Charmi Majithiya

Comedy Inspirational

4  

Charmi Majithiya

Comedy Inspirational

શરત

શરત

5 mins
423


એક અઠવાડિયાથી વિવિધ દેવો દ્વારા અનેક પ્રયત્નો છતાં વર્ષોથી ધ્યાનમાં લીન મહાદેવને કોઈ જગાડી ન શક્યું. શિવની રક્ષા સૌથી ચતુર દેવ ગણેશ જો કરતા હતા ! આખરે વિષ્ણુએ પોતાના હુકમનાં એક્કાને કામ સોંપ્યું. સૌ દેવો તેનાં પર આશાભરી નજરે મીટ માંડીને બેઠાં હતાં.

 પોતાની ફરિયાદ લઈ વકીલ પાસે જતો ત્રસ્ત માનવી ત્યાંનાં વેઇટિંગ રૂમમાં બેઠો સમય પસાર કરવા જેમ પુસ્તકો વાંચતો હોય તેમ "નારાયણ... નારાયણ..." બોલતા બોલતા નારદ કૈલાસનાં બરફમાંથી ભગવાન વિષ્ણુની મૂર્તિ બનાવતા હતા. દર વખતે તેમના મુખેથી સરતું નારાયણ નામ અલગ ઢબમાં અલગ જ ભાવ પ્રગટ કરતું. એક કલાકથી ધ્યાનમગ્ન શિવના જાગવાની રાહ જોતા નારદ પોતાનો અવાજ વધુ ને વધુ ઊંચો કરતા જતા હતા. મોબાઇલ ફૉનના ઍલાર્મની જેમ વારંવાર એ સાદ શિવના કાને પડી તેમને વિચલિત કરતો હતો.

 ગણેશ એક ખૂણે છૂપાઈને આ નજરો નિહાળતા હતા. તેઓ એ નહોતા ઈચ્છતા કે તેમના પિતાનું તપભંગ થાય. વિષ્ણુ સાથેની આ બાબતે વાટાઘાટ તેમનાં તરફેણમાં રહી ન હતી. સર્વ દેવોને ધ્વસ્ત કર્યાં બાદ નારદજીને તેમની જ પ્રવીણ કળામાં કેમ હરાવવું તેની વિચારણા કરતા એ ઊભા હતા. આ બધો ઘટનાક્રમ ચૂપચાપ જોતા પાર્વતી મનોરંજનનો આનંદ લેતાં હતાં.

નારદનું પૂર્ણ થવાના આરે આવેલું મૂર્તિસર્જન જોઈ ક્યાંક તેઓ તેમની વાટમાં શિવલિંગ બનાવાની શરૂ ન કરી દે માટે તેમણે આખરે આંખો ખોલી જ લીધી. ઊંચા અવાજની યુક્તિ નિષ્ફળ નીવડ્યા બાદ જાણી જોઈને કદરૂપી મૂર્તિ બનાવાની યોજનાની સફળતાથી નારદ ખુશ થયા ને ખંધું હસ્યા. મૂર્તિ જોઈને મહાદેવે મનમાં વિષ્ણુનું સ્મરણ કર્યું ને તેમના મુખ પર અટ્ટહાસ્ય પ્રસર્યું. બીજી તરફ દેવો પણ આનંદિત થઈ ગયા.

"પ્રણામ દેવાધિદેવ !" નારદજીએ નમીને વંદન કર્યું.

"મુનિ, આમ મને સાધનામાંથી જગાડવાનો કોઈ વિશેષ આશય ?"

"જી પ્રભુ, કળિયુગ આવ્યો છે ઘોર કળિયુગ !" નારદે નાટકીય છટાથી જીભ બહાર કાઢીને ઉપર નીચેનાં દાંતો વચ્ચે ભીંસી, બંને કાને હાથ અડકાવી અભિનય કરતા કહ્યું. "પૃથ્વીલોક પર કટોકટી આવી છે. માણસ માણસાઈ ભૂલ્યો છે ને ખુદ સિવાય હરકોઈને હાનિ પહોંચાડે છે. તેનો અભિમાન તોડવા ધરતીકંપ, ભૂસ્ખલન, સુનામી, વાવાઝોડું જેવી હોનારત અવારનવાર થાય છે. માનવીના મનનો કચરો પ્રદુષણ બની વાતાવરણને દૂષિત કરી બરફને અતિતીવ્ર વેગે પીગળાવે છે જેથી દિવસે ને દિવસે દરિયાઈ સપાટી ઉપર આવે છે. એ દૃષ્ટિહીન મનુષ્યોએ ઓઝોનમાં પણ છિદ્રો પાડી દે એવાં નિશાન તાક્યા છે." નારદનો અદકેરી ઉપમાવાળો કટાક્ષ સાંભળી આવી ગંભીર બાબતમાં પણ શિવના મુખે મંદ હાસ્ય ફૂટ્યું. વિષને અમૃતની જેમ રમૂજી ઢબે પ્રસ્તુત કરવું એ જ તો તેમની વિશેષતા !

"એટલું જ નહીં પ્રભુ, પ્રકૃતિ, પશુ, પક્ષીની શું વાત કરવી... માણસ તો માણસનો પણ રહ્યો નથી. તે પૈસા અને મોભાથી અહંકારમાં મનોમન ખુદને જ ઈશ્વર ગણવા લાગ્યો છે. દેવાલયો તો ધંધો બની ગયા છે. ઈશ્વર પથ્થરની જેમ બજારોમાં વહેંચાય છે. ધનવાન મંદિરની અંદર ભીખ માંગે છે ને નિર્ધન મંદિર બહાર !"

ડાબો હાથ ઉપર ને જમણો હાથ નીચે રાખી, જમણા હાથ અને કમર તાલ મેળવી મટકાવતા નારદજી બોલ્યા, "સુખમાં ડિસ્કોમાં જઈને પાર્ટીસોંગ પર નાચશે ને દુઃખમાં આપણી સામે ઊભા રહી ગીતો ગાશે..." આમ કહી નારદે લયમાં પણ રડમસ રવમાં ગાવાનું શરૂ કર્યું, 'ઓ પાલનહારે, નિર્ગુણ ઔર ન્યારે..તુમ્હરે બિન હમરા કૌનો નાહી.' સંવાદની મધ્યમાં નારદની આવી ટીખળ જ સૌનું ચિંતાતુર મન હળવું કરતી હતી.

"મુનિશ્રેષ્ઠ, તમારી વાત સાચી પરંતુ મારો મત એ છે કે હજી પૃથ્વી પર થોડી માણસાઈ તો છે જ. હું એ વાતની સાબિતી આપી શકું." શંભુએ પોતાના હાસ્ય પર કાબૂ કરી પૂરા આત્મવિશ્વાસ સાથે કહ્યું.

નારદે ફરી ગરલમાં ગોળ ભેળવતા કહ્યું, "જય હો ભોળાનાથ ! એટલે જ તમે ભોળાનાથ કહેવાયા છો. તમે અસુરની પણ ભક્તિ જોઈ વરદાન બક્ષો છો તો તમારા સંતાનસમા માનવી પર તો તમે દયા વરસાવો જ ને વિષધર ! અમુક દૃશ્યો તમારી વર્ષોથી ધ્યાનમગ્ન આંખોને બતાવવાની ગુસ્તાખી કરીશ મહાદેવ."

  "નારાયણ... નારાયણ..." બોલતા જ સામે પૃથ્વીલોકનું દ્રશ્ય દેખાયું. પવિત્ર શ્રાવણમાસની શરૂઆત થતા ખાલી રહેતા શિવમંદિરમાં ભક્તોની ભીડ જામી હતી. ફૂલો અને બીલીપત્રોનો ઢગલો થયો હતો. મંદિરની બહારથી જ પૂજા કરવા માટેની મોટી લાઈન લાગી હતી. વેરવિખેર વાળ ને ફાટેલાં કપડામાં લઘરવઘર કેટલાક દીન તેમનાં હાથમાં પ્રસાદ અને દૂધ જોઈ અશ્રુભીની આંખે કશું ખાવાનું માંગી રહ્યાં ને બદલામાં મળતા તિરસ્કારનો આઘાત ગળી પચાવી રહ્યાં હતાં. બીજી તરફ કેટલાય લિટર દૂધનો શિવ પર અભિષેક થઈ પાસેથી જતી ગટરમાં નિકાલ થઈ ગયો હતો. ત્યાં કેટલાય દિવસથી ભૂખ્યાં ભિખારીઓ તૃષ્ણાભરી નજરે એકધારા દૂધની ધારને નિસહાય બની જોતા હતા. 

આ જોઈ મહાદેવ, પાર્વતી, ગણેશ, વિષ્ણુ ને તેમનાં પગ દબાવતાં લક્ષ્મી, નારદ સહિત સમસ્ત દેવગણની આંખો કરુણા અને દુઃખથી ભીની થઈ ગઈ. આઘાતથી ઘવાયેલાં હૈયે આંસુ લૂછતાં મહાદેવ બોલ્યા, "આ નિર્દયી, અસુરી લોકોની ભીડમાં એક તો એવી વ્યક્તિ હશે જ ને જેનાં મનમાં દેવ હોય. જેનાં થકી માણસાઈ મરણતોલ ખરી પણ અમુક શ્વાસોથી હજી જીવંત હોય."

"અચ્છા... તો લાગી શરત ભોળાનાથ !" એમ કહી નારદ પોતે શરત જીતી જ ગયા હોય તેમ ખડખડાટ હસવા લાગ્યા. દેવોમાં અંદરોઅંદર અટકળો લાગવા લાગી કે આ શરત કોણ જીતશે. શિવ-નારદની શરત પર શરત લાગવા લાગી. તો બીજી તરફ વિષ્ણુએ પોતાના આરાધ્ય શિવની અને લક્ષ્મીએ પરમભક્ત નારાદમુનિની તરફેણ કરી.

અચાનક એ ભિખારીઓમાંથી એક ચક્કર ખાઈને પડી ગયો. તેનાં સાથીઓએ તેને પકડ્યો ને તેને ઉઠાડવાનાં નિરર્થક પ્રયાસો કરવા લાગ્યા. અમુક લોકો આ જોઈને હેબતાઈ તો ગયા પણ પ્રસાદ કે દૂધ તેને દઈ જીવ બચાવવા રાજી ન હતા. તો અમુકે તો તેની સામે સુધ્ધાં ન જોયું ને 'ૐ નમ: શિવાય'નો જાપ બોલતા રહ્યાં. એક બે જણા તો પોતાના ફૉનમાં લાઈવ રેકોર્ડિંગ કરવા લાગ્યા જાણે એ કોઈ મોતનો ખેલ માત્ર હોય. સૌ દેવો અધીરા થઈ બધું નિહાળી રહ્યાં હતાં. શરતમાં ભલે કોઈપણની તરફેણમાં હોય છતાં મનથી તો સૌ માણસાઈની જીત જ ઈચ્છતા હતાં.

 આ ભીડ વચ્ચેથી એક નાનકડી ફૂલની કળી જેવી બાળકી બહાર આવી ને તેણે પોતાનો દૂધ ભરેલો કળશ તે મૂર્છિત ભિખારીને પીવડાવ્યો. ત્યાં રહેલાં સૌ દંગ રહી ગયા ને તેમની આંખો શરમથી નીચી ઢળી ગઈ. ભિખારી ભાનમાં આવ્યો ને માણસાઈ જીતી ગઈ. સૌ દેવોને હાશકારો થયો ને જેમણે શિવ પર શરત લગાવી હતી તેમની ખુશી તો બમણી હતી.

નારદજી છાનાછૂપના ત્યાંથી નાસી છૂટવા જતા જ હતા કે લક્ષ્મીનારાયણ પ્રગટ થયા. નારદે દયાની યાચના છલકતા અવાજે "નારાયણ...નારાયણ..." કહી તેમને પ્રણામ કર્યાં. વિષ્ણુએ શિવને ગળે લગાવી શરત જીતવા બદલ અભિનંદન પાઠવ્યા. શિવ બોલી ઉઠ્યા, " આ શું નારાયણ ! તમને શરતની ચિંતા હતી. મને તો માણસાઈ જીવંત હોવાનો હર્ષ છે."

વિષ્ણુએ અત્યંત નિખાલસતાથી કહ્યું, "ખરું કહ્યું મહાદેવ ! તમારું શું માનવું છે ગણેશ ?" એમ કહી એક હિમશિલા પાછળ ઈશારો કર્યો. ત્યાં રહેલા સૌ ગણેશની મસ્તીને સારી રીતે ઓળખતા માટે કોઈને પણ એ માનતા વાર ન લાગી કે પેલી છોકરી એ બીજું કોઈ નહીં પરંતુ ગણેશ જ હતા જે પિતાને શરત જીતાડવા ગયા હતા. ચોરી પકડાય જતા ગણેશ ધીમા પગલે બહાર આવ્યા ને સૌની માફી માંગી.

થોડીવાર તો સૌ ગણેશની રમૂજથી પ્રફુલ્લિત થઈ ગયા હતા પરંતુ વાસ્તવિકતાનું ભાન થતા સૌ આઘાતમાં સરી પડ્યા. સૌથી મોટો આઘાત તો નારદને લાગ્યો હતો...શરત જીતવા છતાં પોતાની રમતમાં જ ખુદ મૂર્ખ બની હારી ગયાનો આઘાત !


Rate this content
Log in

More gujarati story from Charmi Majithiya

Similar gujarati story from Comedy