વરસાદી યાદો
વરસાદી યાદો
જૂન મહિના ના વરસાદી દિવસો હતા એ. ક્યારેક અમી છાંટણા થતા, તો ક્યારેક કોરું ધાકોર. હું હજી છત્રી લઈ ને જતી નહોતી શાળા એ. વળી માળીયામાંથી રેનકોટ હજી ઉતરવાનું મુહુર્ત આવ્યું નહોતું.
આવીજ વરસાદી સવારે હું એક્ટિવા ચાલુ કરવા મથી પણ એને આજે મને સાથ નહોતો આપવો. તેથી એ રિસાઈ ગઈ. હું રીક્ષામાં જવાનું નક્કી કરી મુખ્ય રસ્તા પર ગઈ, હજી રીક્ષાની રાહ જોતી હતી ત્યાં તો મેઘરાજા વાદળો ની સવારી લઇ આવી પહોંચ્યા. સદનસીબે રીક્ષા મળી પરંતુ પેહલેથીજ મુસાફરો ખચા ખચ ભરેલા હોય મને માંડ જગ્યા મળી.
શાળા એ પહોંચતા અડધી પલળી ગઈ. શાળા પહોંચી ત્યાં તો કેટલાય બાળ ગોપાળ દોડ્યા અરે બેન પલળી ગયા. વળી કોઈ છત્રી લઈ દોડ્યા, તો કેટલાકે પાકીટ લઇ લીધું, તો કેટલીક લાડકવાયી ઓઢણી વડે મને કોરી કરવા લાગી.
મે કીધુ મારે કપડા બદલવા પડશે ત્યાં તો બે ત્રણ બાળ ગોપાળ ઘરે દોડ્યા. થોડીવારમાં તો એમની માં અને દીદીઓના ભાત ભાતના ડ્રેસનો ખડકલો થઈ ગયો.
તો આ હતો મારા બાળકોનો મારા પ્રત્યે નો પ્રેમ જે રજૂ કરતાં મને ગર્વ થાય છે.