ફેસબુક ફિવર
ફેસબુક ફિવર
હમણાં કોઈકે મને પૂછ્યું ફેસબુક એટલે વળી શું? મેં કહ્યું સવારમાં ઉઠતા વેત પોતાના ફેસના ઠેકાણાં ન હોય છતાં ફેસ સામે રાખી લોકો જે પંચાત કરે એ ફેસબુક ! સંસ્કૃતમાં એક શ્ર્લોક છે "કરાગ્રે વસ્તે લક્ષ્મી કર મુલે સરસ્વતી કર મધ્યે તું ગોવિંદ પ્રભાતે કર દર્શનમ..." કે કર એટલે કે હાથના આગળના ભાગમાં લક્ષ્મીજીનો વાસ છે તેના મૂળમાં સરસ્વતીજી બિરાજમાન છે ને મધ્યમાં ખુદ ગોવિંદ વસેલા છે એટલે સવારમાં ઉઠીને હાથ જુઓ એટલે જીવન ધન્ય થઈ જાય પણ હાલના જમાના પ્રમાણે "કરાગ્રે વસતે વોટ્સઅપ ! કર મુલે ટ્વીટર ! કર મધ્યે ફેસબુકમ ! પ્રભાતે રોજ કરે દર્શનમ" ઝુકરબર્ગ ભાઈ તો ફેસબુક બનાવીને છુટા થઈ ગયા પણ એમાં હમણાં અમારો ગામડાનો બિચારો મગન ફસાઈ ગયો બરાબરનો !
વાત એમ હતી કે મગને હમણાં નવો મોબાઈલ લીધો આંગળી કરો એટલે કે આંગળી ફેરવો એટલે ચાલે એટલે કે ટચ વાળો પણ આમ તો લોકો હવે મોબાઈલમાં જ આંગળી કરતા થઈ ગયા છે ! ખી ખી ખી...
રોજ મગન ઘરે જઈ જમીને પત્ની સાથે વાતો કરવાને બદલે મોબાઈલમાં માંડે આંગળીઓ ફેરવવા એટલે એમના ભારેભરખમ પત્ની ખીજાઈ ગયા અને શરત મૂકીઃ કાં તો તમે મોબાઈલ છોડી દો અને કાં તો મને આવો જ મોબાઈલ લાવી આપો.
હવે આજના સમયમાં મોબાઈલની કીમત એટલે કે આદત બૈરાં જેવી થઈ ગઈ છે એક વખત લાવો એટલે પછી તેના વગર ચાલે નહિ ! એટલે મગને તેની જોરદાર... જબરજસ્ત... પત્નીને મોબાઈલ લાવીને આપી દીધો!
પણ વાત અહિયાં અટકી નથી જતી ! મોબાઈલ એ બંદુક જેવું જ કામ કરે છે આજ જમાનામાં જોરદાર ગોળીઓ ફોડે છે સરકારો બદલી નાખે છે ને મુખ્યમંત્રી પણ ! એટલે ખરી ધમાલ તો હવે ચાલુ થઈ મગન ભાઈ કામ પર ગયા અને મારા જેવા નવરા લોકો એ ભાભીને મોબાઈલમાં બધા એપ નાખી આપ્યા અને એમાં પણ ફેસબુક અકાઉન્ટ બનાવી આપ્યું અને પછી ચાલુ થયું મગનના ઘરવાળીનું ફેસબુક !
આમ પણ હું તેને બુલડોઝર કહું છું જ્યાં જાય ત્યાં સુપડો સાફ કરી નાખે, ભાંગી નાખે, ભુક્કા કરી નાખે ! એટલે ભાભીએ ફેસબુક જોવાનું ચાલુ કર્યુ. મગન ભાઈ ઘરે આવ્યા એટલે મૂંઝવતા બધા પ્રશ્નો તૈયાર હતા. "સાંભળો છો આ વળી ચેક ઈન એટલે શું? રાજેશભાઈ ચેકડ ઈન અંજાર સીટી એટલે શું? અંજાર શહેરમાં જવામાં હવે કરવેરો લાગે છે કે શું? કોઈ ચેકપોસ્ટ છે કે શું?" મગન તો હેબતાઈ ગયો કે આ ક્યાં વાંદરા હાથમાં તલવાર ! એની ઘરવાળી પાછી થોડું થોડું અંગ્રેજી જાણે પણ કેવું કે જે અંગ્રેજો ને પણ ન આવડે એવું ! "અને સાંભળો છે આ તે વળી લાઈક કરો એટલે શું? મેં તો બસ જીવનમાં તમને જ લાઈક કર્યા છે તે બધાને થોડી મારાથી લાઈક કરાય? તમે પણ નથી કરતાને બધાને લાઈક?" મગન મનમાં કહે, "જ્યારથી તે મને લાઈક કર્યું ત્યારથી હું જાતને જ અન્લાઈક ફિલ કરું છું..." મગન કહે, "આપને કોઈને લાઈક નહિ કરવાનું! ત્યાં તો વળી બીજા દિવસે જેવો મગન ઘરે પહોંચ્યો. ત્યાં તો ઘરવાળી વેલણ લઈને હાથમાં ઊભી હતી કહે, "તમારે જો એજ વહાલી હતી તો મારી સાથે લગન શું કામ કર્યા? મારી જિંદગી શું કામ બગાડી?" અને મંડી જોર જોરથી રડવા ને જે હાથમાં આવ્યું તે માંડી મગનને મારવા. મગન માર ખાતા ખાતા પૂછ્યે જતો હતો પણ મેં કર્યું છે શું? બુલડોઝર કહે, "શું નથી કર્યું? ભરથાર તમે તો મને ક્યાયની ન છોડી." "અરે પણ થયું છે શું? તે તો જણાવ..." પેલી કહે, "જુઓ આ... મગન ઈઝ નાવ ફ્રેન્ડ વિથ ઉર્મિલા દલાલ... તમારે એનું માંગુ આવ્યું હતું મારા પહેલા તો તેનાથી જ પરની જવું હતું ને !" મગન તો માંડ્યો માથું કૂટવા ! આ ડોબીનું મારે કરવું શું? પહેલાના જમાનામાં એવું હતું કે જેની સાથે પહેલા માંગું આવ્યું હોય પછી તેની સાથે કોઈ વ્યવહાર ન હોય કે ક્યાંક કાઈ બગળ્યું હોય તો આખું કુટુંબ વેર રાખે હવે તો એવો જમાનો આવ્યો છે કે નાના ભાઈના જેની સાથે છૂટાછેડા થયા હોય એજ છોકરી મોટા ભાઈની ફેસબુક ફ્રેન્ડ હોય! પણ આ બધું મગનની ઘરવાળીને કેમ સમજાવવું?! પછી તો મગને મને બોલાવ્યો મેં ભાભીને સમજાવ્યા અને ઘર તૂટતાં તૂટતાં બચ્યું!
મગન મને બહાર મળ્યો. મને કહે કે સાહેબ આના કરતા મને બે ધીક્કા મારી લીધા હોત તો સારું. તમે આને ક્યાં ફેસબુક ચાલુ કરી આપ્યું ! હું હસવા માંડ્યો મગન પણ તારે ફેસબુક ઘરે લાવવાની જ જરૂર શી હતી! "આજના સમયમાં કા તો પતિ પત્ની બે માંથી એક ફેસબુક વાપરતો ન હોવો જોઈએ કા તો એકે બીજાને ફેસબુક પર બ્લોક રાખવી જોઈએ ! સુખી સંસારની ચાવી ખી .. ખી... ખી.."
