પક્ષીઓએ છોડને પાણી પાયું
પક્ષીઓએ છોડને પાણી પાયું


એક હતો છોડ. માંડ દેખાય એવો. ઘણા ઢોર એની પાસેથી પસાર થઈ જાય. પણ ખ્યાલ ન આવે. છોડ ને મોટા થવાની ઈચ્છા હતી. એને વધવું હતું. ઊંચા થવું હતું. આકાશને આંબી જવું હતું. ઘટાદાર ઝાડ બનવું હતું. પરતું દિવસે દિવસે એ સુકાએ જતો હતો. એને માંડ ચાર પાંચ પાંદડા આવ્યાં. ત્યાં તો એક બકરીનું ધ્યાન એ એક તરફ ગયું. અને તે બધાય પાંદડા ખાઈ ગઈ. અને છોડ રડવા માંડ્યું.
એક દિવસ પક્ષીઓ આકાશમાં ઉડતા ઉડતા આવ્યાં. અને આવીને એ છોડ પર બેસવા ગયાં. અને એ છોડ વળી ગયો. છોડે એમને કીધું કે 'તમે મારાં પરથી ઉડી જાવ. હું તમારો ભાર સહન કરી શકતો નથી. સાવ વળી જઈશ કાં તો તૂટી જઈશ.'
ત્યાતો એક પક્ષી આવીને એની સામે બેઠું અને પૂછ્યું 'તું કેમ દુબળો પાતળો છું? તારામાં લીલાશ કેમ નથી? પાંદડાં ક્યાં ગયાં?' અને છોડ ને આજ સુધી કોઈએ આવું પૂછ્યું ન હતું. એ બોલ્યો ‘હજુ હું નાનો છું. ઘણા દિવસો પસાર થયા પણ હું વધી ન શક્યો. કેટલાય દિવસથી તરસ્યો છું. મારાં મૂળ પાણી વિના અકળાઈ ગયા છે. મને કોઈ પાણી પાતું નથી. અને મારાં ચાર પાંચ પાંદડાં હતા એ પણ એક બકરી આવીને ખાઈ ગઈ.'
છોડ પર પક્ષીઓને દયા આવી. તે ઉડવા લાગ્યા. અને દૂર એક તળાવ હતું ત્યાં પહોંચ્યા. અને બધાય પક્ષીઓએ ચાંચમાં પાણી લીધું અને છોડ પાસે આવ્યાં. ચાંચમાંથી ટીપું ટીપું છોડના મૂળમાં ઠાલવી દીધું. પણ છોડને અસર નાં થઇ. એટલા ટીપા પાણીથી શું વળે! લાંબા સમયની તરસ હતી. પક્ષીઓ વાત સમઝી ગયા.
પક્ષીઓ ઉડતા ઉડતા એક ઘટદાર વૃક્ષ ઉપર આવી પહોંચ્યા. ત્યાં મોટા મોટા પક્ષીઓના ઝુંડ બેઠાં હતાં. પક્ષીઓના ઝુંડને છોડની વાત કરી. સૌ પક્ષીઓ સંમત થયા. અને પક્ષીઓ પાંખો ફફડાવતા ઉડવા લાગ્યા. એ બધાય તળાવને કિનારે પહોંચ્યા. ચાંચમાં પાણી ભરી પેલા પક્ષીઓ પાછળ ઉડતા ઉડતા છોડ પાસે આવ્યા. અને મૂળને પાણી પાયું, આવા દસ બાર ફેરાં કર્યા. એટલે છોડને બરાબર પાણી મળ્યું. તેની લાંબા વખતની તરસ છીપાઈ.
પછી તો રોજ પક્ષીઓનું ટોળું આવે. ને પાણી પીવડાવે. આવું દિવસો મહિનાઓ સુધી ચાલ્યું. છોડ લીલોછમ અને મોટો થયો, વધીને ઘટાદાર થયો.
ચોમાસું બેઠું. કાળા ડીબાંગ વાદળોથી આકાશ છવાઈ ગયું. ધોધમાર વરસાદ પડ્યો, આખું ચોમાસું મન મુકીને વરસ્યો. અને છોડને તો બસ આટલું જ જોઈતું હતું. આમ ઘણા ચોમાસા છોડ પર વરસ્યા. વર્ષો વીતી ગયા.
આજે એ છોડ મોટું થઇ ગયું છે. ઘટાદાર ઝાડ થઇ ગયું છે! પંખીઓનું ટોળું દરરોજ આવીને બેસે છે. અન એ માળો બનાવે છે. એટલે ઝાડ ખુબ ખુશ થઇ જાય છે, ડાળીઓને ડોલાવતું પાંદડાં રણઝણવે છે.
એક દિવસ સાંજના સમયે આકાશમાંથી એક વાદળી આવી, ને ઝાડની ડાળી પર બેસી ગઈ. ઝરમર વરસી. ઝાડ ન્હાઈ રહ્યું.
વાદળી કહે “કેમ ઝાડદાદા,ભર ઉનાળે તમને નવડાવ્યા ને ?’
ત્યારે ઝાડને યાદ આવે છે, પોતે સાવ નાનો હતો ત્યારે પક્ષીઓએ પાણી પાઈને ઉછેર્યો હતો. તે વાદળીને માંડી ને વાત કરે છે. વાદળી કહે છે ખરેખર પક્ષીઓની જાત જ દયાળુ હોય છે. અને ઝાડે પક્ષીઓનો આભાર માન્યો. અને કીધું તમે લોકો મારાં પર માળા બનાવીને રહો આમજ હું ખુશ છું. તમે અહીં જ રહેજો.