માણસ
માણસ
આપની ભીતરમાં રહેલા શિવજીને વંદન. આજ માણસની મારી તમારી વાત કરવી છે. માણસનું વર્ગીકરણ અલગ અલગ લોકોએ વિવિધ રીતે કરેલ છે. પણ મને જે પસંદ આવેલ છે તે તમને કહું છું.
માણસ ને એટલે કે આપણી જાત ને સમજવા હોય તો તેના ત્રણ સ્તર છે.
પ્રથમ સ્તર શરીર છે, જેનાથી આપણે બધા વાકેફ છીએ. ખાવું, પીવું, શ્વાસ લેવો, છીંક ખાવી, મળમૂત્રનો વિસર્જન, ભૂખ લાગવી, ઇરછા થવી . .આ બધા કાર્યો શરીરના ક્ષેત્રમાં આવે. દુનિયા ના મોટાભાગના આશરે 90 % ટકા લોકો આખા જીવનને શરીરના સ્તર પર વિતાવી દે છે. શરીરના સ્તર પર તમે સદા બીજા પર આધારિત છો, જેમ કે તમે કોઈ સારો ડ્રેસ લો છો અને તમને મજા આવે છે પણ એ મજા તમારી નથી પણ ડ્રેસ ના લીધે છે, બહારથી છે. જો ડ્રેસ ના હોય તો કદાચ મજા ના હોય. આ બહુ જ પ્રાથમિક સ્તર છે.
બીજા સ્તર પર મન આવે છે. શરીરથી થોડું સૂક્ષમ છે. બધા ભાવો, ક્રોધ, ઈર્ષ્યા, લોભ, કલ્પના આ બધું મન્ ના ક્ષેત્ર માં છે. એક મત મુજબ મન શબ્દ પરથી માણસ કે માનવ શબ્દ આવ્યો છે. જેટલા પણ સર્જકો છે આ દુનિયામાં માં તે પોતાના ભાવજગત માં જીવે છે. પણ સંખ્યા ઓછી છે. આ સ્તરમાં રહેનાર વ્યક્તિ ખૂબ પીડા અનુભવે છે કારણકે ખૂબ જ સંવેદનશીલ હોય છે.. મહાભારતનું ઉદાહરણ લો તો ભીમ અને દુર્યોધન શરીર ના સ્તર પર છે તેથી યુદ્ધની આગલી રાતે તેઓ નિરાંતે સુતા છે. અર્જુનને નીંદર નથી આવતી કારણ કે તે મનના સ્તર પર છે. તે પરેશાન છે, જ્યારે કૃષ્ણ ભગવાન નિરાંતે સુતા છે. તેઓ ત્રીજા આત્મા ના
સ્તર પર છે. તેઓ વર્તમાનમાં જીવે છે, યુદ્ધ કાલે છે તો કાલે જોઈશું. .મનના ક્ષેત્રમાં આવતા લોકો ને એક ફાયદો અને એક ગેરફાયદો છે. ફાયદો એ છે કે શ્રેષ્ઠ પ્રકારના સાહિત્ય કે સંગીતનો આનંદ તેઓ અનુભવી શકે છે, ગેરફાયદો એ કે તે ખૂબ જ લાગણીશીલ હોવા ના કારણે સદા દુઃખી રહે છે. એક વધુ ફાયદો પણ છે, તેઓ સદા ઊર્મિજગતમાં જીવતા હોવાથી ક્યારેક તેઓ આત્માના સ્તર પર છલાંગ મારી દે છે, પણ થોડી જ ક્ષણો માટે, ખાસ તો જ્યારે તેઓ કાઈ સર્જે છે એ સમયે. પણ મન એ શરીર અને આત્માની વચ્ચે હોઈ આવા કલાકાર લોકી સદા તણાવમાં હોય છે. કારણ કે આત્માના સ્તર પર નો આનંદ મળતો નથી અને શરીર ના સ્તર પર તેઓ ધારે તો પણ જીવી શકતા નથી. આથી ઉચ્ચ ગજાના ઘણા કલાકારોએ દુનિયામાં આત્મહત્યા કરી છે. મન એ શરીર અને આત્મા વચ્ચે એક સેતુ, પુલની જેમ હોય છે. આ સેતુને પાર કરી આત્મા સુધી પહોંચાય છે. દુનિયામાં જૂજ લોકો મન ના સ્તર પર જીવે છે. લખતા બધા લોકોને આ બીજા વિભાગમાં મૂકી શકાય.
એક આડવાત, આ આપણને રોજના કાર્યોમાં પણ મદદરૂપ થાય છે. ઓફિસમાં કે ઘરમાં તમને ખબર પડી જાય કે આ વ્યક્તિ કોઈ ચોક્કસ સ્તર પર જીવે છે પછી તેની સાથે કેમ વહેવાર કરવો તે આસાન બની જાય છે.
ત્રીજું આત્માનું સ્તર છે, તેના વિશે કંઈપણ કહેવું અયોગ્ય છે.. સદા આનંદની વર્ષા, અવિરત. શબ્દો નથી.
ખેર, ફરી વાર, આ મારો મત છે, માનવાનો કોઈ આગ્રહ નથી. ભીતરની કસોટી પર ચેક કરજો, અને તમારી ભીતરથી સત્ય પ્રગટ થાય એ તમારું છે.