર છું.”
“તો કહો મને. આજે સાંજે હું શું રાંધુ?”
“કંઈ પણ રાંધ. તારા હાથનું તો ‘ઝેર’ પણ હું હસતાં-હસતાં ખાઈ જઈશ.”
“પણ મને ‘ઝેર’ રાંધતાં નથી આવડતું.”
“તું રસોઈ બનાવે છે તે કંઈ [ઝેર થી] કમ છે?”
“એટલે?”
“એટલે એમ કે કંઈ પણ રાંધી નાંખ.”
“દાળ-ઢોકળી બનાવું?”
“દાળ-ઢોકળી? એ કંઈ ખાવાની ચીજ છે કે?”
“ના. સુંઘવાની ચીજ છે. ખીચડી-કઢી બનાવું?”
“સપરમા દિવસે તે ખીચડી કોઈ ખાતું હશે?”
“તમે અપરમા દિવસે પણ ક્યાં ખીચડી ખાવ છો? આટલા સરસ ખીચડી-કઢી તમને કેમ ભાવતાં નથી તે જ મને તો સમજાતુ નથી.”
“એ તને બીજી કોઈવાર રેગ્યુલર ક્લાસમાં સમજાવીશ.”
“તો અત્યારે શું છે?”
“અત્યારે તો મારી ‘ટેસ્ટ’ ચાલી રહી છે. આગળ પૂછ.”
“દૂધી-ચણાની દાળનું શાક અને રોટલી બનાવું?”
“છી! એ તો માંદા માણસો ખાય.”
“તમે માંદા હો છો ત્યારે પણ એ નથી ખાતાં. રગડા-પેટિસ બનાવું?”
“પ્લીઝ માલુ, એવો જુલમ ના કરીશ. વટાણા મારા પેટમાં પેસીને લાતમલાત કરે છે.”
“સવારનું ટીંડોળાનું શાક પડ્યું છે. રોટલી ને કઢી-ભાત કરી નાંખું?”
<p>“ઓહ! એ ટીંડોળાનું શાક હતું? હું તો સમજ્યો કે પરવળ હશે.”
“હે ભગવાન! તમે પણ પેલા કવિ જેવા જ છો ને.”
“કયા કવિ જેવા?”
“એક કવિ બગીચામા ટહેલતાં ટહેલતાં એક વ્રુક્ષ પાસે અટકીને બોલ્યા, ‘હે આંબાના મનમોહક વૃક્ષ! તને પણ જો મારી જેમ વાચા હોત તો તું મને શું કહેત?’ આ ધન્ય ક્ષણે ત્યાંથી પસાર થઈ રહેલ એક વ્યક્તિએ કહ્યું, ‘તો એ વ્રુક્ષ એમ કહેત - માફ કરજો, મહાશય. હું આંબાનું નહી આસોપાલવનું વ્રુક્ષ છું.’”
“મને એ મહાન કવિ સાથે સરખવવા બદલ આભાર, સખી.”
“તો સખા! કહો હવે, આજે ભોજનમાં શું લેશો તમે?”
“તેં ગણાવી એટલીજ વાનગીઓ તને રાંધતાં આવડે છે?”
“મને તો હજાર વાનગીઓ આવડે છે. પણ તમને તો આ ભાવે અને તે ના ભાવે, આ પચે અને તે ના પચે, આ તો માંદા માણસો ખાય અને આ તો ભિખારીઓ ખાય, આ તો જોવાની ના ગમે અને આ તો પેટમા ઉછળે. હું તો થાકી તમારી આ રીતથી. તમારા અપચાનો કોઈ ઈલાજ કરાવો જનાબ.”
“ઈલાજ તો છે જ ને.”
“અચ્છા, શું ઈલાજ છે?”
“ઉપવાસ.”
“બોલ્યા ઉપવાસ. એક ટંક તો ભૂખ્યા રહેવાતું નથી. જરાક મોડું થાય તો જમવા માટે બૂમાબૂમ કરી મૂકો છો.”
“એ તો મને એવી ટેવ. તારે ધ્યાન પર ના લેવું.”
“અરે હું તો કંઈ પ્રોફેસર છું તે સામેવાળાની વાત ધ્યાન પર ના લઉં?”
“મારી સાથે રહીને તું પણ સ્માર્ટ બનતી જાય છે, માલુ.”
“તો પણ મને સમજાતું નથી કે સાંજે શું બનાવવું. એના કરતાં તો કોઈ ટિફિનવાળાને બાંધી દીધો હોય તે સારું. તે જે લાવે તે જમી લેવાનું.”
“મારા માટે તો હાલ પણ એવું જ છે ને?”
“જુવો, હવે હદ થાય છે. હવે તમે મને વધુ ચીઢવશો તો હું..”
“પિયર જતી રહીશ?”
“ના... હું રડી પડીશ.”
“પ્લીઝ, માલુ, હમણા તું રડતી નહીં. ટુવાલ ધોવા નાંખ્યો છે અને નેપકીન તને નાનો પડશે.”
“તો પછી જલદીથી કહી દો કે શું રાંધું?”
“વળી પાછો એ કઠીન સવાલ? એનો કોઈ ઉપાય નથી શું?”
“છે ને ઉપાય.”
“તો બોલ ને જલદીથી.”
“આપણે આજે બહાર જમવા જઈએ.”
“હંહ્હ. હવે સમજ્યો.”
“શું સમજ્યા?”
“સ્ત્રીઓનો સનાતન પ્રશ્ન અને એનો સ્ત્રીઓ દ્વારા જડતો સરળ ઉપાય.”