શોધ-ફોળ
શોધ-ફોળ
‘મેરા જૂતા હૈ જાપાની’ ગીતમાં સાપ પાછળ પડતાં રાજ કપૂર જે સ્ટાઈલથી દોડતો ભાગે છે એવી જ કંઇક સ્ટાઈલ, જેવી હું સવારમાં શાળાનાં પગથીયાં ચડી તો એક છોકરો કરતો દેખાયો. પૂછ્યું તો કહે, “આ ટાઈલ્સ ગણું છું, ટીચર” તેની સાથે ગણતરી કરતાં કરતાં હું વર્ગમાં પહોંચી. તો જેટલા શાળાએ પહોંચી ગયા હતાં એ બધા દિવાલમાં લગાવેલ ટી.વી. પર નવી ચેનલ ચીપકાવવામાં મશગુલ હતાં. હા,ચીપકાવવામાં... બન્યું એવું કે...
પ્રથમ સત્રમાં ધોરણ-૬ અંગ્રેજીમાં ‘તમારા ઘરના સભ્યો ઘરેથી બહાર જતી વખતે, કેવી કેવી વસ્તુઓ સાથે લઇ જવી ભૂલી જાય છે ? લીસ્ટ બનાવો’ અંતર્ગત રૂમાલ, ચાવી, પેન વગેરેની સાથે સાથે વિમલ, માવા, પાન, પણ પપ્પા ઘણી વખત ભૂલી જાય છે, એમ પણ ઉમેરાયું. વાતમાંથી વાત થતાં : “ટીચર, પપ્પા માવો લેવા મોકલે અને લઇ આવીને... ચખાડે પણ ખરાં...” “મમ્મી, સોફ્ટી ખાયને એમાંથી હુંય ભાગ પડાવું....” વગેરે જેવાં રહસ્યો પણ ખુલ્યાં. ન ખાવા માટે સમજાવવાના થોડાં પ્રત્યનો પણ કર્યા.
થોડાં દિવસ પછી ધો.૮ના હિન્દીમાં ‘યદી ભગવાન આપસે મિલે તો ક્યા માંગોગે?’ એક પાઠના સ્વાધ્યાયમાં આવતાં પ્રશ્નની ચર્ચા થતી હતી. બાળસહજ માંગણીઓ થતી હતી, વારાફરતી બધાં બોલતાં હતાં. એકે કહ્યું, ”ટીચર, ઇન સભીને માંગા વો મુઝે ચાહિયે, પર યદી વો મેરે પાપાકો મુઝે વાપસ લૌટા દે, તો મુઝે ઔર કુછ નહી ચાહિયે.” છેલ્લું વાક્ય બોલાતી વખતે આંખોમાં ઝળઝળિયાં સાથે બેંચ પર આંખો ટેકવી બેસી ગયો. વાતાવરણ સ્તબ્ધ. પણ થોડી વારમાં બીજા બધાં સ્વસ્થ થયા અને એકે મને પૂછ્યું, “ટીચર, તમે શું માંગો ?”
કોઈ જ મોટી મોટી ફિલોસોફી હાંકવાનો એ સમય કે સ્થળ જ ન્હોતું. “હે ઈશ્વર, જયારે તું કોઈક વ્યક્તિ કે વસ્તુને લઇ લે છે અને પછી કોઈ ને કોઈ સ્વરૂપે આવીને તું, એના બદલાની હાજરી પુરાવે છે ને એ પુરાવતો રહેજે...” એક બે પ્રસંગ સાથેની આ વાક્યની રજૂઆત કરતી વખતે પેલાં છોકરા સામે હું જોતી હતી. નીચી નજર સાથે પણ એનાં નેણ ઊંચા થતાં મેં જોયાં.
એ છોકરાંને મારા જવાબથી ભલે સંતોષ ન થયો, પણ મારી અકળામણ વધી, જયારે મને ખબર પડી કે, પાન, માવા, મસાલા અને અંતે કેન્સરે એના પપ્પાનો ભોગ લીધો છે.
પછી તો એમને કેવાં-કેવાં વ્યસનો છે, એ પૂછ્યું, તો રખડવાનું, ટી.વી., મોબાઇલ, મસાલા વગેરેની ખબર પડી. “ટીચર, આ બધી આદતો છોડવી તો છે, પણ છૂટતી નથી...” વગેરે ચર્ચાઓ થઈ. સમજાવીએ તો સમજી તો જાય, પણ...
તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઉભું હતું દર્દો નવાં લઈને
બેફામ સાહેબની આ પંક્તિ જેવી પરિસ્થિતિ થાય ત્યારે, જરૂરત હોય છે, જાત ને બદલવાની. હવે સમય હતો રડતાં અને જીદ્દી બાળકનાં હાથમાંથી કોઈ અણીદાર વસ્તુ લઇ અને એક રમકડું થમાવવાનો. તો રોજેનું એક લેશન આપવામાં આવ્યું, “તમને જયારે રખડવાનું, ટી.વી. કે મોબાઇલ, મસાલા વગેરેનું મન થાય ત્યારે વર્ગ શણગારવાની કોઈક વસ્તુ બનાવવા બેસી જવાનું.”
એ લેશનનાં ભાગ સ્વરૂપે પૂંઠા અને કાગળનું એક ટીવી વર્ગમાં લગાવવામાં આવ્યું છે. જેના પર ચેનલ એટલે કે ચિત્ર આજે સવારમાં એ લોકો બદલી રહ્યાં હતાં. પેન્સિલની લીડ તૂટી જાય એ બધી ભેગી કરીને પીછાંમાં ભરાવીને નવી પેન્સિલ પણ બનાવવામાં આવે છે. સુખડી માટેની ટ્રે, કંપાસ બોક્ષ, પાકીટ, ચોકબોક્ષ, ઝુમ્મર... આ..હા..હા... વગેરે વગેરે બની રહ્યું છે.
આમ, મારો તો વર્ગ શણગારાય રહ્યો છે અને કદાચ એમનું જીવન પણ ! “ટીચર, કાલે કટકી ખવાય ગઈ હતી હો... પણ ધ્યાન રાખું છું.” – કોઈક એવું પણ કહે છે ક્યારેક. હા, આપણે માની અને ધારી લઈએ એટલાં ખોટાળા નથી હોતા એ લોકો....
બધું જલદી શીખવવાના તારા આયાસ રહેવા દે,
એ બાળક છે એનાં ખુલ્લાપણાના શ્વાસ રહેવા દે,
મને પામે જો વિસ્મયથી હું પળમાં ઊભરી આવું,
ગણિતની જેમ મારો અટપટો અભ્યાસ રહેવા દે !
