રાજુ લુહાર અને વીનું વાંદરો
રાજુ લુહાર અને વીનું વાંદરો
ઘણા વરસો પહેલાની આ વાત છે. આપણું જ એક રાજ્ય ઓરિસ્સા. તેનો જિલ્લો બહેરામપુરા. આ જીલ્લાનું એક ગામ હતું. આ ગામમાં અનેક લોકો રહેતા હતા. આજ ગામમાં એક રાજુ નામનો માણસ રહેતો હતો. આ રાજુ લુહાર જાતિનો હતો. તે લુહારી કામ કરતો હતો. રાજુ ખુબ પ્રમાણિક માણસ હતો. તે પોતાનું કામ ખુબ વ્યાજબી ભાવથી અને ઈમાનદારીથી કરતો હતો. તેના સારા સ્વભાવને લીધે ગામના બધા જ લોકો રાજુ પાસે જ પોતાનું કામ કરાવવા આવતા હતા.
હવે એક દિવસની વાત છે. ઉનાળો ચાલી રહ્યો હતો. આકાશમાંથી અગ્નિ વરસી રહ્યો હતો. તે પોતાના કામમાં વ્યસ્ત હતો. એક વાંદરો રાજુની દુકાન આગળ આવીને પડ્યો. આ વાંદરો ઘાયલ થયેલો હતો. અને તે ખુબ થાકી પણ ગયો હતો. ગરમીને લીધે પરસેવો પરસેવો થઇ ગયો હતો. રજુ તરત જ દોડીને વાંદરા પાસે ગયો. તે વાંદરાને પોતાની દુકાન લઇ આવ્યો. હાથ પંખા વડે તેને થોડો પવન નાખ્યો. પાણી પાયું અને તેના માથા પર પણ થોડું પાણી રેડ્યું.
આમ કરવાથી રાહત થઇ. તે થોડો ભાનમાં આવ્યો. પણ હજી પણ તેનામાં અશક્તિ હતી. રાજુએ એ વાંદરાને આખો દિવસ પોતાની પાસે જ રાખ્યો. એમ કરતા રાત પડી. રાજુને ઘરે જવાનો સમય થયો. પણ આ વાંદરાને શું કરવું ? એટલે તે વાંદરાને પોતાની સાથે જ પોતાના ઘરે લઇ ગયો. આમ કરતા કરતા વાંદરો તો રાજુનો મિત્ર બની ગયો. તે રોજ તેની સાથે તેની દુકાન આવે. આખો દિવસ દુકાનમાં જ બેસે. અને રાત પડે એટલે સાથે જાય. આમ બન્ને મિત્ર બની ગયા. રાજુએ તેનું નામ વીનું રાખ્યું.
હવે એક
દિવસ રાજુ દુકાન પર કામ કરતો હતો. ત્યારે એક પોલીસની ગાડી રાજુની દુકાને આવી. તેને રાજુને બહાર બોલાવ્યો અને કહ્યું, ‘આ વાંદરાને કેમ અહી રાખ્યો છે ?’ ત્યારે રાજુએ કહ્યું, ‘સાહેબ મેં એને પકડ્યો નથી. પણ એ જાતે જ અહી આવીને મારી સાથે રહે છે.’ ત્યારે પોલીસવાળા એ કહ્યું, ‘જનાવરો પાસે કામ કરાવવું ગુનો છે. તું આ વાંદરાને છોડી મુક નહીતર અમારે તારી દરપકડ કરવી પડશે.’ આ સાંભળી રજુ તો ચિંતામાં પડી ગયો. કેમેકે હવે તો તેને પણ વીનું વાંદરા વગર ફાવતું નહતું. પણ શું થાય બીજો કોઈ રસ્તો પણ હતો.
એ દિવસે રાજુ સાંજે ઘરે ગયો. અને વાંદરાને જંગલમાં મૂકી આવવાનું નક્કી કર્યું. તે સાંજે જમીને પરવારી ગયો. પછી સાયકલ લઈને તૈયાર થયો. વીનું વાંદરો પણ રોજની જેમ રાજુની સાયકલ પર બેસી ગયો. રાજુ સાયકલ જંગલ તરફ દોડાવી ગયો. છેક દૂર સુધી ગીચ જંગલમાં જઈ સાયકલ ઉભી રાખી. અને વીનું વાંદરાને કહ્યું, ‘દોસ્ત તારે હવે અહી જ રહેવું પડશે. લોકો તને મારી સાથે નહિ રહેવા દે.’ આમ રજુ અને વીનું વાંદરો ઉભા હતા. ત્યાં અચાનક બીજા પાંચ સાત વાંદરા ત્યાં આવી ગયા. એ બધા વિનુને જોઇને કુદાકુદ કરવા લાગ્યા. વીનું પણ તેમને જોઇને ખુશ થઇ ગયો.
રાજુ તરત જ સમજી ગયો કે આ વાંદરા એ વિનુનો પરિવાર હતો. ઘણા સમય પછી પોતાનો ખોવાયેલો સાથી પાછો આવવાથી બધા વાંદરા ખુશ હતા. હવે રાજુને વિનુની ચિંતા ન હતી. કેમકે વિનુને તેને ખોવાયેલો પરિવાર મળી ગયો હતો. રાજુ આનંદના આંસુ સાથે ઘરે પાછો આવ્યો.