સંપ ત્યાં જંપ
સંપ ત્યાં જંપ


એક વખતની વાત છે. એક જંગલ હતું . આ જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતાં. તેમાં એક વાઘ પણ રહેતો હતો. આ વાઘ ખુબ જ દુષ્ટ અને ઘાતકી હતો. તે જંગલના ભોળા અને નિર્દોષ પ્રાણીઓનો શિકાર કરી તેમને મરી નાખતો. બાજુમાં જ નાનકડું ગામ હતું. ગામમાં માલધારી જાતિના લોકો રહેતા હતાં. તેઓ ગાયોનું પાલન પોષણ કરી પોતાનું ગુજરાન ચલાવતાં હતાં. આ બધી જ ગાયો રોજ ઘાસ ચરવા માટે આવતી હતી.
પણ એ ખુબ સમ્પીલી અને બુદ્ધિશાળી હતી. આ ગાયો હંમેશા સંપમાં જ રહેતી. જ્યાં જાય ત્યાં સાથે જ જતી. ક્યારેય એકબીજાથી અલગ થતી નહિ. એટલે જ પેલો વાઘ પણ આ ગાયો પર હુમલો કરી શકતો નહિ. જેવો વાઘ હુમલો કરવા આવે બધી ગાયો ભેગી થઈને પોતાના અણીદાર શીંગડા મારીમારી વાઘને ભગાડી મુકાતી હતી. એટલે આજ સુધી બધી જ ગાયો સુરક્ષિત હતી.
હવે એક સમયની વાત છે. એકવાર કોઈ કારણસર આ ગાયો વચ્ચે ઝઘડો થયો. બધ
ી ગાયો એક બીજાથી રીસાઈ ગઈ. અને એકબીજાનો સાથ છોડી જંગલમાં અલગ અલગ ઘાસ ખાવા જવા લાગી. એટલે બધી ગાયો એક બીજાથી વિખુટી પડી ગઈ. આ વાત વાઘને કાને પડી. વાઘને થયું કે આજે તો બધી ગાયો છૂટી છે એટલે તેઓ મારો સામનો કરી શકશે નહિ. આમ વિચારી તેને ગાયોનો શિકાર કરવાનું નક્કી કર્યું.
તે જંગલમાં જ્યાં ગાયો ચરતી હતી, ત્યાં આવ્યો. અને એક એક કરી ગાયોનો શિકાર કરવા લાગ્યો. છૂટી છવાઈ એકલી ગાય વાઘનો સામનો કરી શકી નહિ. આમ વાઘે ઘણી ગાયોનો શિકાર કરી મારી નાંખી. હવે ગાયોને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કે આપણે અલગ અલગ રહ્યા એટલે જ વાઘે મારી ખાધી. એટલે બધી જીવતી રહેલી ગાયો એ તરત જ પોતાની ભૂલ સુધારી અને બધી પોતાનો ઝઘડો છોડીને પછી એક થઈ સંપથી રહેવા લાગી, બસ એ પછી ક્યારેય વાઘ તેમનો શિકાર કરી શક્યો નહિ.
એટલે જ તો કહ્યું છે, એકતા મે બલ હૈ અને સંપ ત્યાં જંપ.