મજાક મસ્તી
મજાક મસ્તી


આજે રવિવારનો દિવસ હતો. રીનાને આજે શાળામાં રજા હતી. એટલે રીનાને મજા પડી ગઈ. રમવાની. પછી તો એ રમી રમીને પણ થાકી ગઈ. એટલામાં રીનાના દાદા ખેતરે જવા માટે નીકળ્યા. રીનાએ પણ ખેતરે આવવની જિદ્દ કરી. દાદાજી પણ રીનાની વાત માની ગયા. અને રીનાને પોતાની સાથે ખેતરે લઇ ગયા.
ગરમી સખત પડતી હતી. રીના અને દાદાજી ખેતરે પહોંચ્યા. ત્યાં જઈને એક ઘટાદાર લીમડાની છાયામાં જઈને બેઠા. સરસ મજાનો ઠંડો પવન આવતો હતો. ખેતરમાં મજુર માણસો કામ કરી રહ્યા હતા. આકાશમાંથી સખત ગરમી પડતી હોવાથી એ લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતા. એટલામાં રીના બોલી, ‘દાદાજી ચાલોને આપણે મજાક મસ્તી કરીએ.’ દાદાજી બોલ્યા, ‘બેટા રીના, કેવી મજાક મસ્તી ?’ ત્યારે રીના બોલી ‘આપણને મજા પડી જાય એવી કંઇક મજાક મસ્તી કરીએ.’ ત્યારે દાદાજીએ કહ્યું, ‘તો તુંજ કહેને કેવી મજાક મસ્તી કરવી છે તે !
ત્યારે રીનાને બહુ વિચાર્યા પછી એક ટીખળ સુઝી. તેને દાદાજીને કહ્યું, ‘દાદાજી જો આ ખેતરમાં જે મજુર કામ કરે છે. તેમના જૂતા અહી ઝાડ નીચે પડ્યા છે. આપણે એમના જૂતા સંતાડી દઈએ. પછી તે લોકો શોધશે, ને આપણને ખુબ જ મજા પડશે.’ ત્યારે દાદાજી બોલ્યા, ‘રીના બેટા આતો ખરાબ મજાક કહેવાય. મજુર લોકો બિચારા ગરીબ છે. એમને ચંપલ ખોવાય તો કેટલું નુકસાન થાય. એ લોકો બિચારા દુખી થઇ જાય.’ ત્યારે રીના બોલી, ‘પણ દાદાજી પછી આપણે એમને એમના ચંપલ પાછા આપી દઈશું.’ ત્યારે દાદાજીએ કહ્યું, ‘એમ કોઈને હેરાન અને દુ:ખી કરીને મજાક ના કરાય. એના કરતા આપને એમને ખુશ કરીને મજાક કરીએ. રીનાએ પૂછ્યું, ‘એ કેવી રીતે દાદાજી ?
પછી દાદાજીએ કહ્યું, ‘આપણે એ લોકોના જૂતામાં કેટલાક પૈસાના સિક્કા નાંખી દઈશું. એ લોકો જયારે એ જૂતા પહેરીને ચાલશે એટલે જુતામાંથી અવાજ આવશે. એ લોકોને નવાઈ લાગશે, થોડા ડરશે પણ ખરા. પણ પછી જૂતા કાઢીને જોશે એટલે સિક્કા જોઇને ખુશ થઇ જશે.’ આ સાંભળીને રીના તો ખુશ થઇ ગઈ.
પછી તેને અને દાદાજીએ મજુર લોકોના જુતામાં સિક્કા સંતાડી દીધા. પછી નિરાતે દૂર બેસીને જોવા લાગ્યા. જાણે કે પોતે કશું જણતા જ ના હોય. સમય પૂરો થયો એટલે મજુર લોકો પોતાના ઘરે જવા નીકળ્યા. એ લોકો જેવા જૂતા પહેરીઓને ચાલ્યા, જુતામાથી સિક્કા ખખડવાનો અવાજ આવવા લાગ્યો. પહેલા તો બધાને ખુબ નવી લાગી કે અવાજ આવે છે ક્યાંથી. પછી તેમને જૂતા કાઢી જોયું તો તેમાંથી પૈસાના સિક્કા નીકળ્યા. આ સિક્કા જોઈ તેઓ ખુશ ખુશ થઇ ગયા. અને ભગવાનનો આભાર માનવા લાગ્યા.
દૂર બેઠેલા રીના અને તેના દાદજી પણ ખુશ ખુશ થઇ ગયા. રીનાએ દાદાજીને વચન આપ્યું કે તે હમેશા લોકોને ખુશ કરવા જ મજાક કરશે.