મિલન
મિલન
અંધકાર છવાયેલો છે, વરસાદી કાળાડિબાંગ વાદળોએ આખા આકાશને ઘેરી લીધું હતું. દૂર - દૂર સુધી નજર કરતાં પણ કોઈ સફેદ વાદળ નજરે પડતું નહોતું કે સૂર્યના પણ દર્શન થતાં નહોતાં. એકદમ નિરવ શાંતિ વ્યાપેલી હતી. વૃક્ષોના પાંદડા પણ જરાય હલતાં નહોતાં. પવનનો જરા પણ અણસાર નહોતો.
બધા મનુષ્યમાં ભય ફેલાયેલો હતો. કોઈપણ વ્યક્તિ કંઈ બોલી રહ્યું નહોતું. બધા ચહેરા પર એક ભયાનક તોફાન આવવાના અણસારનો ડર હતો. બધા એકબીજાને મૌન બની રહી જોઈ રહ્યાં હતાં. પશુ - પક્ષીઓ પણ એકદમ શાંત થઈ ગયાં હતાં જાણે એ પણ આવનારા તોફાનનો તાગ પામી ગયા હતાં.
બધાના ચહેરા પર માત્ર ડર હતો. એ સિવાયના કોઈ ઈર્ષ્યા, ના હરીફાઈ, ના ઘમંડ, ના ધર્મના ભેદભાવના જાતિના ભેદભાવ, બધાને આ તોફાનથી બચવાની જ પડી હતી. એક ડરના કારણે બધા મૌન હતાં કોઈને કંઈ બોલવાની કે બીજી સૂઝ નહોતી. બધાના મનમાં એક સરખો એક જ વિચાર ચાલી રહ્યો હતો કે આ ભયાનક તોફાનના વાદળો ઓસરી જાય અને સૂર્યના દર્શન થાય અને સૃષ્ટિમાં હર્ષોલ્લાસ છવાઈ જાય, બધાના મનમાં પ્રસરેલો ડર નાશ પામે પણ, જેમ સમય પસાર થઈ રહ્યો હતો એમ ગાઢ શાંતિ વ્યાપી રહી હતી. લોકોનો ડર પણ ગાઢ થઈ રહ્યો હતો. બધાને ફક્ત આવનારા તોફાનથી બચવાની પડી હતી. જોતજોતામાં તો તોફાનની શરૂઆત થાય છે જોરદાર પવનના વંટોળ સાથે વરસાદ શરૂ થાય છે. લોકો પોતાના ઘરમાંથી આકાશ તરફ મીટ માંડીને બેઠાં હતાં તો કેટલાંક પુરુષો અને યુવાનો પોતાનાં ઘરે પહોંચવાની ઉતાવળમાં હતાં.
પુરજોશમાં પવન સાથે વરસાદ પડી રહ્યો હતો. ત્રણ દિવસ થઈ ગયાં કોઈ ઘરની બહાર નીકળી શકતાં નહોતાં અને ઘણાં વર્ષોથી અડીખમ ઉભેલાં વૃક્ષો ધરાશયી થયાં હતાં તો ઘણાં પશુ - પક્ષીએ જીવ ગુમાવ્યા હતાં. કુદરતનું આવું ક્રૂર રૂપ જાણે મનુષ્યજાતિ માટે એક શાંતિનો અને એકજૂથ બનીને રહેવાનો સંદેશો લઈને આવ્યું હતું. આ તોફાનને જોઈને લાગી રહ્યું હતું કે આ દરેક જાતિ અને ધર્મના ભેદભાવ અને મનુષ્ય જાતિમાંથી ઈર્ષા, ઘમંડ જેવા દુર્ગુણોનો નાશ કરવાનો અને એકજૂથ બની પરસ્પર એકબીજાને મદદરૂપ થવાનો સંદેશો લઈને આવ્યું હોય એમ લાગી રહ્યું હતું.
આ તોફાનને હવે સાત દિવસ પસાર થઈ ગયાં હતાં ચારે તરફ અંધકાર, શાંતિ, ફક્ત વરસાદના પાણીનો અવાજ હતો. જ્યાં પણ દૂર - દૂર નજર જાય ફક્ત પાણી જ પાણી અને ધરાશાયેલી થયેલાં વૃક્ષો અને વિનાશ નજરે પડતો હતો. બધા મૌન રહીને ફક્ત આંખોથી અને વહેતાં આંસુથી એકબીજાની વાત સમજતા હતાં. બધાની વેદના સરખી જ હતી. એ સ્થળે હાજર બધાએ પોતપોતાના કોઈને કોઈ પરિજનને ગુમાવ્યા હતાં. એમાં વિનયના ઘરથી થોડે દૂર બિલકુલ સામે ઇશાનું ઘર હતું. ઇશાનો પરિવાર બંગાળી હતો એના પિતાએ નોકરી અર્થે વર્ષોથી આ જ ગામમાં વસવાટ કરેલો. ઈશા અને વિનય મનોમન પ્રેમ કરતા હતાં પણ એ બંનેએ ક્યારેય એકબીજાને કહેવાની જરૂર પડી નહીં. બંનેએ એકબીજાની આંખોથી જ હૃદયની ભાષા જાણી લીધી હતી. ક્યારેક એકબીજાને જોતાં તો એમ જ દૂરથી જ મૌન રહીને પાંપણનો પલકારો માર્યા વગર એકબીજાને જોતાં રહેતાં. બંનેને એકબીજાને કાંઈ કહેવાની જરૂર પડી જ નહોતી અને બંનેએ એકબીજાની આંખોની ભાષા વાંચી લીધી હતી. જેમાં નિઃસ્વાર્થ પ્રેમ ઝળકતો હતો. ઈશા જ્યારે ઘરની બહાર જતી તો એના પરિવારના કોઈક સદસ્ય સાથે જ બહાર નીકળતી. આ તરફ વિનયે પણ ક્યારેય એને એકાંતમાં મળવાની કે કંઈપણ વાત કરવાની કયારેય કોશિશ કરી નહોતી.
આજે આ તોફાનમાં જે વિનાશ સર્જાયો હતો એમાં ઇશાના પરિવારજનો બહાર હતાં એમનો હજી સુધી કોઈ સંદેશો નહોતો. એ પોતાનાં એ ઓરડાની બારી પાસે બેઠી આંખોમાં આંસુ સાથે બધું દ્રશ્ય નિહાળી રહી હતી. વિનયના પરિવારમાં ફક્ત એના મમ્મી હતાં જે પણ ઘણાં સમયથી લાંબી માંદગીમાં હતાં અને નાનો ભાઈ હતો. એ પણ તોફાન આવ્યું ત્યારે કોલેજ ગયેલો હતો હજી પરત ફર્યો નહોતો અને તોફાને જે રીતે ગંભીર રૂપ ધારણ કર્યું હતું એના પછી કોઈપણ સાજાવાના હોય એવા વાવડની આશા રાખવી ઠગારી હતી. વિનય પોતાની બીમાર માં ની કાળજી કરતાં - કરતાં પણ ઈશાના વિચારમાં હતો એને ખબર નહોતી કે એ પણ ઘરે એકલી છે.
ધીમે - ધીમે તોફાન શાંત થઈ રહ્યું હતું અને ઠેક - ઠેકાણે ભરાયેલાં પાણી હવે ઉતરવા લાગ્યાં. લોકો બહાર નીકળી, પોતાનાં ઘર અને આસપાસની જગ્યાનો વિધ્વંશ જોઈને એકબીજાને સામે જોઈ કંઈપણ બોલ્યાં વગર હૈયાંફાટ રુદન કરવા લાગ્યાં. કોણ કોને આશ્વાસન આપે એ સમજાતું નહોતું. બધા મૌન હતાં. ત્યાં જ વિનય બહાર આવીને પોતાનાં જેવા બીજા નિરાશ અને દુઃખી થઈ ગયેલાં યુવાનોના ખભે હાથ રાખીને કંઇપણ બોલ્યા વગર જ વારાફરતી બધાને આશ્વાસન આપે છે. ત્યારબાદ ત્યાં જ અસ્તવ્યસ્ત થયેલું બધું સરખું કરવામાં લાગી જાય છે. થોડીવાર તો બધા આશ્ચર્યથી એને જોઈ રહ્યાં.
ત્યારબાદ થોડાં એના જેવા યુવાન હતાં એ એની મદદ કરવામાં લાગી ગયાં. ત્યારે કોઈપણ એ નહોતું જોતું કે કઈ જાતિ કે કયો ધર્મ છે. જેનું જે પણ સંકેલી શકાય અને સરખું કરી શકાય, ખાવા માટેની વસ્તુઓનું આયોજન થઈ શકે એમાં લાગ્યા હતાં. જાણે બધામાં એકબીજાની મદદ મેળવીને ધીમે - ધીમે નવી શરૂઆતનો અને નવા જીવનને જીવવાની ઉર્જાનો સંચાર થઈ રહ્યો હતો. વિનયને ઇશાના માતા - પિતા વિશે જાણીને આઘાત લાગે છેે. વિનય એને મળીને આઘાતમાંથી બહાર આવવા માટે નવી શરૂઆત કરવા માટેની હિંમત આપે છે " ઈશા... ! " પોતાનું નામ વિનયના મોંઢે પહેલીવાર સાંભળીને એની આંખોમાંથી અવિરત આંસુની ધારા વહેવા લાગે છે. એ આશ્ચર્યજનક રીતે એને જોતી રહે છે. બંનેની આંખોએ તો એકબીજાના હૃદયની ભાષા ક્યારની સમજી અને જાણી લીધી છે પણ બધા જ ડર અને મર્યાદા, પરંપરાને કારણે એમણે એને ક્યારેય એકબીજા સામે વ્યક્ત કર્યા જ નહીં. એ વિનયને એકધારું જોઈ રહી. " ઈશા ... ! જે થઈ ગયું એ બદલાવાનું નથી અને જે પરિજન ગુમાવ્યા એ પણ પાછા આવવાના નથી પણ ભગવાને આપણને આ ભયંકર તોફાનમાં જીવીત રાખ્યા છે તો એના પાછળ કોઈક ઉદ્દેશ્ય હશે એમ હું માનું છું. આટલા બધા વિનાશની સાથે અસંખ્ય લોકોએ જીવ પણ ગુમાવ્યા છે એમાં આપણે એટલાં માટે જીવીત છીએ કે આપણે બીજાને મદદ કરી શકીએ. એમને નવા જીવનની શરૂઆત માટે પ્રેરણા આપીએ, હિંમત આપીએ. જો અહીં નજર કર. બધા પોતાના જ છે. બધાએ પોતાના કોઈને કોઈ પરિજનને ગુમાવ્યા છે. હવે આપણે એમની હિંમત બનવાનું છે અને આ ગામના જે લોકો જીવિત છે એ જ આપણો અને એકબીજાનો પરિવાર છે. આપણે જ એમને આ આઘાત અને દુઃખમાંથી બહાર આવવા માટે મદદ કરવી પડશે. બાકી આ તોફાન તો આવીને ગયું પણ દરેકના જીવનમાં તોફાન મૂકતું ગયું છે તો આપણે બધાની હિંમત બનવાનું છે. જો નાના - નાના ઇજાગ્રસ્ત બાળકો, જેમનું કોઈ ધ્યાન રાખવાવાળું નથી. એમનો આધાર અને પરિવાર બનવાનું છે. " એની આંખોમાં જોઈને વિનયે એને બધી પરિસ્થિતિ સમજાવાનો અને હિંમત આપવાનો પ્રયાસ કર્યો. વિનયના સહકારથી એનામાં પરિસ્થિતિને સ્વીકારવાની અને આગળ વધવાની હિંમત આવે છે. એ પોતાનું દુઃખ બાજુ પર રાખી અને એમાં રડવામાં સમય બગાડવાની જગ્યાએ વિનય સાથે મળીને બધાને આ ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવવામાં અને બધું સરખું કરવામાં, ઇજા પામેલા લોકોની સેવા - ચાકરી કરવામાં મદદ કરે છે.
ત્રણ મહિના જેવો સમય પસાર થઈ જાય છે. બધાં હવે ધીમે - ધીમે નવા રોજિંદા ક્રમમાં ઢળવા લાગ્યાં છે. બધા એ રીતે એકબીજા સાથે પ્રેમાળ અને સહકાર પૂર્ણ વ્યવહાર કરી રહ્યાં છે. ધર્મ, જાતિ કે બીજા કોઈપણ પ્રકારના વિવાદને અત્યારે કોઈ સ્થાન નહોતું. પરસ્પર એકબીજાનો જે સાથ - સહકાર મળ્યો એમાં બધાને માત્રને માત્ર એકબીજા માટે પ્રેમ અને ભાઈચારો હતો. એ સાથે જ બધા ઇશા અને વિનયના પ્રેમને પણ સમજવા લાગ્યાં હતાં. બંને બધાને મદદ કરતાં હોવા છતાં એકબીજાનું જે રીતે ધ્યાન રાખી રહ્યાં હતાં એ પરથી એમનો સર્વ લોકો સામે ગાઢ પ્રેમ વ્યક્ત થઈ રહ્યો હતો.
ગામના એક નામાંકિત વયોવૃદ્ધ વડીલે બધાને ભેગા કરીને નક્કી કર્યું કે, "ગામમાં બધા હળીમળીને રહેશે. કોઈપણ પ્રકારના ભેદભાવ કે ઈર્ષ્યા, ઘમંડને કોઈ સ્થાન નહીં હોય. જો આટલાં મોટા કુદરતી પ્રકોપ સામે બધા એકઠાં મળીને, એકજૂથમાં સામનો કરીને નવી શરૂઆત કરી શક્યા છે. આ શરૂઆત ક્યારેય કોઈ એકલાથી શક્ય નહોતી બનવાની. આ બધાના સહકારથી શક્ય બન્યું છે. માટે હવે સાથે મળીને એકબીજાના અને ગામમાં ઉદ્ધાર માટે કામ કરવામાં આવશે. ક્યારેય કોઈ ધર્મ - જાતિ કે ઈર્ષ્યામાં લડાઈ, ઝઘડા કરવામાં નહીં આવે. "
બધાં ચહેરા પર ખુશી ઝળકી રહી હતી. બધાને વડીલની આ વાતથી ખુશી થઈ એ જણાઈ રહ્યું હતું. ત્યાં જ એક યુવાન આગળ આવીને બોલે છે. " તો હવે ધર્મ ને જાતિના બંધન તોડીને બે આત્માનું મિલન પણ શક્ય બનશે એમ ને ? જે આત્મા પવિત્ર છે, જેનો પ્રેમ પવિત્ર અને નિઃસ્વાર્થ છે અને જો એ રીતે બે આત્માનું ક્યારેક મિલન થશે તો પણ કોઈ ધર્મ કે જાતિના નામ પર કોમવાદ કે જાતિવાદના તોફાનો અને લોહીની છોળો નહીં ઊડે એમ ને ? એ માની શકાય ને ? કે પછી ...... આ તમારો ભાઈચારો માત્ર કહેવા પૂરતો જ છે ?"
યુવાનની આ વાત સાંભળીને વિનયનો એક મિત્ર આગળ આવીને "ભલે વિનય અને ઇશાના પરિવારમાં ઘણો આસમાન જમીનનો ફરક છે પણ એકબીજાને પસંદ કરે છે અને એમણે તો ક્યારેય એકબીજાને ઔપચારિક રીતે કહેવાની પણ જરૂર નથી પડી. એમનો બે શુદ્ધ આત્માનો પ્રેમ છે અને જે રીતે એ બંનેએ આપણાં બધા માટે સેવા આપી છે, આપણી પણ ફરજ બને કે એ બંનેનું મિલન કરાવીએ અને ખરા અર્થમાં ભાઈચારાની અને એકતાની નવી શરૂઆત કરીએ. હવે ઇશાના માતા - પિતા પણ નથી રહ્યાં તો એ જવાબદારી તમારે વડીલોએ નિભાવવાની રહે." ગામના બધા થોડીવાર એકબીજા સામે જોતાં રહે છે પછી સહમતીથી આ વાતને વધાવી લે છે અને ઇશા અને વિનયનું મિલન શક્ય બને છે.
