સંત અને સેનાપતિ
સંત અને સેનાપતિ
એક નગરનાં સેનાપતિ, સંતને ત્યાં મળવા માટે ગયા અને પૂછ્યું, “હેં સંત, મારા કુતૂહલ માટે આપને એક પ્રશ્ન કરું છું. શું આ ધરતી કે આકાશમાં સાચે જ નરક અને સ્વર્ગ જેવી કોઈ વ્યવસ્થા પણ છે ખરી?”
સંતે કહ્યું, “પહેલા આપનો પરિચય કરાવો; પછી જ હું આપના પ્રશ્નનું નિવારણ કરીશ.”
સેનાપતિએ અહમથી છાતી ફુલાવીને કીધું, “શું તમે જાણતા નથી હું કોણ છું? હું આ નગરનો સૌથી મોટો, બળવાન યોદ્ધો અને સેનાપતિ છું.”
સંતે તરત જ કહ્યું, “અરે પાગલ, તમે તો ભિખારી જેવા લાગો છો, શું કામ પોતાને સેનાપતિની જેમ ગણાવો છો!"
સેનાપતિએ તલવારની મ્યાન પર હાથ રાખી ક્રોધથી કંપતા કંપતા કીધું: “સંત, જો તમારી જગ્યાએ કોઈ બીજું હોત, તો અહીં જ મારી તલવારની ધારથી તેનું ધડ અલગ થઈ જાત.”
સંતે કીધું, “અરે તલવાર, તલવાર શું કરો છો? પાગલ, હાથમાં તો કટોરી થામી છે, તલવારની ધાર એટલી તીષ્ણ હોય તો હમણાં દેખાડી દે આ તારી ધારદાર તલવારને...!”
ક્રોધની આગમાં લપેટાઈને સેનાપતિએ, જોરથી મ્યાનમાં રાખેલી તલવારને કાઢી બાજુમાં રહેલાં વૃક્ષની ડાળીઓ કાપી નાંખી. ડાળીઓ વૃક્ષથી અલગ થઈ જમીન પર પડી.
ત્યારે સંત એકદમ શાંતિથી ઉત્તર આપે છે, “હે સેનાપતિ તમે જે હમણાં કાર્ય કર્યું એ નર્ક સમાન ગણી શકાય, હું તો આપનો પરિચય જાણવા ઈચ્છતો હતો. તમે ઘડીભરનો પણ વિચાર ન કરતાં દંભમાં આવી આક્રોશ ફેલાવી દઈ ધરતી પર નરકનું વ્યવસ્થાપન નિર્માણ કરી દીધું.”
સેનાપતિને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તે સાથે જ આંખો નીચી થઈ જાય છે, બંને હાથ જોડી નમન કરીને માંફી માંગે છે.
સંત ઉદાર દિલથી ત્યારે કહે છે, “હે સેનાપતિ, મને આકાશનાં સ્વર્ગ નરક વિષે તો જાણ નથી, પરંતુ તમે ક્ષમા માંગીને જે કાર્ય કર્યું, તે ધરતી પર સ્વર્ગ સમાન છે.”
