STORYMIRROR

Jignesh Joshi

Inspirational Others Children

4  

Jignesh Joshi

Inspirational Others Children

મુઠ્ઠીઓનો વૈભવ

મુઠ્ઠીઓનો વૈભવ

2 mins
298

તારાબેન ગીરજાશંકર પંડ્યા, હવે તો આ દુનિયામાં નથી રહ્યાં. પરંતુ જો મૃત્યુ પછી સ્વર્ગવાસી કે વૈકુંઠવાસી એવી કોઈ અવસ્થા હશે તો ચોક્કસ એમને એ અવસ્થા પ્રાપ્ત થઇ હશે. 

આમ તો એ મારાં ફોઈ થાય, પરંતુ એમનાં નાનકડાં ગામમાં નાનાં-મોટાં સૌ કોઈ એમને 'તારા- માઁ' કહીને બોલાવતા. કદાચ એ જ એમનાં જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ હતી. 

 આજે પણ મને ચાલીસ-બેતાલીસ વર્ષ પહેલાનાં એ દિવસો યાદ છે, જ્યારે રજાઓમાં અમે મામાનાં ઘરે ના જતાં અને ફોઈનાં ઘરે જ જતાં. કહોને કે જીદ કરતાં. ફોઈનું ગામ એટલે સાવ નાનકડું ગામ. જ્યાં, એ વખતે ઘરમાં વીજળી- પાણીનું જોડાણ હોવું એ વૈભવ ગણાતો. મારાં ફોઈને ત્યાં આ વૈભવોનો અભાવ હતો. છતાં અભાવમાં પણ ભાવ સાથે જીવતા એ જીવ જોડે જવાનું અમને ખૂબ જ ગમતું. અરે ! એક જાતનું ખેંચાણ રહેતું. એક માયાળુ ચુંબકીય ખેંચાણ. અમને જ નહીં પરંતુ એ મહોલ્લા, એ શેરીમાં રહેતા દરેક નાના-મોટા બાળકોને રહેતું. કારણકે એ એમનાં 'તારા-માઁ'નું ઘર હતું. જેનાં મમતાના પાલવ તળે દરેકને પોતાના જ ઘરનો અહેસાસ થતો.

નાની ઉંમરે વિધવા થયેલી આ વિરલ વ્યક્તિએ સ્વમાનભેર છાત્રાલયની ગૃહમાતા બની અને પોતાના નિ:સંતાનપણાને પણ વરદાન બનાવી દીધું હતું. આખાય સંકુલની માતા બનીને ઉભરી આવ્યા હતાં.

આજે પણ મને યાદ છે કે મહોલ્લામાં રમતાં-રમતાં કોઈ પણ બાળકને ભૂખ કે તરસ લાગે ત્યારે પોતાના ઘરે ના જતાં એ 'તારા-માઁ'ના ઘરે પહોંચી જતું. ત્યાં એને જાણે દુનિયાનો ખજાનો મળી જતો. એની મુઠ્ઠીઓ દુનિયાના વૈભવથી ભરાઈ જતી. ક્યારેક શિંગચણા, ક્યારેક દાળિયા તો ક્યારેક તલી તો ક્યારેક ગોળચણા. જાણે બધું જ સુખ એમાં સમાઈ જતું, કદાચ એનું કારણ 'તારા-માઁ'ની મમતા જ હતી.

 આડોશ-પાડોશની દરેક વ્યક્તિનાં સારાં નરસાં ટાંણે 'તારા-માઁ' એમનો સધિયારો બનીને ઊભા રહી જતાં. એમાંય કોઈ બાળક બિમાર પડ્યું હોય તો એ સાજુ ના થાય ત્યાં સુધી એની સારસંભાળની સ્વૈચ્છિક જવાબદારી લઈ લેતાં.

એમનું આવું માયાળુ હેત પ્રાણીઓ ઉપર પણ રહેતું. એમને ત્યાં એક બિલાડી દરરોજ આવતી, જ્યાં સુધી ફોઈ ઘરે હોય ત્યાં સુધી એમની આગળ પાછળ ફર્યા કરતી. ચુલા ઉપર રસોઈ બનાવતાં હોય તો એ સામે બેસી જતી, જાણે માંઁ - દીકરી વાતો કરવા બેઠા હોય. એકવાર એ થોડાં દિવસો સુધી દેખાઈ નહીં, ફોઈ પણ ચિંતામાં પડી ગયેલાં. એ પછી એક દિવસ એનાં ત્રણ ચાર બચોળીયાંને લઈને આવી, જાણે પોતાના પિયર આવી હોય એમ આશીર્વાદ લેવા.

આજે પણ એ મુઠ્ઠીઓના વૈભવને હું ભૂલ્યો નથી. ઘણીવાર એવું લાગે કે ખાલી સુંદર ચહેરાઓનું જ ચુંબકીય આકર્ષણ નથી હોતું. આવી વિચારધારા કે આવી કર્મનિષ્ઠ ઋજુ વ્યક્તિઓની મમતાનું પણ એક આગવું ચુંબકીય ખેંચાણ હોય છે. જ્યારે જ્યારે આવી કોઈ વિરલ વ્યક્તિને આસપાસ જોઉં છું કે અનુભવું છું ત્યારે મનોમન એમને વંદન કરી લઉં છું. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational