મન
મન
એક સાધુ હતો એક નાનકડા ગામમાં રહેતો હતો એનો એક બાળપણનો મિત્ર જેની સાથે એ ખૂબ આત્મીયતાથી જોડાયેલો હતો પરંતુ લાંબા સમયથી એ એકબીજાને મળ્યા ન હતા. ખૂબ દૂર રહેતા એ મિત્રને મળવા માટે સાધુ તલસી રહ્યો હતો . ઘણા વર્ષોની લાંબી પ્રતિક્ષા પછી એ મિત્ર એક દિવસ તેને મળવા માટે એના ગામ આવ્યો . ઘણા વર્ષો પછી તેને મળતા જ એ સાધુ ભાવવિભોર થઈ ગયો અને ભેટી પડ્યો. થોડી અલકમલકની વાતો કર્યા પછી સાધુને યાદ આવ્યું કે તેને કોઈ શ્રાવકને ત્યાં પગલાં કરવા જવાનું છે અને એ ગયા વગર ચાલે તેમ નથી. એ જવું એટલું જ જરૂરી હતું. તેથી એ સાધુએ પોતાના મિત્ર સાથે વધુ સમય પસાર કરી શકાય એટલે તેને સાથે લઈ જવાનો વિચાર કર્યો.
લાંબી સફર કરીને આવ્યો. સાધુના મિત્રના કપડાં મેલાઘેલા લાગતાં હતાંં. સાધુને થયું આ મેલાઘેલા કપડાં પહેરેલા મિત્રને સાથે કેમ લઈ જવો ? એટલે એને કોઈ શાહુકારે પોતાને આપેલા સરસ મજાનાં કપડાં એ મિત્રને પહેરવા માટે આપ્યાને તૈયાર થવા કહ્યું. સફરેથી થાકેલો મિત્ર તો સ્નાન કરીને સાધુએ આપેલ કપડાં પહેરીને બહાર આવ્યો તો સાધુ તો જોતો જ રહી ગયો એ મેલાઘેલા કપડાં પહેરીને આવેલા મિત્રના રંગ ઢંગ બદલાઈ ગયા હતા. થોડી ક્ષણ સાધુને એના તરફ ઈર્ષા જાગી ગઈ પણ તેના સાધુવેશને ધ્યાનમાં રાખીને જાતને સંભાળી લીધી પછી બન્ને મિત્રો બહાર જવા નીકળ્યા.
આ સાધુ મહારાજ પોતાના પંથકમાં ખૂબ નામના ધરાવતા હતા એટલે રસ્તામાં અનેક લોકો એને મળતા, પગે પડતાં અને આશીર્વાદ લેતા તથા વાતો કરવા ઊભા રહેતા. હવે સાધુની સાથે પ્રભાવશાળી લાગતા કોઈ અજાણ્યા વ્યક્તિને જોતાં સ્વાભાવિક જ લોકો પૂછતાં કે આ કોણ છે ? સાધુ ઓળખાણ આપતા કે આ મારા મિત્ર છે. બધાની આંખમાં મિત્ર પ્રત્યે કઈક વિશિષ્ટ ભાવ જ
ોતાં અને એના કપડાં પર નજર ફેરવતા તો સાધુ કહેતા કે ‘આ મારો મિત્ર છે બહારગામથી આવ્યો છે. એને જે કપડાં પહેર્યા છે એ મારા છે.’ એક, બે, ત્રણ ચાર એમ કેટલાય લોકોને આવો એક જ જવાબ આપતા રહ્યા અને પછી તો એવું થયું કે લોકો પૂછે એ પહેલા જ સાધુ બોલી ઊઠતા, 'આ મારો મિત્ર છે, એ બહારગામથી આવ્યો છે અને તેને જે કપડા પહેર્યા છે એ મારાંં છે.'
હવે બધાને નવાઈ લાગતી કે આ સાધુ છે અને એના મિત્રના કપડાંની કેમ વાત કરે છે ? અને જે મિત્ર સાથે ફરતો હતો એને પણ નવાઈ લાગે છે કે આ સાધુ જેને મળે છે એને મારી ઓળખાણ આવી રીતે કેમ આપે છે ? સાધુને બોલ્યા પછી અહેસાસ થતો કે આ તો મારાથી ખોટું બોલાય રહ્યું છે. હું જેને મળે એને આવી ઓળખાણ કેમ આપું છું ? ખૂબ પ્રયત્ન છતાં પણ એ પોતાને જાતને રોકી નથી શકતો અને જે મળે તેને ઓળખાણ આવી રીતે જ આપે, મારો મિત્ર છે ને આ કપડાં મારા નથી એવું મારે બોલવાનું નથી છતાય કહું છું. જેમ જેમ એ એના મન પર દમન કરતો જાય છે ત્યાં સુધી તેના મુખમાંથી જુદી જુદી રીતે ‘આ કપડાં મારા છે ‘ એ વાક્ય ન ચાહવા છતાં પણ આવી જ જાય છે.
એવું જ આપણાં મનનું છે મનમાં પડેલ શક્તિઓને જ્યાં સુધી સતત દમન કરવામાં આવે અથવા તેના મૂળ તત્વને જાણ્યા વગર જ આગળ ધપવામાં આવે ત્યારે આપણી હાલત આ ફકીર જેવી થાય છે જે પરાણે ફકીર બન્યો છે પરંતુ એનું મન એના કોઈએ દીધેલાં કપડાંમાં છે. એ કપડાં એ મિત્ર ભાવે બીજાને પહેરવા આપે છે અને પોતાની ફકીરીની જ મજાક પોતે જ ઉડાવે છે એમ કહીને કે ‘આ મારા કપડાં છે.'
જ્યાં સુધી આંતરમનમાંથી મોહનો ત્યાગ નથી થતો ત્યાં સુધી કોઈ પરમાત્માની પ્રાપ્તિ શક્ય નથી બનતી. જ્યાં સુધી સ્વને જાણવાની જહેમત ઉઠાવતા નથી ત્યાં બહાર ખોજ ચાલુ રહે છે પરંતુ પરિણામ મળતું નથી.