પ્રતિક્ષા
પ્રતિક્ષા


પ્રતિક્ષાનું જીવન તેના નામ મુજબ જ હતું, “પ્રતિક્ષા ભરેલું” રાહ જોતું, પ્રશ્ન થાય કોની રાહ? અને શા માટે? આ પ્રશ્નોના જવાબ કદાચ તેના જીવનમાંથી જ મળવાના છે, આપણે અને સાથે પ્રતિક્ષાને પણ.
પ્રતિક્ષા અને સંકેત બન્ને પતિ અને પત્ની એક બીજાને ખૂબ જ પ્રેમ કરનાર હોવા છતાં ક્યાંક પ્રતિક્ષાના મનમાં હંમેશાં એક ફરિયાદ રહેતી તેના પતિ સંકેતને લઈને કે તેને તે સમય નથી આપતો. તે કાયમ પોતાના ઓફિસના કામમાં પરોવાયેલો રહે છે, પ્રતિક્ષા જ્યારે પણ બહાર જવાની કે પોતાની સાથે થોડો સમય વિતાવાની વાત કરે ત્યારે ત્યારે સંકેત જવાબમાં એક જ વસ્તુ રજૂ કરતો “મને ધ્યાન છે અને આપણે બન્ને ચોક્કસ ક્યાંક ફરવા જશું. હો..” અને આમ જ, આવાજ જવાબો સાંભળી એ નિરાશ બની જતી પ્રતિક્ષાની “પ્રતિક્ષા” લંબાતી જતી અને બીજીતરફ સંકેત પણ ઈચ્છતો તો કે પોતે પ્રતિક્ષા સાથે સમય વિતાવે, પરંતુ તેના કામના કલાકોમાં એટલો પરોવાયેલો રહેતો કે, તે ઈચ્છે તો પણ સમય ન આપી શકતો. ન પ્રતિક્ષાને અને ન પોતાના પરિવારને ન મિત્ર વર્તુળને.
મનથી નિરાશ પ્રતિક્ષા બાહ્ય પોતાનાં સ્વભાવ મુજબ જ હમેંશા હસતી રહેતી. કોઈક કારણસર સંકેત થોડીક વાર પણ જો તેની સાથે રહે તો, તો તે પોતાની જાતને ભાગ્યશાળી માનતી પણ મનમાં ક્યાંક હજુ પણએ નિરાશ પ્રતિક્ષાતો જોડે જ હતી. અને તેથી જ આવી જ, આવા જ રોજબરોજની ઘટમાળ પસાર થતી અને પ્રતિક્ષાએ જાણે એ પ્રતિક્ષાભર્યા જીવનને અને સંકેતના એ જવાબોને સ્વીકારીને સમય મુજબ આગળ વધવા લાગી.
ધીમે-ધીમે તેણીએ સંકેતને પ્રશ્નો પૂછવાના અને બહાર ન લઇ જવાની ફરિયાદો કરવાની ઘણી ઓછી કરી નાખી. સંકેત અને તેના પરિવારના સભ્યોનો સમય સાચવવો એ હવે તેનો નિત્યક્રમ બની ગયો હતો. કેમ કે, તે મનના કોઈક ખૂણે સમજતી કે સંકેત તેને તેની સમય વ્યસ્તતાને કારણે સમય આપી નથી શકતો અને બીજીતરફ ક્યાંક ને ક્યાંક હંમેશાં સંકેતના મનમાં પણ એ જ વિચારો ચાલતા કે કઈ રીતે તે તેની પ્રતિક્ષાને ‘પ્રતિક્ષા’ ન કરાવે કાયમ જે જવાબ આપતો કે ‘મને ધ્યાન છે.’ એ ધ્યાનનો ખરેખર અંત આવે તેની પણ તે ક્યાંક કોશિશ કરતો, પ્રયત્ન કરતો. ઘરે આવે ત્યારે તે પ્રતિક્ષાનો હરહંમેશ હસતો ચહેરો જોતો અને થાક ઉતરી જતો. આમ, બન્ને પ્રતિક્ષા સંકેતનો સમય સાચવીને ખુશ રહેવા લાગી અને થાકેલો સંકેત તેના હસતા ચહેરાને જોઈ મનમાં ખુશ થતો, પરંતુ
સંકેતના બીજી તરફ પ્રયત્નો તો ચાલુ જ હતા, પ્રતિક્ષા સાથે થોડો સમય વિતાવે. એવામાં, તેના તે છૂપા પ્રયત્નો ફળ્યા કૌટુંબિક કારણસર બન્ને ને બહારગામ જવાનું થયું અને પ્રસંગ બે દિવસનો હતો. પ્રતિક્ષાએ સંકેતને બે દિવસ રજા ઓફિસમાંથી મેળવી લેવાનું કહ્યું, પરંતુ સંકેતને રજા મળવી મુશ્કેલ હતી કોઈ કારણસર, પરંતુ તેણે પ્રયત્ન કરીશ એમ પ્રતિક્ષાને જણાવ્યું. પરંતુ સંકેતના મનમાં અલગ જ વિચારો દોડતા હતા અને એ કોઈ એવી તક જોતો હતો કે, પ્રસંગે પણ જવાય અને પ્રતિક્ષા સાથે ફરી અને તે તેને પણ ખુશ કરી શકે. બસ, કહેવાય છે ને કે, ‘મનથી જે માંગો તે મળે જ’ અને સંકેતે બે દિવસને બદલે ત્રણ દિવસની રજા લીધી. ઘરે આવીને પ્રતિક્ષાને જાણ કરી થોડીવાર તો પ્રતિક્ષા જોઈ જ રહી કે, આ તેનો જ સંકેત છેને? પરંતુ, સંકેતે શાંતિથી બધા જ પ્રકારના પ્રયત્નો જણાવ્યા ત્યારે પ્રતિક્ષાની ખુશીનો પાર ન રહ્યો મનમાં ઉછેરતી નિરાશાને સંકેતનાં છૂપા પ્રયત્નોએ ભૂંસી નાખી. અને એની આ ખુશી સંકેતને પ્રતિક્ષાની આંખોમાં બરોબર દેખાઈ રહી હતી. સંકેત સમજી ગયો હતો કે તેની પ્રતિક્ષા ખુશ છે. તેમ છતાં સંકેત પોતાના શાંત સ્વભાવ પ્રમાણે શાંતિથી પૂછ્યું, પ્રતિક્ષા તું ખુશ છો ને? મારી જોડે ચાલીશને ? પ્રતિક્ષાએ જવાબમાં મોડું કર્યા વગર જ સંકેતને ‘હા’ પાડી. બસ અને ત્રણ દિવસ સંકેત અને પ્રતિક્ષાએ સાથે અને સાથે ખૂબ જ ખુશીપૂર્વક વિતાવ્યા.
આમ, પ્રતિક્ષાના જીવનમાં ‘પ્રતિક્ષા’નો અંત તે વખતે આવ્યો અને સાથે સંકેતના ‘મને ધ્યાન છે’ એને ખરેખર ધ્યાન હતું જ એનો પણ.
આવાત હતી, પ્રતિક્ષા અને સંકેતનાં જીવનની કે, બન્ને નામ પ્રમાણે સ્વભાવ ધરાવનાર પ્રતિક્ષા એ પતિ સંકેત સાથે થોડો સમય વિતાવા માંગતી અને કદાચ તેથી જ એવા સમયની રાહ જોતી હંમેશા અને બીજી બાજુ પતિસંકેત કે જે, સમયનો સમાનર્થી ગણાય. તે ને ચોક્કસ ધ્યાન હતું જ બધી બાબતોનું અને માટે એ શાંત અને છુપીરીતે પ્રયત્નો કરતો પોતાના લગ્નજીવન ને સાચવવાનો અને સમજવાનો. અને સાચો સમય આવતાં તથા તક મળતાં સંકેતે બધી લાગણીઓ, પ્રયત્નો, પ્રતિક્ષા સામે લાવીને રજૂ કરી દીધા.