મીના
મીના


એક નાનકડું સુંદર મજાનું ગામ હતું. તે ગામમાં એક સુંદર મજાની પ્રાથમિક શાળા હતી. આ શાળામાં ગામના બાળકો ભણવા જતા હતા. શાળાના શિક્ષકો પણ બાળકોને ખુબ પ્રેમથી ભણાવતા હતાં. એટલું જ નહિ રોજ જુદી જુદી રમતો અને સ્પર્ધાઓ પણ કરતાં હતા. બાળકોને ભણવાની સાથે બીજું પણ ઘણું બધું શીખવા મળતું હતું.
આજ ગામમાં એક પરિવાર રહેતો હતો. એ ભુલાકાકાનો પરિવાર હતો . તેમને બે સંતાન હતા. એક દીકરો ઋત્વિક અને બીજી દીકરી મીના. ઋત્વિક મોટો અને મીના નાની હતી. ઋત્વિક તો રોજ ભણવા જતો હતો. ભાઈને ભણતો જોઇને મીનાને પણ ભણવા જવાની ખુબ જ ઈચ્છા થતી. પણ તેની મા તેની પાસે ઘર કામ કરાવતી. એટલે તેને શાળા એ જવા મળતું નહિ.
પણ મીના ખુબ જ હોંશિયાર હતી. તે જયારે સાંજે ઋત્વિક શાળામાંથી ભણીને ઘરે આવે પછી એના દફતરમાંથી ચોપડા કાઢી શિક્ષકે આખા દિવસ દરમ્યાન જે ભણાવ્યું હોય તે તે જાતે જ ભણીને પાકું કરી લેતી. ઋત્વિકને પણ ખુબ ઈચ્છા હતી કે તની નાનીબેન મીના પણ ભણવા માટે નિશાળ આવે. પણ તે બિચારી ઘરનું કામ, રસોઈકામ અને ખેતી કામમાં જ અટાવી રહેતી.
એક દિવસની વાત છે. મીનાની માતાએ મીનાને બળતણ માટે લાકડા વીણવા માટે મોકલી. મીના લાકડા વણતા વીણતાં ઋત્વિકની શાળા બાજુ પહોંચી ગઈ. ત્યાં જઈને તે શાળાના રૂમની પાછળથી બારીમાંથી શિક્ષિકાબેન બાળકોને શું ભણાવે છે, તે જોવા લાગી. શિક્ષિકાબેન ગઈ કાલે જે સરવાળાનાં દાખલા લેસનમાં આપ્યા હતા તેજ પાટિયામાં લખાવતાં હતા. તેમને બાળકોને દાખલા ગણવા માટે આપ્યા પણ કોઈ બાળકને દાખલાના જવાબ આવડ્યા નહિ. પણ મીનાએ ગઈ કાલે આ બધા જ દાખલા ભાઈ ઋત્વિકના ચોપડામાંથી ઘરે શીખ્યા હતા. એટલે તેને જવાબ આવડી ગયો.
તે ઉત્સાહમાં અને ઉત્સાહમાં બારી બહારથી જવાબ બોલી ગઈ. આ સાંભળી બેનને નવાઈ લાગી. તેમને કહ્યું, ‘શાબાશ આ જવાબ એકદમ સાચો છે. કોણ બોલ્યું આ જવાબ ? ‘ત્યારે બધા બાળકો એક બીજા સામે જોવા લાગ્યા. કે રૂમમાંથી કોઈ આ જવાબ બોલ્યું ના હતું. ત્યારે ઋત્વિકે ઉભા થતા કહ્યું, ‘બેન,આ જવાબ તો મારી બહેન મીના બોલી. બારી બહારથી. આ જોઇને મીના તો ડરી ગઈ. પણ બેને મીનાને હસતાં મોઢે શાબાશી આપી અને શાળામાં રૂમમાં બોલાવી. અને કહ્યું, ‘તું તો ખુબ જ હોંશિયાર છે. તો શાળામાં ભણવા કેમ નથી આવતી ? ત્યારે મીનાએ કહ્યું, ‘બેન મારે ઘરના કામ કરવાના હોય છે. અને માને પણ કામમાં મદદ કરવાની હોય છે. એટલે.
આ સાંભળી બેને નક્કી કર્યું કે કે તે સાંજે બધા બાળકો સાથે મીનાનાં ઘરે જશે. અને તેના માં-બાપને મીનાને શાળામાં મોકલવા માટે સમજાવશે. સાંજ પડી એટલે નક્કી કર્યા મુજબ બેન બાળકો સાથે મીનાના ઘરે ગયા. આચાર્ય સાહેબ પણ સાથે આવ્યા હતા. તેમેને મીનાની હોંશિયારીની વાત કરી. અને મીનાનાં મા-બાપને દીકરીઓના ભણતરનું મહત્વ સમજાવ્યું. અને સરકાર તરફથી દીકરીઓને મળતા લાભ વિષે પણ વાત કરી.
આ બધું સાંભળી મીનાના મા-બાપને દીકરીના ભણતરનું મહત્વ સમજાયું. અને તેમને મીનાને રોજ નિશાળે મોકલવાનું આચાર્ય સાહેબ અને બેનને વચન આપ્યું. અને મીનાતો આ આજની ખુશ ખુશ થઇ ગઈ.