ઝરુખો
ઝરુખો
આમ તો ઝરુખો એટલે મકાન કે ઘરનાં ઉપલા મજલે સહેજ બહારની બાજુ નીકળતી ખુલ્લી જગ્યા. શું લાગે છે ? ઝરુખાની આટલી જ વ્યાખ્યા પૂરતી છે ? ના, બિલકુલ નહિ. ઝરુખો એટલે ઘરની ચાર બંધ દિવાલો અને ખુલ્લા આકાશને જોડતી કડી. જ્યાં પ્રકૃતિનો સ્પર્શ છે, જ્યાં આપણાં એકાંતનો અસબાબ છે, જ્યાં મનનાં મૂક સંવાદોની મોકળાશ છે અને કદાચ એથીયે વિશેષ ઘણું બધું હોઇ શકે.
આમ તો દરેક વ્યક્તિના જીવનમાં ઘર કે મકાન હોવું એ એક ખાસ વાત છે. એના અસ્તિત્વની નોંધ છે. એનાં હુંફનું એક અલાયદું સરનામું છે. પરંતુ સાથે-સાથે એક સહર્ષ સ્વીકારેલી જવાબદારી કે સમજણપૂર્વકનું બંધન પણ એમાં જોડાયેલું છે, ત્યારે ઘરમાં એક ઝરુખો હોવો વિશેષ બની રહે છે. ઝરુખો વ્યક્તિને ઘર કે બહારનાં તાણાંવાણાંથી થોડીવાર માટે દૂર કરતો એક મિત્ર બની રહે છે. વ્યક્તિના આનંદ કે અજંપાની મનઃસ્થિતિનો મૂક સાથી અને સાક્ષી બની રહે છે.
એવું નથી કે ઝરુખો ખાલી એકાંતનો જ સાથી છે, મનગમતી વ્યક્તિ સાથે એ સમયને માણવાનું મધુવન પણ બની રહે છે.
વહેલી સવારનાં સૂતેલી સડકોને હળવેથી જગાડીને આવતાં સૂરજનાં કિરણો કે પછી સંધ્યા ટાણે અંધારાની પછેડી ઓઢીને પાછાં ફરતાં સૂરજનાં કિરણોને ઝરુખેથી માણવા એક આહ્લાદક અનુભૂતિ બની રહેતી હોય છે. ક્યારેક દૂર કોઈ વૃક્ષની છાયામાં ટહુકતી કોયલ કે કોઈ વેલા સાથે રમતી ખિસકોલી ઝરુખાની આભામાં ચાર ચાંદ લગાવી દેતી હોય છે. કોઈકવાર એવું પણ બને કે અડધી રાતે દૂર થાંભલાનાં પીળા પ્રકાશમાં સૂતેલી સડકનો ખાલીપો જાણે આપણી જ મનોવ્યથા વ્યક્ત કરતો હોય એવું લાગે.
પોતાની પ્રિય વ્યક્તિની ઝરુખેથી રાહ જોવાની સંવેદના એ તો જેણે જોઈ હોય એજ કહી શકે. તરુણાવસ્થાએ દેખાતું અજાણ્યું પણ મનગમતું સ્મિત ઝરુખાને થોડીવાર માટે તો ઉડનખટોલો બનાવી દે છે, ત્યારે કદાચ વગર પાંખે હવામાં ઉડતા હોય એવો અહેસાસ થતો હશે.
ક્યારેક એવું લાગે કે આપણા મનનાં ખૂણે પણ આવો એક ઝરુખો હોવો જોઈએ.
