પ્રામાણિકતા
પ્રામાણિકતા
રોજની જેમ અગ્રવાલ સાહેબે બંગલામાં ગાડી પાર્ક કરતા પહેલા હોર્ન માર્યું. હાથમાં બ્રિફકેસ લઈ બદામી રંગના સૂટ પહેરેલા સાહેબ રાજ્ય સરકાર લખેલી ગાડીમાંથી બહાર નીકળી ડ્રોઈંગરૂમમાં પ્રવેશ્યા. સાહેબની યુવાન પત્ની બિનીતા ત્યારે અડતાલીસ ઇંચના ટીવીમાં કોઈ સીરીયલ જોવામાં મશગુલ હતી. સાહેબની નજર બીનીતાને ઓળંગીને કોર્નર ટીપોય પર ગ્રીન લેબલની ખાલી થયેલી બોટલમાં ઉગાડેલા મની પ્લાન્ટ પર ગઈ. લીલોછમ જ છે એમ જાણી ખુશ થતા બેડરૂમમાં ગયા.
બિનીતાએ રસોડામાં કામ કરતી ગીતાને બુમ પાડી સાહેબને પાણી આપવાનું ફરમાન કર્યું. ટ્રેમાં પાણીનો ગ્લાસ લઈ ગીતા બેડરૂમમાં ગઈ એટલે સાહેબની તરસી નજર બે વરસ પહેલા ચેન્નઈથી બિનીતા માટે લાવેલા કાંજીવરમના ડ્રેસ પહેરેલી ગીતા ઉપર પડી. ગીતા દુપટ્ટો સરખો કરતી નીચા મોઢે ટેબલ પર ગ્લાસ મૂકી રસોડામાં જાય એ પહેલા સાહેબે ખિસ્સામાંથી મૂવીની બે ટીકીટો કાઢી બિનીતાને આપવા માટે ગીતાના હાથમાં મૂકી.
ટીકીટો તો સાડા સાતની જ મળી છે એ જાણી બિનીતાએ રસોડામાં રહેલી ગીતાને બુમ પાડીને 'જમવાનું તૈયાર છે ને?' એમ પૂછી લીધું. કારણકે આજે તો સાહેબને ભાવતું કોર્ન-પનીરની સબ્જી બનાવવાનું કીધું હતું. બરાબર એ વખતે ગીતા ઘેર જતી વખતે શાકમાર્કેટની બહાર ઢગલીમાં વેચાતું કયું શાક ઘેર લઈ જઈશ તેમ વિચારતી હતી.
બિનીતાએ મોબાઇલમાં જોયું કોઈક મેસેજ વાંચ્યો એટલે જ એના ચહેરા પર સ્મિત આવ્યું. એણે ડાઈનીંગ ટેબલ પર મુકેલા બાઉલ વ્યવસ્થિત ગોઠવવા માંડ્યા. સાહેબ શાવર લેવા ગયા છે એ જાણી ગીતા બેડરૂમમાં ખાલી થયેલો ગ્લાસ લેવા ગઈ. ત્યાં ટીપોય નીચે કંઈક ચમકતું પડેલું હતું જોયું તો સાહેબની વીંટી હતી. એ વીંટી લઈને રસોડા સુંધી આવી એ અરસામાં એણે ફલેશબેકમાં છેલ્લા ઘણા વરસોની ગરીબીની સફર કરી લીધી.
વોશ બેસિનના અરીસા સામું ઉભા રહી લીપ્સ્ટીક લગાવેલા હોઠ વાંકાચૂંકા કરતી બિનીતા સમક્ષ હાથ લંબાવી ગીતા બોલી,"લો મેડમ આ સાહેબની વીંટી.... પેલા રૂમમાં નીચે પડેલી હતી."
બિનીતાને વીંટી હાથમાં લીધી ત્યારે પહેલો વિચાર તો એ આવ્યો કે લગ્નના આઠ વરસમાં આ અસલી ડાયમંડની વીંટી એને ‘ઢીલી’ પડવા માંડી છે.
બીજો વિચાર એનો ગીતાની સાફ નિયત ઉપર શંકાનો હતો એટલે એણે પૂછી જ લીધું,"ગીતા તેં આ વીંટી મને પાછી તો આપી પણ તને આ વીંટીની કિંમત ખબર છે?"
ગીતાએ જવાબ આપ્યો,‘મેડમ કિંમતને જાણીને શું કરવું છે? અમારે ઘેર આવી મોંઘી વસ્તુ મુકવા માટે તિજોરી તો હોય નહિ. એક નાની ડબ્બી જ હોય આવું કંઈ મુકવા માટે અને એ પણ ઈમાનદારીથી છલોછલ હોય. પછી બીજું કંઈ અંદર ક્યાંથી માંય.’
