મોહનથાળના ત્રણ ચકતાં
મોહનથાળના ત્રણ ચકતાં
આપણાં રોજિંદા જીવનમાં આમ તો ઘણી નાની નાની વાતો કે ઘટનાઓ બનતી હોય છે. જેમાંની અમુક ઘટનાઓ આપણા માટે હ્રદયસ્પર્શી બની જાય છે, અને ત્યારે માનવું પડે કે આજે પણ ક્યાંક કોઈક ખૂણે કોઈ સંતોષી જીવન ધબકી રહ્યું છે. આવી જ એક ઘટનાનો હું હમણાં દિવાળીના દિવસોમાં સાક્ષી બન્યો છું.
સામાન્ય પણે દિવાળી આવે એટલે તહેવારનો ઉત્સાહ હોય તો થોડો અંજપો પણ હોય છે. એમાંય હવે તો ધંધાકીય ક્ષેત્રે નાની મોટી ભેટ કે મિઠાઈ આપી એકબીજાને સાચવી લેવાની પ્રથા ચાલી છે. એમાં તહેવારની સદ્દભાવના ઓછી સ્વાર્થ વધારે હોય છે. તેથી આવી જ પ્રથાના ભાગરૂપે મેં પણ મોહનથાળ અને થોડી કાજુકતરીનો ઓર્ડર આપેલો. ખાસ કરીને મિઠાઈમાં હું મોહનથાળ આપું છું કારણ કે મોહનથાળ એક તો દસ-બાર દિવસ સુધી બગડતો નથી, આર્થિક રીતે પણ પરવડે એમ હોય છે, અને એમાંય અમારે ત્યાં એક સંસ્થા ખાસ દિવાળી નિમિત્તે જ શુધ્ધ ચોખ્ખા ઘીની મિઠાઈઓ બનાવે છે. વળી, એનું પેકિંગ પણ સારું હોય છે, એટલે થોડાં વર્ષોથી કંઈક સારું આપ્યાનો સંતોષ લઉં છું.
આગલા દિવસે જ આવેલા મોહનથાળના પેકેટ લઈ હું સવારે ઓફિસ પહોંચ્યો. મારા માણસ જોડે એને ટેબલ ઉપર મુકાવી હું બીજા કામમાં પરોવાયો. આજે વાઘબારસ હતી એટલે એવું વિચારેલું કે આજે જ મોટા ભાગના પેકેટ જ્યાં જ્યાં આપવાના છે ત્યાં આપી આવવાં જેથી કાલે એટલું કામ ઓછું. આવા વિચારોમાં જ ખોવાયેલો હતો કે ત્યાં આંગણે કોઈ માજી આવ્યાં અને કંઈક આપવાનું કહેતા હોય તેવું લાગ્યું.
મેં બારીમાંથી જોયું તો લગભગ પાંસઠ- સિત્તેર વર્ષના એક માજી સાવ જર્જરિત કપડાંમાં ઉભા હતાં. પહેલાં તો થયું કે લાવને પાંચ દસ રુપિયા આપીને વિદાય કરી દઉં, પછી થયુ ના ના આ તહેવારમાં થોડી મિઠાઈ આપું તો સારું રહેશે. ( થોડું પુણ્ય કમાવવાની એ લાલચ) એવું વિચારી હું બહાર આવ્યો ને મેં મોહનથાળનું એક પેકેટ ખોલીને એમાંથી ત્રણ મોટા ચકતાં માજીને આપ્યાં, અને પાછો હું મારા કામમાં રોકાયો. થોડીવારે હું બહાર નીકળ્યો તો માજી ખુશ થતાં બેઠાં હતાં.
મારા માણસ જોડેથી એમણે પાણી પીધું, મને કહે કે બેટા ઘણા વખત પછી આવી મિઠાઈ ખાવા મળી અને દિલથી આશીર્વાદ આપતાં ઉભા થયાં. મોહનથાળના બે-ત્રણ વખત વખાણ કર્યા એટલે મને થયું કે માજીને થોડો વધારે મોહનથાળ જોઈતો લાગે છે એટલે મેં એમને બાકીનું પેકેટ પણ લઈ લેવાનો આગ્રહ કર્યો. કારણકે આમેય ખોલેલું પેકેટ બીજા કોઈને તો અપાશે નહીં, અમારે આમ જ વાપરી લેવાનું હતું. પરંતુ માજીએ બહુ પ્રેમથી મને ના પાડી. મને કહ્યું કે ના બેટા હું સાચે જ ધરાઈ ગઈ છુ. તે ખૂબ ખુશ થતાં ધીરે ધીરે ઝાંપાની બહાર નીકળી ગયાં.
હું થોડી વાર તો એમ જ એમને જતાં જોઈ રહ્યો. પાછો ઓફિસમાં આવી ખુરશી ઉપર બેઠાં બેઠાં માજીના અવર્ણનીય સંતોષને વાગોળતો રહ્યો. અને વિચારવા લાગ્યો કે આપણને જીંદગીમાં આટલો સંતોષ છે ? કે આટલો સંતોષ રાખવો શક્ય છે ? કોને ખબર!
