નાનકડી નાનાકીનું મોટું કામ
નાનકડી નાનાકીનું મોટું કામ


હરીવન નામના એક સુંદર જંગલમાં ઘણા પ્રાણીઓ વસતા હતા. અહીં નાનકડા પ્રાણીઓની એક મજાની નટખટ ટોળકી પણ હતી. જેનું નામ ઉંદરસેના હતું. દીકુ દેડકો, ચીકી ચકલી, નાનકી ખિસકોલી વગેરે આ ઉંદર સેનાના સભ્ય હતા. અને ચીકુ ઉંદર આ ટોળકીનો નટખટ સરદાર હતો.
એક દિવસ આંબાના ઝાડ નીચે બધા રમતા હતાં. ત્યાંજ અચાનક ઝાડ ઉપરથી એક કેરી નાનકી ખિસકોલી પર પડી. અચાનક માથા પર કેરી પડવાથી નાનકી તો ગભરાઈ ગઈ. અને ડરના માર્યા તેના મોમાંથી ચીસ નીકળી ગઈ. નાનકીને ડરી ગયેલી જોઈને બધા તેની પર હસવા લાગ્યા. ‘નાનકી ખિસકોલી બીકણ, નાનકી ખિસકોલી બીકણ’ એવું કહી બધા તેણે ચીડવવા લાગ્યા. નાનકી ખિસકોલીને ચીડવવાની બધાને ખુબ મજા આવતી.
રોજ બધા તેણે આ રીતે ખીજવે તે નાનકી ખિસકોલીને જરા પણ ન ગમતું. હવે તે આંબાના ઝાડ પાસે રમવા પણ જતી નહિ. રોજની આવી હેરાનગતિથી કંટાળીને તેણે પોતાની બખોલની બહાર નીકળવાનું પણ બંધ કરી નાખ્યું. તો પણ ઉંદરસેના તેનો બારકસો દોડીને તેની બખોલ પાસે જઈને મોટેથી ‘નાનકી ખિસકોલી બીકણ, નાનકી ખિસકોલી બીકણ’ એવી બુમો પાડવા લાગ્યા.
રોજ રોજની આવી કનડગતથી થાકીને નાનકી ખિસકોલી હેરાન થઈ ગઈ. પણ નાની હોવાને કારણે તે કોઈને આ વાત કહી શકતી નહિ. થાકેલી નાનકી એ એક વખત હરીવન છોડીને ચાલ્યાં જવાનું નક્કી કર્યું. અને એક દિવસ કોઈને પણ કહ્યા વગર તે ત્યાંથી નીકળી ગઈ.
નાનકી જયારે પોતાનું ઘર છોડીને જઈ રહી હતી, ત્યારે રસ્તામાં એક ઝાડ પાછળ બિલ્લુ બિલાડાને તેના સાથી સાથ વાત કરતાં આ ખિસકોલીએ સાંભળ્યા. નાન
કી ખિસકોલી ત્યાંથી પાછી પોતાના સાથીઓ પાસે આવીને કહ્યું, ‘ચીકુ ઉંદર ક્યાં છે?’ ‘ચીકુ તો બોર ખાવા ગયો છે. પણ તું આટલી ગભરાયેલી કેમ છે.’ ડીકુ એ પૂછ્યું.
નાનકી એ બિલ્લુ બિલાડીની બધી વાત કરી, અને કહ્યું કે બિલ્લુ એમ કહેતો હતો,’ આજ તો ચીકુ ઉંદરનો શિકાર કરીને મિજબાની માણીએ. ઘણા દિવસોથી એ હાથમાં આવતો નથી. પણ આજે તો એની ખેર નથી.’ નાનકી ની વાત સાંભળીને બધા ચિંતામાં પડી ગયા.
આપણે ગમે તેમ કરીને ચીકુનો જીવ બચાવવો જ પડશે. ડીકુ તું એક કામ કર, ઝડપથી ચીકુ ઉંદરને શોધી કાઢ અને તેને સાલામત જગ્યાએ લઇ જા. ચીકુ તું મારી સાથે આવ. પછી નાનકી ખિસકોલી ચીકી ને લઈને બિલ્લુ બિલાડો તેના સાથીઓ સાથે બેઠો હતો એ ખાખરાના ઝાડ તરફ નીકળી. રસ્તામાં નાનાકીએ ચીકીને આખી યોજના સમજાવી દીધી.
નાનકી અને ચીકી બંને ઝાડ પર ચઢીને બેસી ગયા. નાનકી અને ચીકી મોટેથી વાતો કરવા લાગ્યા, ‘ચીકુ વેકેશનમાં તેના મામાને ઘરે ચંપકવન ગયો છે. એટલે તેના વગર જરા પણ મજા નથી આવતી. હવે તો એક મહિના પછી જ પાછો આવશે. ચીકીએ નાનકીની વાતમાં ટાપસી પૂરી.
નાનકી અને ચીકીની આ બધી વાત ઝાડ નીચે બેઠેલા બીલ્લુએ સાંભળી. ચીકુ બહારગામ ગયો છે તે જાણીને બિલ્લુ નિરાશ થયો. અને બીજા શિકારની શોધમાં ત્યાંથી ઉપાડી ગયો.
ચીકુને જયારે આખી વાતની ખબર પડી. ત્યારે તેને ખૂબ જ અફસોસ થયો. તેણે નાનકી ખિસકોલીની માફી માંગી અને કહ્યું, ‘નાનકી તું બીકણ નથી. તું તો બહાદુર છે. હવે આપનું સેના ઉંદરસેના તરીકે નહિ પણ નાનકીસેના તરીકે ઓળખાશે.’