મદદ
મદદ


એક સુંદર મજાનું જંગલ હતું. આ જંગલ ખુબ હરિયાળું અને ફળો અને ફૂલોથી ભરેલું હતું. આ જંગલમાં અનેક પ્રાણીઓ અને પંખીઓ રહેતા હતા. આ પ્રાણીઓમાં હરણ, વાઘ, સિંહ, વાંદરા, હાથી સસલા, એવા તો અને ક પ્રાણીઓ અને જાત જાતના પક્ષીઓ હતા. આ બધા જ પ્રાણીઓ અને પંખીઓ એક બીજા સાથે હળીમળીને રહેતા હતા. તેઓ ક્યારે એક બીજાનો શિકાર કરતા નહતા. પરંતુ વનના ફળ અને ફૂલ ખાઈને પોતાનું જીવન જીવતા હતા. આ બધાજ પ્રાણીઓ સંપથી હળીમળીને રહેતા અને સંકટના સમયમાં એક બીજાની મદદ કરતાં હતા.
આ જંગલની બાજુમાં જ એક નાનકડું ગામ હતું. જેમાં આદિવાસી લોકો રહેતા હતા. આ આદિવાસી લોકો જંગલમાંથી ફળ, ફૂલ અને લાકડા લોકો ઘણા જ માયાળુ અને પ્રાણી પ્રેમી હતા. તેઓ ક્યારેય આ જંગલના કોઈ પ્રાણીઓને હેરાન કરતાં નહિ. એટલે જંગલના પ્રાણીઓ પણ આ ગામના લોકોને ઓળખતા અને તેમને નુકસાન પહોચાડતા નહિ.
એક દિવસની વાત છે. એક વખત દૂરના એક શહેરમાંથી કેટલાક શિકારી લોકો આ જંગલમાં આવ્યા. તે લોકો આ જંગલના પ્રાણીઓને પકડીને શહેરમાં લઇ જઈને સરકસમાં વેચી દેવા માંગતા હતા. જંગલમાં અજાણ્યા લકો આવેલા જોઇને બધા પ્રાણીઓ સમજી ગયા. કે આ લોકોનો વિચાર આપણને પકડી જવાનો છે. એટલે બધાજ પ્રાણીઓ અને પંખીઓ ભેગા થઈને જંગલના રાજા સિંહ પાસે ગયા. અને બધી વાત કરી. સિંહે કહ્યું તમે બધા ડરશો નહિ. તમે બધા પોતાના પરિવાર સાથે આપની જંગલની ગુફામાં જઈને સંતાઈ જાઓ. હું એ લોકોને ભગાડું છું. એટલે બધાજ પ્રાણીઓ અને પંખીઓ સિંહના કહેવા મુજબ પોતાના બચ્ચાઓ સાથે એક મોટી ગુફામાં સંતાઈ ગયા.
સિંહ એકલો એ શિકારીઓનો સામનો કરવા માટે બહાર રહ્યો. તે પ્રાણીઓને શોધતા શોધતા ગુફા તરફ જ આવા લાગ્યા. એમને આવતા જોઇને સિંહ સામે આવ્યો અને જોરથી ત્રાડ નાખી. પણ શિકારીઓ પાસે તો આધુનિકા હથિયાર હતા. જેમાં બંદુક, તીર, ભલા વગેરે હતા. તેમેને સિંહને પકડવા માટે તેને ઘાયલ કરવાનું નક્કી કર્યું. તેમણે બંદુકમાંથી ગોળીઓ મારી અને આ સિંહને ઘાયલ કર્યો. ઘાયલ થવાથી સિંહ બે ભાન બની ગયો. અને પેલા શિકારી લોકો બેભાન બનેલા સિંહને એક મોટી જાળ બાંધી પોતાની સાથે લઈને ચાલવા લાગ્યા.
એજ વખત બાજુના ગામના બે યુવાન આ જંગલમાં લાકડા વીણવા આવ્યા હતા. તેમેને જોયું કે બહારના શિકારી સિંહને જાળીમાં પકડીને લઇ જતા હતા. પણ તેઓ બિચારા બે જ જણા હતા. અને તેમની પાસે કોઈ હથિયાર પણ નહતું. જયારે શિકારીઓ તો ઘણા હતા. અને તેમની પાસે ઘણા હથિયાર પણ હતા. એ બે યુવાનો તેમનો સામનો કરી શકે તેમ ન હતા. એટલે તેમને એક ઉપાય વિચાર્યો. તેમણે જંગલના બાકીના પ્રાણીઓ જ્યાં ગુફામાં હતા ત્યાં ગયા અને તમને સમજાવ્યા.
‘તમે લોકો ખુબ જ શક્તિશાળી છો. આ શિકારીઓ કરતાં પણ તમારી પાસે વધારે તાકાત છે. પણ તમે સૌ ડરી ગયા છો એટલે તમારી શક્તિ ભૂલી ગયા છો. એ લોકો તમારા રાજાને પકડીને લઇ જાય છે. આજે સિંહને લઇ ગયા કાલે ફરી આવશે તો તમને લઇ જશે. એમનાથી બચવાનો એક જ ઉપાય છે. તમે બધા પ્રાણીઓ ભેગા મળી તેમની પર હુમલો કરો. તમારી શક્તિ પાસે એ લોકોનું કંઈ જ નહિ આવે. અમે પણ તમારી સાથે છીએ.’
આ બધું સાંભળી જંગલનાં પ્રાણીઓમાં હિંમત આવી. તે બધા જ એક સાથે આ શિકારીઓ પર તૂટી પડ્યા. વાઘ, ચિત્તો, દીપડો, હાથી, ગેંડો, રીંછ આ બધા પ્રાણીઓના હુમલાથી પેલા શિકારીઓ ખુબ જ ઘાયલ થયા અને સિંહને મુકીને ભાગી ગયા. પછી પેલા બેયુવાનો સિંહને ગુફામાં લાવ્યા. તેના ઘા સાફ કર્યા. તેમાં ઔષધ ભરી. થોડીવાર પછી સિંહ ભાનમાં આવ્યો. આમ સંપથી રહેવાથી જ સુરક્ષિત રહી શકાય છે.