સાડીનો પ્રેમ
સાડીનો પ્રેમ


આ શબ્દ સાંભળતા જ ધવલ એક સામટુ જોર-જોરથી હસવા લાગ્યો. ત્યારે ઘણા દિવસે બહાર ગામથી આવેલો ધવલનો મિત્ર વિકાસ પહેલા તો આ જોઈને થોડો ડરી ગયો. પરંતુ એને સ્થિતિ અને જગ્યાનું ભાન થતા એ નિશ્ચિંત બન્યો. પણ હવે આજુબાજુના લોકો ધવલ તરફ દેખી રહ્યા હતા અને કદાચ એમજ વિચારી રહ્યા હતા કે આ ગાંડો અહીં કઈ રીતે આવી ગયો. એ લોકો શું વિચારી રહ્યા હતા એ વિકાસને ખ્યાલ આવતા એ તરત ત્યાંથી ધવલને લઇને નીકળી ગયો. પરંતુ એને તો હજી પણ ખબર નહતી પડી કે ધવલ અચાનક રાવણ જેવું કેમ હસી રહ્યો હતો.
ત્યાં દુકાનની બહાર નીકળી થોડે દુર પહોંચ્યા ત્યાં ધવલનું હાસ્ય બંદ થયું. અને મોકાનો લાભ ઉઠાવતા વિકાસે પૂછી લીધું. "અલ્યા તને કાંઈ ખબર પડે છે કે નહીં. આ દુકાનમાં શું કરી રહ્યો હતો તું ? આ રીતે કોઈ હસે ખરા ? અને ચાલ હસ્યો તો પણ કઈ વાંધો નહીં પણ મને કે તો ખરા હસ્યો તો કેમ ? ત્યાં તારા રાવણ હાસ્યથી હું ડરી ગયો હતો..."
ધવલ હજી પણ પોતાનું એ પાગલપન ભર્યું હસવાનું બંદ નહોતું કરી શક્યો. પરંતુ જેવો જ વિકાસ એને બોલવા લાગ્યો ત્યારનો એ એકદમ શાંત ઉભો હતો. ના મોં પર હસી કે ના મોં પર કોઈ પ્રકાર ના અણસાર. જાણે વિકાસ સામે કોઈ નાનું બાળક આંખોમાં મોતી જેટલા મોટા પાણીના બિંબ ભરીને ઉભું હોય. જે જાણે હમણાં વર્ષે કે હમણાં વર્ષે.
ધવલ પેહલા આવો નહતો. એતો મોજીલો માણસ. બધાને ખુશ રાખવાના અને પોતે ખુશ રહેવાનું. કોઈપણ સામે મળે "કેમ છો ?" એમતો પૂછવાનુ જ. ભલે એ દોસ્ત હોય કે દુશ્મન, બોલતા હોય કે ના બોલતા હોય, ઓળખતા હોય કે ના ઓળખતા હોય, નાનું હોય કે મોટું પૂછવાનું તો જરૂર. એની આજ આદતના કારણે આખા ગામમાં એ પ્રખ્યાત હતો. કોઈ પણ પૂછે "ધવલને ત્યાં જવું છે." તો લોકો પૂછે "કયો ધવલ ? પેલો કેમ છો વાળો ?" અને જો આપણે હા પડીએ તો ગામનું નાનું બાળક પણ આપણને હાથ પકડી એના ઘરે મૂકી જાય. એવો હતો ધવલ. સ્વભાવે શાંત અને વ્યવહારે વ્યવસ્થિત. એને ગામના બીજા લોકો ની જેમ લપ્પનછપ્પન નહિ. એ તો બસ પોતાની મસ્તીમાં મસ્ત રહેતો.
પરંતુ આજે ધવલ ને શું થયું હતું એ વિકાસને પણ ખબર પડી રહી નહતી. ધવલને પેહલા ક્યારેય આવું વર્તન કરતા વિકાસે જોયો નહતો. આથી આજે એ વધુ અચંબામાં હતો.
"હવે કઈ બોલીશ ? એ તને કહું છું તને..." ધવલને પોતાની તરફ ફેરવતા ફેરવતા વિકાસે કહ્યું.
ત્યાં એને ધવલની હાથમાં એક ગોળીઓનું પેકેટ દેખાયું. જેમાંથી એ અમુક ગોળીઓ ગળી રહ્યો હતો. હવે તો વિકાસના મગજમાં પ્રશ્નોના બાણ છૂટી રહ્યા હતા. અને હવે એ બાણોને એ પોતાના મગજરૂપી ભાથાવમાં થંભાવી શકે એમ નહતો. તો પણ એને પ્રયત્ન કર્યો. અને ધવલને ફરીથી શાંતિથી પૂછ્યું. "ધવલ, તું આ શેની દવા લઈ રહ્યો છે ?"
ધવલ ઘભરાઈ ગયો અને દવાના પેકેટ સંતાડતા-સંતાડતા, "કઈ દવા, કેવી દવા. હું તો કોઈ દવા નથી લઈ રહ્યો. લે જોઇલે મારી પાસે કોઈજ દવા નથી" અને દવા પોતાના પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકી પોતાના બંને હાથ આગળ કરી વિકાસને બતાવવા લાગ્યો.
વિકાસે એને દવા પાછળના ખિસ્સામાં મુકતા દેખી ગયો હતો. આથી એને તરત ધવલના પાછળ ખિસ્સામાં હાથ નાખીને એ પેકેટ બહાર કાઢી નાખ્યું. અને ધવલ ને બતાવતા બતાવતા કહ્યું, "હું આ દવાની વાત કરું છું. આ દવાની..." અને એને એ પેકેટ ધવલના હાથ માં મૂક્યું. અને પોતાની વાત આગળ ધપાવી "બોલ હવે આ દવાનું પેકેટ શેનું છે ? અને તું આ કેમ લઈ રહ્યો છે ? મને ખબર છે ત્યાં સુધી તો તને કઈ બીમારી નથી અને તું બીજું કંઈ ટેન્શન પણ નથી લેતો તો આ દવા તું કેમ લે છે ?"
ધવલ ઉભો ઉભો બધું સાંભળી રહ્યો હતો. પણ સામે કઇ જવાબ આપી રહ્યો ન હતો. જાણે કે એના સામેનો ગુનો સાબિત થઇ ગયો હોય અને એની પાસે હવે પોતાની સફાઈમાં બોલવાલાયક પણ કઈ ના હોય એ રીતે એ શાંત ઉભો હતો. આ બધું જોઈ હવે વિકાસને ગુસ્સો આવી રહ્યો હતો. અને આવે પણ કેમ નહીં જે માણસ સાથે એ નાનપણથી મોટો થયો હોય અને એ મોજીલો માણસ અચાનક આવો બદલાઈ જાય અને કઈ પણ કારણ વગર આમ કોઈ પણ દવા લેવા લાગે તો ચિંતા તો થાય અને એ ચિંતા શાંત કરવા કોઈ પ્રશ્નોના ઉત્તર માંગે અને એ પણ ના મળે તો કોઈ પણ માણસ ને ગુસ્સો આવેજને સ્વાભાવિક છે એતો.
"હવે કઈ બોલીશ પણ ખરો કે આમજ ઉભો રહીશ ?" વિકાસનું આટલા ઊંચા અમે ભારવાળા અવાજ સાથેનું વાક્ય સાંભળતા હવે ધવલ પોતાના આંસુને કાબુમાં રાખી શક્યો નહીં. આથી એના આંસુ એ જેવીજ એમની મર્યાદા ઓળંગી એવો તરતજ ધવલ ત્યાંથી ચાલી નીકળ્યો. એને એમ કે વિકાસે એના આંખના આંસુ જોયા નથી. અને પોતે તરત નીકળી જાય તો એ જોવે પણ નહીં અને આગળ સવાલ પૂછે પણ નહીં. પરંતુ એનો આ તર્ક ખોટો હતો.
હવે ધવલ ચાલતો ચાલતો ગામની વચોવચ આવી ગયો હતો. અને વિકાસ પણ ભાગતો ભાગતો ત્યાં આવી પોહચ્યો હતો. વિકાસે તરત તેનો હાથ પકડ્યો અને બાજુમાં રહેલા પીપળા પાસેના ઓટલા પાસે બેસાડ્યો. પછી દિલાસો આપી અને તેને શાંત પડ્યો, આંખ માંથી જે આંશુ આવી રહ્યા હતા એ બંધ કરાવ્યા. થોડીવાર બન્ને શાંત એકબીજા તરફ દેખી રહ્યા. થોડીવાર પછી એકાએક ધવલ બોલી ઊઠ્યો, "તને ખબર છે ત્યાં સાડીનું નામ સાંભળતા હું એટલો જોરજોરથી કેમ હસવા લાગ્યો હતો."(પોતાના આંશુ સાફ કરતા કરતા. એને વાત આગળ ધપાવી.)
વિકાસ- "ના... અને એજ હું તને પૂછી રાહ્યો છું. કેમ એવું તો શું થયું કે તું આટલો બદલાઈ ગયો ?"
ધવલ- "તો સંભાળ. તું તો અહીંથી જતો રહ્યો હતો. હવે મારી પાસે મારા ઘર અને નોકરી સિવાય બીજું કંઈ ન હતું. હું દરરોજ મારુ કામ કરતો અને થાય તો ક્યારેક ક્યારેક બીજાની મદદ પણ કરી લેતો. આમજ દિવસો વીતી રહ્યા હતા. ત્યાંજ એક દિવસ મારા માટે લગ્નનું માગું આવ્યું. એટલે મારા ઘરવાળાઓ એ મને બોલાવ્યો અને એ વિશે મારે અને મારા ઘરવાળાને વાત થઈ. છોકરી જોવા જવાનું નક્કી થયું.
એક દિવસ સમય નીકળી અમે ત્યાં ગયા. ત્યાં અમે બન્નેએ એકબીજા ને જોયા. અમને બન્નેને એમ કે ઘરવાળા કરે છે સારૂં જ કરતા હશે. એનું ઘર સમાજના જનજાળ કરતા થોડું વધારે આઝાદ અને અમીરવંતુ હતું. આથી એના ઘરમાં બધીજ છૂટ હતી. ભણવામાં, ફરવામાં અને પહેરવામાં પણ. એના ઘરે જ્યારે હું ગયો ત્યારે બહુજ મોટું અને આલીશાન મહેલ જેવું એનું ઘર અને એના અને એના પરિવારને શોભે એવું વાતાવરણ ત્યાં મળી રહે એવું ત્યાં હતું. એના ત્યાં મને કામવાળાબાઈ સીવાય કોઈએ સાડી પહેરેલી દેખાઈ રહી ના હતી. કારણકે કે એમના ત્યાં સાડી પહેરવાનો કોઈ રિવાજ જ ન હતો. મને પેહલા આ જોઈને થોડું આશ્ચર્ય થયું પરંતુ થોડા સમયમાં હું પણ એ વાતાવરણમાં ભળી ગયો. હવે મને કે એને કાંઈ અજુગતું નહતું લાગી રહ્યું.
અમે થોડો સમય એકબીજા સાથે ત્યાં વિતાવ્યો. એને મને જે પૂછવું હતું એ પૂછ્યું અને મારે જે પૂછવું હતું એ મેં પૂછ્યું. અને થોડા સમય પછી અમારા બન્નેના પરિવાર તરફથી અમારા બંનેનાં મોબાઈલ નંબર એકબીજાને આપવામાં આવ્યા. અને ત્યાર પછી અમે બન્ને એકબીજા સાથે ફોન પર વાત કરવાનું ચાલુ કર્યું. અને ધીરેધીરે એકબીજામાં એટલા ઘૂલીમલી ગયા કે જાણે અમારો નાતો પાછલ સાત સાત જન્મનો જ કેમ ના હોય. અમારી વાત આમજ ચાલે જતી હતી. ત્યાં એક દિવસ એના ઘરમાં જે આઝાદી હતી એની વાત એના મોં પર આવી જ ગઈ અને એને મને પૂછી લીધું "ધવલ મારા ઘરમાં બધા ડ્રેશ ઍન્ડ જીન્સ પહેરે છે. તો એ હું તમારા ઘરે પહેરું તો વાંધો નહીં ને ?" આ પ્રશ્નનો ઉત્તર હું આપી શકું એમ ન હતો. આથી મેં એને કહ્યું, "તારે જે પહેરવું હોય એ પહેરજે મને કોઈ વાંધો નથી પણ જ્યાં સુધી અપને ગામડે છીએ ત્યાં સુધી તારે સાડી પહેરવી પડશે."
ત્યારે એને કહ્યુ, "પણ ધવલ મેં ક્યારે પહેરી નથી એન્ડ હું પહેરવા પણ નથી માંગતી. હું જીન્સ અને ટી-શર્ટ પહેરું તો ના ચાલે." ત્યારે એ કઇ પણ પહેરે મને કોઈ વાંધો ન હતો. બસ મને મારા પરિવારની ઇજ્જત ની પડી હતી. આથી મેં એને સમજાવી, "કઈ વાંધો નહીં. તું મમ્મી-પપ્પા સાથે વાત કરી લેજે એ કે તો તારે જે પહેરવું હોય એ પહેરજે."
એટલું કહી મેં વાત ત્યાંથી ટાળી પણ છેલ્લે મેં એને એટલું પૂછેલું, "જો તને એ ના પડશે તો તું મને છોડી તો નહીં દે ને ?" ત્યારે એને મને હસતા-હસતા બઉ નિખાલસતાથી જવાબ આપેલો, "ના પાગલ... તને હું નહીં છોડું, તને ક્યાંય વચ્ચે નહીં લટકવા દઉં." ત્યાંરથી હું એના પર થોડો વધુ વિશ્વાસ કરવા લાગ્યો હતો.
અમારી વાત હવે ધીરેધીરે આગળ વધી રહી હતી અને ત્યાં એક દિવસ એવો આવીજ ગયો કે એના આ પ્રશ્નનો ફાઈનલ જવાબ આપવાનો સમય આવી ગયો. મેં એ સમયે એના દબાણવશ થઈને મેં ઘરે એની આ વાત માટે પૂછી લીધું અને મને ત્યાંથી જે આશા હતી એવોજ જવાબ મળ્યો. મેં એ જવાબ તરત ફોન કરી એને જણાવ્યો. અને હવે એના પાસેથી પણ હું ફાઇનલ જવાબ સાંભળવા માંગતો હતો, કે એ લોકો સાડી પહેરવી પડશે એમ કહે છે તો હવે તું શું કરવા માંગે છે ? આ પ્રશ્ન હું પૂછી તો રહ્યો હતો પણ ત્યારે મને એને પહેલા આપેલો જવાબ પણ યાદ આવી રહ્યો હતો. કે, એ મને નહીં છોડે. તો પણ મેં એને પૂછી લીધું. મારા આ પ્રશ્ન પછી હવે એના અવાજમાં મને શાંતી જણાઈ રહી હતી અને કદાચ હવે એના મુતબિત એની આઝાદી છીનવાઈ રહી હતી. પણ એવું કંઈ ન હતું. બસ વાત તો ઇજ્જતની જ હતી. એનામાં છવાયેલી આ શાંતિ ને જોઈને હું હવે એનો જવાબ સાંભળવા થોડો અંદરથી વ્યાકુળ થઈ ગયો હતો. ત્યારે એને મને ધીમા અવાજે કહ્યું, "ધવલ હું તમને થોડા સમયમાં જવાબ આપું કઈ વાંધો તો નથી ને ?"
પાછો મારોતો એને એજ પ્રશ્ન હતો કે, "તું મને વચ્ચે લટકાવશે તો નહી ને ?"
"ધવલ દેખો હમણાં હું કઈ કહેતી નથી પણ હા તમે મારા તરફથી આઝાદ છો. તમારે બીજે ક્યાંય જોવું હોય તો તમે જોઈ શકો છો." એનો આ જવાબ સાંભળી હું થોડો અચંબાઈ ગયો પણ મને તો ક્યાં કઈ વાંધો હતો એના આ શબ્દોથી કારણકે, એનો જવાબ તો મારા સાથે રેહવાનો "હા" જ હશે એ મને ખબર હતી.
પરંતુ થયું મારા વિચારથી થોડુંક ઉલટું. ઘણો સમય વીતી ગયો અને એક દિવસે એના ઘરેથી મારા પપ્પા પર ફોન આવ્યો, " સૉરી... અમારે સગાઈ નથી કરવી. અમારી ભૂમિકાને ધવલ પસંદ નથી."
આ જ વાક્યો મારા પપ્પા એ મને અને મારા ઘરવાળાને કહ્યા. મને એતો સમજાઈ ગયું હતું. કે વાંક મારો નહીં સાડીનો છે. અને એ સાત જન્મના સાથી બનવાનું વચન આપતુ સાથી આજે મને એ એક સાડી માટે કરી અને મને લટકતું છોડી ગયું.
વાહ રે... ભગવાન વાહહહહ... અને એ સારું પણ થયું કે એ મને છોડી ગઈ નહીં તો જેમ આજે સાડી માટે મારો હાથ છોડ્યો એમ પછીથી કોઈ બીજા માટે પણ એ મને છોડી જાતને. માટે સારું થયું હમણાં જ જતી રહી. અને આ જ કારણથી ત્યાં સાડીનું નામ સાંભળતા હું જોરજોરથી હસવા લાગ્યો. હવે તું સમજ્યો ?"
વિકાસે એના તરફ જોઈ હકારમાં મોં હલાવ્યું. અને એટલું જોઇ ધવલ હસતો હસતો ત્યાંથી ચાલી નીકળ્યો. પણ વિકાસ તો હજી ત્યાં થાંભલાની જેમ સ્થિર થઈ ઉભો હતો અને ધવલને જ જતો જોઈ રહ્યો હતો. ત્યાંજ સામેથી વિકાસને એક અવાજ સંભળાયો
"ઓહો... વિકાસ તું અહીંયા ? ક્યારે આવ્યો ?" વિકાસની નજરો તરત એ અવાજ તરફ લંબાઈ અને એ વ્યક્તિને એ એકજ વારમાં ઓળખી ગયો.
"ઓહ... કિરણ બસ આજેજ આવ્યો. અને આ ધવલ સાથે ગામમાં ફરવા નિકળ્યો હતો. તું બોલ ?" વિકાસે કહ્યું.
આશ્ચર્ય સાથે કિરણે વળતો પશ્ન કર્યો.
"ધવલ સાથે ?"
"હા... કેમ ?" વિકાસે કહ્યું.
"તને કઈ ખબર છે એના વિશે ? તે તું એને લઇ ફરવા નીકળી પડ્યો છે." થોડો ગુસ્સે થતા કિરણે વિકાસને કહ્યું.
"કેમ પણ થયું શું છે ? કહેશે હવે મને." વિકાસે જાણવાની તીવ્ર ઈચ્છા સાથે કિરણને પૂછ્યું.
"જ્યારથી એને પેલી ભૂમિકાએ ના પાડી છે ત્યારથી એનું માનસિક સંતુલન સરખું નથી. એને તો ડૉક્ટરની દવા પણ ચાલે છે. એ ગાંડો થઈ ગયો છે ગાંડો. હવે સંભાળજે એનાથી."
એટલું કહી કિરણ ત્યાંથી ચાલી નીકળ્યો. હવે વિકાસને સમજાઈ ગયું હતું કે, ધવલ કેમ આમ વર્તન કરી રહ્યો હતો અને એના પાસે એ દવા શેની હતી. બસ હવે વિકાસ ત્યાં ઉભો રહી એટલુંજ વિચારી રહ્યો હતો કે,
" વાહ રે... ભગવાન વાહ... શું તારી કરામત એક સાડીના લીધે તે એક હસતાં-રમતાં માણસને પાગલ કરી નાખ્યો."