પ્રકૃતિની ઇદી
પ્રકૃતિની ઇદી


ગામના સરપંચ પસા પટેલે સમજુ કાકીને કહ્યું, 'આ મહિનાના દૂધના વારાના પૈસા અબ્બાસભાઇ પાસેથી નથી લેવાના, બિચારા આખો મહિનો રોઝા રાખે અને ખુદાની ઇબાદત કરે, આપણે એક મહિનો દૂધના પૈસા ન લઇએ તો શું ફેર પડે ?'
આ વાતો ચાલતી હતી ત્યાં મસ્જિદમાંથી અઝાન સંભળાઇ અને મૌલવીએ કાલે ઇદ હોવાનું એલાન કર્યું. સવારની નમાઝ ઘરમાંજ અદા કરીને અબ્બાસભાઇ પોતાના પૌત્ર સાથે પસા પટેલને ઘરે આવ્યા અને ઇદની મુબારકબાદી પાઠવી, કોરોનાને કારણે આ વખતે કુદરતનો કોપ ઉતર્યો છે એવું કહી આકાશમાં જોયું,
"ધરતી પર વધતા પાપનો બોજ હળવો કરવા કુદરત આવા રોગ ઉભા કરે છે. પ્રકૃતિનું ધનોત પનોત કાઢીને પણ હજુ માનવજાત સુધરતી નથી."
પર્યાવરણનો દાટ વાળીને જંગલોનો નાશ કરતા આ માણસો અચકાતા નથી. સાચી વાત છે તમારી ઝાડ વાવવા અને ઉછેરવાનું તો માણસો ભુલતા જ જાય છે" પસા પટેલે કહ્યું.
તરતજ અબ્બાસભાઇ ઉભા થયા અને પસાપટેલના હાથમાં ઇદી નિમિત્તે રોકડા રૂપિયા અગિયાર હજાર મુકતા બોલ્યા, આ રૂપિયા તમારા હાથે પંચાયત ભવનમાં વૃક્ષારોપણ થાય ત્યારે તેમાં વાપરજો, આખરે પ્રકૃતિ પ્રત્યે આપણી પણ કોઇ ફરજ છે.