સાહિત્યની કરામત
સાહિત્યની કરામત
ઘણીવાર એવું લાગે કે અક્ષરોનું જોડાણ એ ખાલી જોડાણ નથી, પરંતુ એક વિરલ ઘટના છે. જે એક અર્થપૂર્ણ શબ્દને જન્મ આપે છે, અને ત્યારે આપણે માનવું પડે કે આ ભાષા કે સાહિત્યની કરામત છે.
આ સૃષ્ટિમાં દરેક જીવને એની વેદના સંવેદના રજુ કરવા માટે મળેલી આગવી શૈલી એક જાતની કુદરતની કરામત છે. આમ તો આ આખી સૃષ્ટિ કરામતોથી ભરેલી છે. કુદરતની એવી ઘણી ઘટનાઓ કે દ્શ્યોનું જો તમે બારીકાઈથી નિરીક્ષણ કરો તો, આપણને એનાં કસબ, એની કરામતનો અહેસાસ થયાં વગર નહીં રહે. ધરતીમાં રોપેલું એક બીજ કૂંપળ બની બહાર આવે અને જોતજોતામાં એક લહેરાતું વૃક્ષ બને એ કાંઈ ઓછી કરામત છે ? અરે ! વૃક્ષ-વેલાઓ ઉપર જાતજાતની અને ભાતભાતની રંગબેરંગી રચાતી ફુલોની સૃષ્ટિ એ પણ ઓછી કરામત છે ? હજારો જાતના પતંગિયાંની પાંખમાં અલગ અલગ રચાતી રંગોની આભા અને આકૃતિઓ કુદરતની કમાલનો જ અહેસાસ કરાવે છે.
ક્યારેક કોઈ પર્વતની ટોચેથી દેખાતો વહેલી સવારનો સૂરજ કે પછી સાગરની ક્ષિતિજે દૂર ડૂબતા સૂરજ વખતે રચાતું આકાશી દ્રશ્ય કુદરતની બેનમૂન કારીગરીનું ઉદાહરણ પૂરું પાડે છે. આકાશમાં વાદળોમાંથી પરોવાઈને નિકળતાં કિરણો જ્યારે સપ્તરંગી મેઘધનુષ્યનું ચિત્ર રજૂ કરે છે ત્યારે આપણે આપણો અહોભાવ છૂપાવી શકતા નથી. ભલે આ બધી ઘટનાઓને કોઈ નિયમનું અનુસંધાન આપીએ કે પછી કોઈ નિયમ સાથે બાંધી દઈએ તેમ છતાંય કુદરતની આ બેમિસાલ કારીગરી ચોક્કસપણે આશ્ચર્યચકિત કરી દેતી હોય છે.
કોઈ ચિત્રકાર કે સંગીતકાર એની કલાનો કસબ અજમાવે ત્યારે આપણે મંત્રમુગ્ધ થયાં વિના રહેતાં નથી. જ્યારે કોઈ ખેલાડી એનાં કૌવત, એની કરામતનાં જોરે લક્ષ્ય પાર પાડે છે ત્યારે એને સલામ કરવાનું મન થઈ આવે છે.
ક્યારેક ક્યારેક માનવીના કસબ કે એની કરામતમાં એનાં સ્વાર્થની પણ ગંધ આવતી હોય છે. પછી ભલે એ કોઈ નિયમને આધીન એને સાચું ઠેરવવાનો પ્રયત્ન કરે. જોકે આ પણ એક જાતની માનવીની કરામત છે, અને એટલે જ પ્રકૃતિ જોડેથી સહજ રીતે જીવવાની કરામત શીખીએ એ જ સાચું.
