પ્રેરણાની મૂરત મમ્મી
પ્રેરણાની મૂરત મમ્મી


પહેલી ગુરુ જીવનમાં હોય તો તે મમ્મી છે, હસતી, નાના સાથે નાની અને મોટાં સાથે મોટી, એણે કદી હાર નથી માની, નથી કદી હિમ્મત હારી, કુંટુંબ એટલું મોટું કે ના પૂછો વાત, ઘરમાં સસરા, કાકાજી -કાકીજી, જેઠ-જેઠાણી, દિયર અને સાથે નાના ટાબરિયાં તો ખરાં ! ઉપરાંત વડીલોને કારણે અવર-જવર તો સવાર અને સાંજ રહેતી તો વળી, ઘણીવાર બીજાને ત્યાં પણ વ્હેવાર સાચવવા જવાનું થતું તથા સાંજે વડીલોનાં સમયને સાચવીને રસોઈ પણ કરવાની, સાથે મોટાઓની લાજ પણ કાઢવાની. આ બધું જ....લખતાં, વિચારતાં કે સાંભળતા ઘણું બધું લાગે જાણે કોઈ હમણાં કહેશે..."વચમાં શ્વાસ લઇ લે " પરંતુ મમ્મી !......મમ્મીનું આ બધું તો દૈનિક જીવન હતું અને છે.
આ ઉપરોક્ત બાબતનો અહેસાસ થવો એ જ સાચું જીવન દૈનિક જીવનનો ક્રમ હોય તેમ તે મમ્મી કરતી જતી હતી, નાહ્યા વગર રસોડામાં જવું નહિ તે તેનો નિયમ અને નાહ્યા વગર કોઈને અંદર પ્રવેશ નહિ તે પણ નિયમ. બસ એમ જ ચાલી રહ્યું હતું તેવામાં કાકીજી એ સવારનાં જ યાદ અપાવ્યું કે, આજે અમાસ છે અને તારા નાના નણંદ અને તેનો પૂરો પરિવાર બપોરે જમવા આવશે, હો! મમ્મીએ "હા" પાડી અને પાછી દૈનિક જીવનમાં પરોવાઈ ગઈ હતી. સસરાનો સમય સાચવ્યો, પતિનો સાચવ્યો આ બધું કરતાં -કરતાં તેના મનમાં બપોરનાં ભોજન માટે પણ શું-શું બનાવવું એ પણ મથામણ ચાલતી હતી. અને બીજી બાજુ જેઠાણીએ પણ મથામણો કરતાં હતા બપોરના ભોજનની થોડીવાર પછી નક્કી થયું કે, શ્રીખંડ, પૂરી-શાક, રાયતું, તુવરની દાળ, ભજીયાં સાથે બટેટા વડાં, ચટણી, કચુમ્બર, છાશ-પાપડ વગેરે બનાવવાં તથા આ બધું જ બનાવવા તેઓ કામે લાગી પણ ગયા. નાના નણંદને ત્યાં પરિવાર અને મૂળ કુંટુંબ સહીત લગભગ બારથી પંદર વ્યક્તિનું જમણ તૈયાર કરવાનું હતું. કોઈ જ જાત-પ્રકારનાં મુખભાવ વિના જાણે આ કામ પણ દરરોજનું હોય તેમ તેઓ લાગી ગયા અને વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ, અનુભવ સુજ-બુજનાં ગણિત સાથે તે સામેની દ્રષ્ટીએ દેખાતું અઘરું પેપર પસાર કર્યું જ હતું કે, ત્યાં પુરા પરિવાર સાથે નાના નણંદ આવી પહોચ્યા. આવકારનું કાર્ય, વિવેકપૂર્વકની વાતો, મોટાંઓને પ્રથમ જમાડવાનું કાર્ય શરુ થયું. કોઈએ પણ જાણવાની કોશિશ ના કરી કે, ખરેખર રસોડાંમાં બધું બની ગયું છે કે, નહિ ? પરંતુ આ ઉતાવળિયા માહોલમાં પણ મમ્મીએ કાકીજીનાં હુકુમનો હસ્તે મોઢે
સ્વીકાર કર્યો અને બધી જ રસોઈ તૈયાર છે, "હા" વડીલોને ત્યારબાદ આવેલ મહેમાનોને જમવા બેસાડો એમ કહ્યું.
બધાં જ ક્રમશ: બેસવા લાગ્યા અને રસોઈનાં વખાણ કરવા લાગ્યા. પુરુષ વર્ગ પ્રથમ અને સ્ત્રી વર્ગ પછી જમ્યો. પરંતુ મમ્મી નાં જમી, ભૂખી હતી. એ આટલા મોટા પરિવારનાં એક માત્ર સભ્યને જાણ હતી. એ સભ્ય એટલે તેની દીકરી, તેના પતિને પણ ખ્યાલ નહિ કે, તેની પત્ની ભૂખી છે કે, નહિ, મોટા પરિવારની મર્યાદા હોય છે ઘણીવાર કે, સંતાનો તેના માતા-પિતાને વડીલોની હાજરીમાં બોલાવી શકે, એટલે એ દીકરી માત્રને માત્ર જોઈ શકતી હતી કે તેની મમ્મી જમી નથી પરંતુ મોટાઓને કારણે તે બોલી નહિ, કારણ પૂછી શકી નહિ.
તમામ આવેલ લોકો વાહ ! વાહ ! કહીને સમય થતાં પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું, બીજી બાજુ ઘરના પણ દરેક સભ્ય પોત પોતાના કામમાં પરોવાઈ ગયા હતા, મમ્મી પણ બાકી ના કામમાં લાગી. તેને પણ કદાચ અહેસાસ નો'તો કે, તે ભૂખી છે, કાં'તો કરવો નો'તો અહેસાસ. પણ દીકરી આ બધી ઘટમાળ જોતી હતી. અને મનમાં રહેલા પ્રશ્નોનો પણ ઉકેલ લાવવો હતો. અને ચિંતા પણ હતી કે મમ્મી જમી કેમ નથી ?
દીકરી એક તકમાં હતી, મોકાની શોધમાં હતી કે વાત થાય મમ્મીથી, જે મળતાં જ તેણે પૂછ્યું, મમ્મી ! હું સવારથી જોઉં છું, કામ કર્યા કરે છે, પણ અનાજ નો એક પણ કણ મોમાં નાખ્યા વગર ? કામ? બધાં જ જમ્યા પરંતુ તું જ કેમ જમી નહિ ? દીકરીનાં તમામ પ્રશ્નો શાંતિથી સાંભળ્યા અંને પછી શાંત સ્વરે બોલી "મને કાલ રાતથી તાવ આવે છે, કઈ જ પેટમાં રહેતું નથી. અને ફઈ, કાકી જોડે ભોજન લેત તો ખ્યાલ આવી જાત કે, મારી તબિયત નથી અને આવેલ મહેમાન, દાદા-કાકા- બધાંનું એકલે હાથે "બા અને કાકી" પર આવી જાત. જે યોગ્ય નથી. બસ.....એ જ કારણે હું જમી નહિ.
મમ્મીનો જવાબ સાંભળીને હું ચુપ થઇ ગઈ અને વિચારતી રહી કે, શું ખરેખર અસ્વસ્થ પરિસ્થિતિમાં પણ મમ્મીએ પરિવારનું વિચાર્યું અને એ પણ સાથે કહ્યું કે, "સહનશક્તિ" કેળવવી જોઈએ સ્ત્રીએ તથા "દરેક દિવસ એક અનુભવ" તેને હસતાં પસાર કરો. કહી આરામને પાછી ચોકડી આપી પરોવાઈ ગઈ સાંજની રસોઈમાં અને હું ત્યાં જ તેને અને તેની અંદર રહેલી શક્તિને જોતી રહી.
આજના તનાવ ભર્યા જીવનમાં આ જ ઉપરોક્ત વાક્યોએ મને પ્રેરણા પૂરી પાડી છે હંમેશા.