રોકચેટ દોસ્તી
રોકચેટ દોસ્તી
આજના જમાનામાં મિત્રતા વાસ્તવમાં ઓછીને કાલ્પનિક વધુ જોવા મળી રહી છે. તમારી પાસે બેઠેલા મિત્ર સાથે વાત કરવાની જગ્યા એ તમને સોસિઅલ મીડિયા પર રહેલા મિત્રો એટલે કે ફેસબુક, વહાટ્સએપ અને બીજી ઘણી ડેટિંગ કે મોબાઇલ ચેટ સાઈટ પર વાતો કરવી વધુ ગમે છે. કાલ્પનિક દુનિયામાં તમને કોઈક એવું પણ મળી જાય છે કે જેને તમે ક્યારેય મળ્યા નથી કે ના એના ચ્હેરાને જોયો છે તેમ છતાં એક લાગણીનો સંબંધ બંધાઈ જાય છે.
એક દિવસ લેપટોપમાં પ્રોગ્રામિંગ કરીને કંટાળેલા શાહિદ એ ગૂગલમાં ટોપ ટેન ચેટ સાઈટ શોધી ત્યાં એની નજર એક સાઈટ પર પડી જે પ્રથમ નંબરે આવી રહી હતી. શાહિદ એ ટાઈમપાસ માટે એમાં પોતાનું એક એકાઉન્ટ બનાવ્યું. "રોકચેટ" પર વન-ટૂ-વન ચેટ, ગ્રુપ ચેટ, અલગ અલગ ગેમ્સ અને સાપ્તાહિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. શાહિદને ધીમે ધીમે આ સાપ્તાહિક સ્પર્ધામાં રસ પળવા લાગ્યો. શાહીદ પોતાની નવરાસની પળોમાં "રોકચેટ" પર સમય વિતાવતો.
અહીં એને ક્યારેક સ્પર્ધામાં જીતવાની ખુશી મળતી તો ક્યારેક કોઈ નવું મિત્ર બની જતું અને એની સાથે વાતો કરવામાં સમય વીતી જતો. "રોકચેટ" પર અલગ અલગ દેશના લોકોના એકાઉન્ટ હતા. શાહિદને બીજા દેશની સંસ્કૃતિ જાણવામાં તથા નવા અજાણ્યા મિત્રો બનાવવામાં ખુશી મળતી.
અલગ અલગ દેશોમાં રહેલા લોકોની મનોવૃત્તિ પણ અલગ અલગ હોય છે. જેમકે પાકિસ્તાનમાં રહેલા લોકો હિન્દુસ્તાન વિષે શું વિચારે છે? એ જાણીને પણ શાહિદ ખુશ થતો. હા, લોકોના વિચારોથી કોઈ દેશ કે એની સંસ્કૃતિ વિષે કઈ પણ કેહવું થોડું મુશ્કેલ છે પણ તમે સારા વિચારો અને એમનામાં રહેલી સારી સંસ્કૃતિની ઝલકને અપનાવી શકો.
તમને હરેક વખતે સારી અને સાચી વ્યક્તિ જ સોસિઅલ મીડિયા પર મળે એ જરૂરી નથી. કોઈક વ્યક્તિ ખોટું પણ હોય જેમકે છોકરીના નામે છોકરો એકાઉન્ટ બનાવેને બધાનું આકર્ષણ બને. કેટલાક છોકરાઓ ખાલી છોકરીઓ સાથે ફ્લર્ટ કરવા માટે જ એકાઉન્ટ બનાવે. કોઈક લોકો તો રાજકારણને પ્રસારિત કરવા કે કોઈ ધર્મનો પ્રચાર કરવા બીજાના ધર્મ કે રાજકીય પાર્ટીની નિંદા માટે એકાઉન્ટ બનાવે. કોઈ ધંધાકીય છોકરી (વેસ્યાં) પણ તેના ગ્રાહક વધારવા એકાઉન્ટ બનાવે. આથી જેટલા સોસિઅલ મીડિયાના ફાયદા છે એનાથી વધુ ગેરફાયદા છે પણ એ તમારી પર છે કે તમે એમાંથી શું મેળવો છો.
શાહિદને તો અલગ અલગ દેશની સંસ્કૃતિ, ત્યાંની ખાણીપીણી, ત્યાંના નોકરીના અલગ અલગ સ્ત્રોતો, ત્યાંની ચલણીનોટોની હિન્દુસ્તાન સાથે સરખામણી, ત્યાંની ભાષા, ત્યાંના લોકોની વિચારસરણી અને સારા લોકો સાથે મિત્રતા જ કરવી હતી.
સમય વીતતો ગયોને શાહિદના ઇન્ડોનેશિયા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, ઇજિપ્ત, યુએસએ, કેનેડા, હિન્દુસ્તાન અને બીજા ઘણા દેશોના મિત્રો બન્યા હતા. એમાંથી માત્ર એક ટકા જેટલા જ મિત્રો એના ફેસબુક, વહાટ્સએપ જેવા સોસિઅલ મીડિયા પર સંપર્કમાં આવી શકયા.
"રોકચેટ" પર શાહિદ લગભગ એક વર્ષ વિતાવી ચુક્યો હતો પણ હજી એને કોઈ એવું નહોતું મળ્યું કે જેને એ પોતાનો વાસ્તવિક જીવનનો મિત્ર બનાવી શકે. એને ઘણું નવું જાણવા મળ્યું પણ એના મનમાં એક ઈચ્છા હતી કે એને "રોકચેટ" પર એક મિત્ર મળે જેની સાથે એ હંમેશાં સંપર્કમાં રહે અને એ મિત્ર એના માટે ખુબ જ ખાસ હોય.
"રોકચેટ" પર એકવાર મુસ્લિમ ધર્મ વિષેની સ્પર્ધાનું આયોજન થયું. શાહિદને ખબર ન હતી કે આ સ્પર્ધા એની ચાલી રહેલી ખોજની મંજિલ સુધી પહોંચાડશે. એને સ્પર્ધામાં ખુબ જ સારું પ્રદર્શન કર્યું ને એ જોઈ પરિણામની રાત્રે એને એક સંદેશ આવ્યો. "અસ્સલામું અલયકુમ" એ સંદેશનો જવાબ "વઅલયકુમ સલામ" કહીને શાહિદ એ આપ્યો. એ પછી તરત જેના તરફથી સંદેશ આવ્યો હતો એ વ્યક્તિનું એકાઉન્ટ જોયું. ત્યાં પ્રોફાઇલ પર કોઈ ઇસ્લામિક છબી હતી અને નામ કાયનાત હતું. શાહિદ એ એના એકાઉન્ટને સારી રીતે જોયું પણ સોસિઅલ મીડિયા પર કોનું એકાઉન્ટ સાચું હશે એ વિશ્વાસ કરતા ઘણો સમય લાગી જાય છે.
દિવસો વીતતા ગયા અને શાહિદ અને કાયનાત વચ્ચે વાતોનો દૌર ચાલુ થયો. કાયનાત હિન્દીભાષી હોવાથી વાતો હિન્દીમાં થઇ પણ હું અહીં એને ગુજરાતી વર્ણવ્યું છું.
"કાયનાત તમે ક્યાંથી છો?"
"ઉત્તરપ્રદેશનું એક નાનકડું ગામ મારુ વતન છે. પણ હાલ હું પરિવાર સાથે કલકત્તામાં રહું છું." કાયનાતે જવાબ આપ્યો.
"તમેં અહીં રોકચેટ પર છો? અને તમારા એકાઉન્ટને જોઈને લાગે છે કે તમે પણ લગભગ છ માસથી અહીં સક્રિય સભ્ય છો?"
"હા હું અહીં છ માસથી સક્રિય છું. મને નવા મિત્રો બનાવવાનો ખૂબ જ શોખ છે. પણ હજી કોઈ એવું નથી મળ્યું જેને હું મિત્ર માની શકું. તમે કેમ છો અહીં?" કાયનાતે વળતો પ્રશ્ન કર્યો.
"હું પણ તમારી જેમ અહીં નવા મિત્રો બનાવવા જ આવ્યો છું પણ તમારી જેમ મને પણ હજી કોઈ મળ્યું નથી. મને એવું લાગે છે કે તમે મારા સારા મિત્ર બનશો."
"હા હું કોશિશ કરીશ પણ તમે મારી સાથે ફ્લર્ટ કરવા કે ખરાબ વાતો કરવા માટે મિત્ર બનવાના હોવ તો પહેલાથી જ કહી દો. કેમ કે મને આવા લોકો પસંદ નથી. અને અહીં અત્યાર સુધીમાં લગભગ ૮૦% આવા જ લોકો મળ્યા છે." કાયનાત એ થોડી ચિંતા સાથે જવાબ આપ્યો.
"ના કાયનાત તમે એ બાબતે બે ફિકર રહો હું તમને ક્યારેય આ બાબતે હેરાન નહીં કરું. મેં અનુભવ્યું છે કે સારી છોકરીઓ આ માટે જ આ સાઈટ પર નઈ આવતી હોય. તમે મારા પર વિશ્વાસ મૂકી શકો. તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા હશો નઈ?"
"હા શાહિદ હું બી.એસ.સી.ના પ્રથમ વર્ષમાં છું. પણ મારો ભણવામાં બહુ રસ નથી. મને તો ટી.વી., રમત-ગમત, અલગ અલગ જગ્યાએ ફરવા જવું એ જ ગમે પણ મમ્મી કહે છે એટલે ભણી લઉ છું." હસતા હસતા કાયનાતે પ્રત્યુત્તર આપ્યો.
"મને પણ ભણવાનો શોખ નઈ પણ નોકરી મળી જાય એના માટે જ ભણું છું. સારું તો એ કહો કોણ કોણ છે તમારા પરિવારમાં?"
"શાહિદ સાચું કહું તો આપણે આજ જ વાતો ચાલુ કરી છે અને હજી તમે કેવા છો એ પણ મને ખબર નથી તો હું મારા પરિવાર વિષે તમને નઈ જણાવી શકું. મને આ માટે માફ કરો." માફીના ભાવ સાથે કાયનાતે જવાબ આપ્યો.
"સારું કાયનાત વાંધો નઈ તમને ઠીક લાગે ત્યારે આપણે આ વાત આગળ વધારશું. તો ચાલો હવે મને નીંદર આવી રહી છે, ગુડ નાઈટ."
"ગુડ નાઈટ નઈ અલ્લાહ હાફિઝ કહેવાનું, ચાલો અલ્લાહ હાફિઝ દુઆમાં યાદ રાખજો." કાયનાતે વળતો જવાબ આપ્યો.
"સારું કાયનાત હવે હંમેશા અલ્લાહ હાફિઝ કહીશ."
સમય વીતતો ગયો ને કાયનાત શાહિદને ઇસ્લામિક હદીસ વિષે ઘણું શિખવાડતી ગઈ. હવે કાયનાતને શાહિદ પર વિશ્વાસ બેસી ગયો હતો. એટલે એને એના પરિવાર વિષે તથા એની બીજી ઘણી વાતો શાહિદ સાથે કરી. શાહિદે પણ એના વિષે બધું જ કહ્યું.
શાહિદ ખૂબ જ ખુશ હતો કે રોકચેટ એ એને એક સારી મિત્ર આપી દીધી હતી. કાયનાતનું પણ રોકચેટ પર આવવું સાકાર થયું એવું લાગી રહ્યું હતું. પણ કાયનાત અને શાહિદે એક બીજાના ચેહરા હજી જોયા નહોતા. એમની વચ્ચે ચાલી રહેલા સંવાદમાં બંને એ એક બીજાની છબી જોવાની ઈચ્છા વ્યક્ત નહોતી કરી. તેમ છતાં એ બંને ખૂબ જ સારા મિત્ર બની ગયા હતા.
એક વર્ષ આજ રીતે વાતોમાં વીતી ગયું. હવે કાયનાત રોકચેટ પરથી પોતાનું એકાઉન્ટ હટાવાની હતી. એ પહેલાં એને શાહિદને પોતાના ફેસબુક એકાઉન્ટમાં જોડાવા વિનંતી કરી. શાહિદે પણ એની વિનંતીને સ્વીકાર કરીને ફેસબુકમાં એનો સંપર્ક કર્યો. ફેસબુક પર બંને સંપર્કમાં આવ્યા પછી શાહિદે પણ રોકચેટ એકાઉન્ટ બંધ કર્યું ને કાયનાત સાથે ફેસબુકમાં વાતો થવા લાગી.
આ વાતો દરમ્યાન કાયનાતે શાહિદને એની છબી બતાવી. શાહિદે કાયનાતને એક વર્ષના આ સંબંધ પછી જોઈ. કાળા કલરની કુર્તી, કાનમાં નાજુક યરીંગ, ગળામાં એક પાતળી પેન્ડલ વાળી ચેન, અને માથાના ખુલ્લા વાળ તથા ફેર સ્કિન સાથે એનો ચેહરો ખુબ જ સુંદર લાગી રહ્યો હતો. એના ફોટોને જોઈને લાગતું નહોતું કે એને કોઈ મેકઅપનો શોખ હશે. પણ એની આ સાદગીમાં જ એ ખુબ જ સુંદર લાગતી હતી.
શાહિદે એની છબીને જોઈને ખૂબ જ વખાણ કર્યા પણ એણે અલ્લાહનો આભાર વ્યક્ત કરીને શાહિદને કહ્યું કે બધાને અલ્લાહ એ જ બનાવ્યા છે પણ તમારું મન જેટલું સારું રાખો એટલા જ તમે બીજાને ગમો. હું ખુશ છું કે તમે મારા મિત્ર બન્યા.
શાહિદે પણ ખુદાનો આભાર માન્યો અને કાયનાત સાથે હંમેશા સંપર્કમાં રહેવાનું પ્રોમિસ કર્યું. જીવનના દરેક તહેવારો, અવનવા પ્રસંગો, એક બીજાના ફેમિલીની વાતો અને ઘણું એકબીજા સાથે આપ-લે કરતા રહ્યા.
એટલે જ કેહવાય છેને કુદરત ઇચ્છે એને તમારો મિત્ર બનાવી દે. ચાહે એ દુનિયાના કોઈપણ ખૂણામાં કેમ ન હોય. ના શાહિદ ક્યારેય કલકત્તા ગયો હશે ના કાયનાત ક્યારેય અમદાવાદ આવી હશે. પણ તેમ છતાં એ બંને એટલા સારા મિત્રો બની ગયા જે કદાચ રોજ મળનાર પણ નઈ બની શક્યા હોય.
"તેરે જૈસા યાર કહા... કહા ઐસા યારાના..
યાદ કારેગી દુનિયા... તેરા મેરા અફસાના.."