સમળી મા
સમળી મા
એક હતો વાણીયો. એણે હાથ પર એક ગુમડું થયું. વાણીયો રોજ વૈધ પાસે જાય અને દવા કરાવે, પણ કેમ કરીને ગુમડું ફૂટે જ નહિ ! એકવાર વાણીયો વૈધ પાસે જતો હતો. ત્યાં રસ્તામાં સમળી માળી.
સમળી કહે : વાણીયાભાઈ વાણીયાભાઈ આ તમારે હાથે શુ થયું છે ?
વાણીયો કહે : જુઓને બહેન, આ કેટલાય દિવસથી ગુમડું થયું છે. ફૂટતું પણ નથી કે મટતું પણ નથી. કોણ જાણે કેવી જાતનું ગુમડું છે!
સમળી કહે : અરે ! એમાં શુ, ગુમડું હું ફોડી આપું. પણ એમાંથી જે નીકળે તે મારું.’
વાણીયો વિચાર કરવા લાગ્યો. ગુમ્ડામાંથી તે વળી શુ નીકળશે! પરુ નીકળશે. એમાં સમળી વળી શુ ખાટી જવાની છે. એમ વિચારીને તેણે સમલીને કહ્યું.
‘ઠીક છે સમળી બેન, જે નીકળે તે તમારું બસ. પણ મારું દુ;ખ મટાડો.
સમળી એ તો એક ચાંચ મારીને ગુમડું ફોડી નાખ્યું. ત્યાંતો તેમાંથી એક સુંદર દીકરી નીકળી. રૂપાળી રંભા જેવી દીકરી સમ્લીને આપવામાં વાણીયાનો જીવ ન ચાલ્યો. પણ કરે શુ. સમળી સાથે વચને બંધાયો હતો !
છેવટે કચવાતા મને વાણીયા એ સમ્લીને દીકરી આપી. સમળી તો દીકરીને તેના માળામાં લઇ ગઈ. એક મોટા માળામાં સમળી એ તેને રાખી. સમળીએ તેનું નામ રંભા રાખ્યું. સમળી તો રંભાને એટલું રાખે, રોજ નિત નવા પકવાન ખવડાવે, સરસ મજાના કપડાં અને દાગીના પણ લઇ આવે. રંભાને તો રાજી રાજી રાખે. તેણે કોઈ વાતનું દુ;ખ નહિ.
એકવાર રંભા સમળીને કહે, ‘મા મને ચંદન હાર પહેરવાની ઈચ્છા થઈ છે.
સમળી કહે : ‘ભલે દીકરી. હું કાલે તારા માટે ચંદન હાર લઇ આવીશ. પણ ચંદનહાર લઈને આવવામાં મોડું પણ થશે. ચંદનહાર તો કોઈ રાજા કે નગર શેઠના ઘરે જ હોય એટલે મળવામાં વાર પણ લાગે. તો તું ચિંતા કરતી નહિ.’
એટલું કહી સમળી તો ચંદનહર લેવા ઉડી ગઈ. એક દિવસ થયો, બે દિવસ થયા, ત્રણ દિવસ થયા. પણ ચંદનહાર તો ક્યાંય હાથ ન આવે. ચંદનહાર તો ક્યારે મળે ને સમળી પાછી આવે! રંભા તો માળામાં બેઠી બેઠી સમળી માની રાહ જુએ. આજે આવશે. કાલે આવશે. એમ રોજ રાહ જુએ. પણ સમળી મા તો આવી જ નહિ.
એટલામાં એક દિવસ એક રાજાનો કુંવર શિકાર કરવા માટે નીકળ્યો. તે સમળીના માળા પાસે આવ્યો. માળામાં રંભાને જોઈને એતો ખુશ ખુશ થઈ ગયો. રંભાને તે પોતાના મહેલ લઇ ગયો. આ બાજુ ચોથો દિવસ થયો. અને સમળી રંભા માટે ચંદનહાર લઈને માળામાં પાછી આવી. આવીને જોયું તો માળામાં રંભા નહિ. તેણે આજુબાજુમાં ખુબ જ જોયું, ખુબ જ સાદ પણ પાડ્યા પણ રંભા ક્યાંય મળે જ નહિ. સમળી તો ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
આ બાજુ રંભા તો રાજકુમારના મહેલમાં રમતી’તિ, ખાતી’તી ને મજા કરતી હતી. બીજી બાજુ સમળી મા પોતાની રંભાને શોધવા નીકળ્યા. તે ગામના દરેક ઘરના છાપરા પર બેસે અને બોલે. ‘મારી રાધિકાબાને, મારી રૂપાળીબાને કોણ હરિ ગયું કોણે દીધા વનવાસ!’ આમ કરતી કરતી રાજાના મહેલ પર જઈને બેઠી. ત્યાં જઈને પણ બોલવા લાગી. ‘મારી રાધિકાબાને, મારી રૂપાળીબાને કોણ હરિ ગયું કોણે દીધા વનવાસ!’ ત્યાં રંભા મહેલમાં હિંચકા પર બેસીને હિંચકા હિંચતી હતી. તેણે સમળી માનો અવાજ સાંભળ્યો.
રંભા બોલી, ‘સંભાળો તો ખરા, આ કોણ બોલે છે?’ ત્યાંતો સમળી ફરી બોલી, ‘‘મારી રાધિકાબાને, મારી રૂપાળીબાને કોણ હરિ ગયું કોણે દીધા વનવાસ!’ ત્યાંતો રંભા બોલી, ‘અરે આતો મારી બા જ બોલે છે.’ ત્યારે દાસીઓ બોલી, ‘આ તો છાપરે બેઠી સમળી બોલે છે.’ રંભા કહે, ‘ અરે આતો મારી મા જ બોલે છે.
પછી સૈનિકોએ સમળી ને પકડીને રાજા મહેલમાં લાવી. દીકરી રંભાને જોઈને સમળી તો રાજી રાજી થઈ ગઈ. મા-દીકરી એકબીજાને ભેટી પડ્યા. પછી તો સમળી પણ દીકરી સાથે મહેલમાં જ સુખથી રહેવા લાગી. અને મહેલમાં રહીને ખાધું પીધું ને મોજ કરી.
