મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
મિત્રતા એ "સ્વયં પ્રકાશિત" પોત જેવી છે. હંમેશા સાથે જીવતી અને હૂંફના પ્રકાશમાં આપણને જીવાડતી એક જીવંત પ્રક્રિયા એટલે મિત્રતા. એક સાચો મિત્ર કોઈપણ વ્યક્તિ માટે "શ્રેષ્ઠ મોટીવેશનલ સ્પીકર" છે. તે માણસનાં થોડાંક શબ્દો વ્યક્તિને જીવવાનું જીવન બળ પૂરું પાડે છે. ભલે તે બહુ ફિલોસોફીકલ ભારેખમ ન હોય. હળવાં પણ સત્વ અને પોતાનાપણાના ભાવના બળથી વજનદાર એવાં શબ્દો માણસને જીવનની કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં હિંમત હારતાં અટકાવે છે. "હું છું ને તારી સાથે" એ સાચો મિત્ર શબ્દમાં ક્યારેય નથી કહેતો, પણ વર્તન, વ્યવહારમાં ભારોભાર છલકતું હોય છે.
પર્વત પાસે નદી ક્યારેય...
પાસપોર્ટ નથી માંગતી...
તે તો, ભીતરથી ઊગતી હોય ....
અને વહેતી હોય અસ્ખલિત ....
આમ જ,
મિત્રતા એ એક એવી ગોડ -ગિફ્ટ છે...
જે છેડેચોક નિભાવે છે,
પણ સાથે"હોવાનાં" પુરાવા નથી માંગતી.
હૃદયમાંથી આવેલું ફિલ્ટર કર્યા વગર સીધે સીધું કહી શકાય. ખોટું લાગે કે સારું તેની પરવા કર્યા વગર બેપરવાહીથી વર્તી શકાય, જેનું અસ્તિત્વ માત્ર હૂંફના તાપના જેવું લાગે, ભલે તે ગમે તેટલો દૂર હોય તે "છે" નું મહત્વ છે. "ક્યાં છે" તે ગૌણ હોય. આવાં મિત્રોનું જીવનમાં હોવું એટલે જ સાચું કંઈક કમાયા જેવી મિલકત છે.
આજનાં સ્વાર્થી જમાનામાં તમને દસ નહીં પણ એકાદ આવો મિત્ર મળે ને તો પણ તેને જીવથી વધુ જતન કરીને સાચવજો. કારણ કે જીવન આવાં લોકોને કારણે જ સહનીય બને છે. જીવનને તમે આવાં મિત્રોની સાથે જ સાચી રીતે ઉજવી શકો છો. તમારી ખુશી તમારાં જેટલી જ તીવ્રતાથી, કદાચ તેનાંથી વધારે તીવ્રતાથી તે અનુભવી શકે છે. તમારી સફળતામાં તમારાં કરતાં વધારે આનંદ તેને થતો હોય છે. તમને દુઃખ ન થાય તે માટે કંઈ કેટલીય વાતો તમારાથી જિંદગીભર માટે કહેતો નથી. તમે તમારી જાત જોડે વાત કરતાં હોય, તે રીતે તમે તેની સાથે વાત કરી શકો છો. ખખડાવી શકો છો. લડી શકો છો. ભૂલો બતાવી શકો છો. ભૂલો સ્વિકારી શકો છો. પોતાની નિષ્ફળતા સ્વીકારી શકો છો. સફળતા વહેંચી શકો છો. દુઃખને ખંખેરી શકો છો. પીડાને વહોરી શકો છો. તો આવાં મિત્રો એ જાતનાં સાચાં મિત જેવાં છે. તેમનાં તમારા જીવનમાં હોવાં માટે ઈશ્વરને "કૃતજ્ઞતા" વ્યક્ત કરજો, થેન્ક્યુ કહેજો.
