બદલાવ
બદલાવ
ધડામ કરતો એક સવાલ માથામાં અથડાયો,'ક્યાં મરી ગઈ હતી અત્યાર સુધી ? આ કામ કોણ તારો કાકો આવીને કરશે ? ક્યાં સલવાઈ હતી અત્યાર સુધી ? આ ઘડિયાળના બે કાંટા ભેગા થાય ત્યારે તું ઘર ભેગી થાય છે. તે કલાક પહેલા કોલેજેથી છૂટી જાય છે. તું જાય છે ક્યાં ? નવરી બજાર આવવા દે આજ તારા બાપને! તારી મા મરી ગઈ ને તને મારા માથે બેસાડતી ગઈ.'
'ને મારા મા બાપ પણ આંધળા કે એક દીકરી જાતે મરી ગઈ અને બીજીને જાણી જોઈને મારી નાખી ! બનેવી જોડે પરણાવી ને મારો જનમ બગાડયો. આ તને સાચવતા દમ નીકળી ગયો ને તોયે સગાવહાલાના મેણાં સાંભળું છું કે દીકરીની જાતને જરા સાચવજો ! શું સાચવું ? તને કે મારી જાતને ?
ને તારો બાપ પાછો સિધ્ધાંતવાળો,‘વચન લીધું કે બીજું છોકરું થવા નહીં દઉં તો જ મારી સાથે લગ્ન કરશે! ..મરી ગયેલ બેનની પાછળ જીવતે જીવ વચન આપીને હું મરી ગઈ… પણ જવા દે ચાલ તારી સાથે શું ભેજામારી કરું છું.
પણ બેટા, તું જરાક મોડી આવે એટલે મારૂ માથું ભમવા માંડે છે. ન જાણે કેવા કેવા વિચારો આવે છે. ભલે મેં તને બે વર્ષથી અત્યારે વીસ વર્ષે પહોંચાડી પણ આ સમાજ અને સગાવહાલાએ ક્યારેય મને તારી સાચી મા ન બનવા દીધી તે ન જ બનવા દીધી.'
દીકરી – આ નામ સાથે જે કોઈ જોડાઈ છે એને ક્યારેક ને ક્યારેક આવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. પછી એ દીકરી પોતાની હોય કે પછી પારકી. આ પારકી થાપણ નામના બે શબ્દએ ખરેખર ઉત્પાત મચાવ્યો છે. જેને બાળકને નવ મહિના સાચવીને જન્મ આપ્યો હોય કે એ બાળક છોકરો હોય કે છોકરી શું ફેર પડે છે ? શું એના જન્મની પ્રક્રિયામાં ફેર છે ? એના જન્મ વખતે થયેલી પીડામાં ફેર છે ? એના ઉછેર વખતે આવેલી મુશ્કેલીઓમાં કઈ ફરક છે ?
જમાનો ક્યાંય આગળ નીકળતો જાય છે. પરંતુ પોતાના ઘરના ચાર ખૂણાઓ પકડીને જીવતા લોકો ખરેખર ઊધમ મચાવે છે. ચાર ખૂણાઓમાં એટલા ખૂંપી ગયા છે કે બહારની દુનિયા ચાર હજાર ખૂણાઓને ટપીને આગળ નીકળી ગઈ છે, એનો ખ્યાલ આવતો નથી. હા , હજુ પણ ઘણા ઘરમાં દીકરીને બોજ સમજવામાં આવે છે. જલ્દી પરણાવીને, વિદાય દઈને હાશકારો મળે એવા પ્રયત્નો જોવા મળે છે. ખુશીની વાત તો એ છે કે, આવું પ્રમાણ ઓછું થતું જાય છે. પરંતુ નાની નાની વાતોમાં કાગારોળ મચાવતા આપણે નેગેટિવ પોઇંટ્સ પહેલા પકડીએ ને પછી ક્યાંક સારું દેખાય તો પણ ‘આંખ આડા કાન‘ કરીએ.
